ચાંદીસમ ચંદ્ર આકાશમાં ઝળકે છે. દુનિયાભરના લાખો ઘરોમાં જાદુઈ શાંતિ છવાઈ જાય છે. એવો સહજ ચમત્કાર થાય છે રમઝાનના પવિત્ર મહિનામાં. રમઝાન, એક એવો મહિનો, એવો સમય જ્યારે કરોડો હૃદય મૃદુ થઈ જાય છે. જ્યારે આત્મા જાગે છે. જ્યારે ધર્મ રોજિંદા જીવનમાં ખરા અર્થમાં જીવંત શક્તિ બની જાય છે. સદીઓથી રમઝાન માત્ર એક ધાર્મિક રીતરિવાજ કરતાં ક્યાંય વધુ મહત્ત્વ ધરાવતો પાવન માસ છે. રમઝાન ખરેખર તો એક અદભુત સિમ્ફની કે અનેક પાવનતાઓથી છલકતું સંગીત છે. જેમાં ભૂખ અને વિનમ્રતાનું પણ મિલન થાય છે. આ મહિનામાં પ્રાર્થના અને ધીરજ એકમેકમાં ભળી જાય છે. આ મહિનામાં વિશ્વ આખું ભક્તિના પાવન સંગીતથી ગુંજી ઊઠે છે.
રમઝાનના મહિનામાં કુરાન આસમાનથી જમીન પર ઉતર્યું હતું. આ મહિનાની 27મી રાત્રે, શબ-એ-કદર, કુરાનની તિલાવત એટલે કે પાઠ કરવામાં આવ્યો હતો. અને આ મહિનાના લયલતુલ કદ્ર (લૈલત અલ-કદર)ની રાતે તેની પ્રથમ આયતો ઇસ્લામિક પયગંબર મુહમ્મદ પર નાઝીલ કરવામાં આવી હતી એટલા માટે આ મહિનામાં કુરાનનું વધુ વાંચન કરવું એને પવિત્ર માનવામાં આવે છે. અને કુરાનમાં જ રોઝો રાખવા જણાવવામાં આવ્યું હતું માટે આ મહિનામાં રોજો રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
રમઝાન મહિના દરમિયાન દરેક મુસ્લિમ માટે ચંદ્રની કળાના આધારે 29 કે 30 દિવસના ઉપવાસ રાખવા ફરજિયાત છે. રમઝાનનો પવિત્ર મહિનો ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. દરેક ભાગને અશરા કહે છે. પહેલો અશરો રમઝાનના એકથી દસમા દિવસવો હોય છે. બીજો અશરો ૧૧થી ૨૦મા દિવસ સુધીનો હોય છે. ત્રીજો અશરો ૨૧થી ૩૦મા દિવસ સુધીનો હોય છે. રમઝાનના પહેલા 10 દિવસ, એટલે કે પહેલો અશરો દયાનો છે. બીજો અશરો કરેલા ગુનાઓની માફી પ્રાર્થવાનો છે. ત્રીજો દોજખની આગથી બચાવવા અલ્લાહને યાચના કરવાનો છે.
રમઝાનનો સાચો અર્થઃ બાહ્ય દ્રષ્ટિએ જોતાં કે સપાટી પર વિચારતા ભલે રમઝાન ઉપવાસનો મહિનો લાગે પણ એ એના કરતાં ક્યાંય વિશેષ છે. જેઓ રમઝાનને ખરા હૃદયથી ઉજવે છે, એનો ઊંડાણપૂર્વક અનુભવ કરે છે. તેઓ જાણે છે કે તે રમઝાન ઉપવાસની વિધિ કરતાં અનેકગણો વધુ ગહન છે. રમઝાન ખરેખર તો ઉદરની નહીં, આત્માની અલૌકિક યાત્રા છે.
રમઝાનની દરેક સવાર એક વચન દોહરાવે છે. એ કહે છે કે માત્ર ખાવાપીવાથી નહીં, પણ ક્રોધ, લોભ અને બિનજરૂરી વાતો, ચાડીથી પણ દૂર રહેવાનું વચન એટલે રમઝાન. અને એનો દરેક સૂર્યાસ્ત એકલા શરીરનો નહીં, હૃદયનો પણ ઉપવાસ તોડે છે. એ આપણને દરેક પાણીના એકએક ઘુંટડા અને કણકણ ખોરાક માટે કૃતજ્ઞતાનો ભાવ અનુભવવાનું સ્મરણ કરાવે છે.
રમઝાનનો દરેક રોઝો (ઉપવાસ) એક મૂક પ્રાર્થના છે. એમાં થતી ભૂખની દરેક લાગણી સાચા દિલથી થતો ધીરજનો પાઠ છે. અને રમઝાનમાં દરેક ઇફ્તાર કૃતજ્ઞતાનો ઉત્સવ છે.
રમઝાનનો વૈશ્વિક મહિમાઃ વિશ્વભરમાં રમઝાનના અનેકાનેક રંગ છે. ઇફ્તારના સમયે દિલ્હીની જામા મસ્જિદની શેરીઓમાં ફરી જોજો ક્યારેક, જ્યાં કબાબ મઘમઘે છે અને મીઠી સેવૈયાંથી દરેક પ્લેટ શોભે છે. કે પછી મુંબઈના મહમ્મદ અલી રોડ પર લટાર મારી જોજો, જ્યાં બિરયાની અને માલપુઆંની સુગંધ હવાને તરબતર કરે છે.
એવી જ રીતે તુર્કીની વિશાળ મસ્જિદોમાં, સુહૂર માટે લોકોને જગાડવા લયબદ્ધ ઢોલનો નાદ ગુંજી ઊઠે છે. તો, ઇજિપ્તમાં, ફાનસની રોશનીમાં શેરીઓ ઝળહળા થઈ ઊઠે છે. ઇન્ડોનેશિયાના નગાબુબુરિટની સુંદર સાંજથી લઈને મોરોક્કોના ઝાયકેદાર હરિરા સૂપ સુધી, રમઝાન માસ ભક્તિથી ગૂંથાયેલી અનંત પરંપરાઓની રંગબેરંગી હારમાળા બની જાય છે.
ભલે ઉજવણીની, ખાણીપીણીની દેશ દેશ, કે શહેર શહેર અલગ હોય પણ રમઝાનના તમામ જીવંત રીતરિવાજોનો સાર એક જ રહે છેઃ સાદગી, સ્વ-અનુશાસન અને કરુણાની સર્વોચ્ચ ભાવના. અને, હૃદયપૂર્વક એમના તરફ જીવનને ફરી વાળવું.
ભૂખ, સહાનુભૂતિની શિક્ષકઃ કહે છે ભૂખ સૌથી મહાન શિક્ષક છે. પેટ ખાલી હોય ત્યારે હૃદય ભરાઈ જાય છે. એના ભરાવામાં ગરીબો માટે સહાનુભૂતિ પણ હોય છે, એના ભરાવામાં જીવનના નાની-મોટી સુખ-આનંદ માટે કૃતજ્ઞતા છલકતી હોય છે. અને જીવનના પ્રવાસમાં સાથ આપનારા સૌના માટે પ્રેમ પણ એમાં ભરાય છે.
રમઝાનમાં ઉપવાસ એ માત્ર જાતને કશુંક નહીં કરવાનું જણાવવા વિશે નથી. રમઝાન તો એ લોકોની ભૂખ અનુભવવા વિશે છે જેમની પાસે આપણી જેમ ખાવાનો વિકલ્પ નથી. રોઝો ગરીબ અને અમીરને એક પાટલીએ બેસાડે છે. રોઝો દરેક ઇન્સાનને ભૂખના તાંતણે બાંધે છે અને સમાનતા અને શ્રદ્ધાની સુવાસ ફેલાવે છે.
રીતરિવાજથી પરે: હૃદયનો તહેવારઃ પહેલી નજરે લાગે છે એમ રમઝાન ત્યાગનો મહિનો બિલકુલ હશે. પણ એનાથી વિશેષ એ વિપુલતાનો મહિનો પણ છે. એ વિપુલતા શ્રદ્ધાની છે, ઇબાદતની છે, પરોપકારની પણ છે અને ઇન્સાનિયતની પણ છે. રમઝાનમાં રાતના અમાપ અંધકારમાં ચોમેર શાંતિથી કરાતી પ્રાર્થનાઓની વિપુલતા છલકતી જોવા મળે છે. સામુદાયિક ઇફ્તારમાં વહેંચાતા ભોજન થકી પ્રેમની વિપુલતા છલકતી જોવા મળે છે. અને રમઝાનમાં એક હૃદયથી બીજા હૃદય સુધી અસ્ખલિત વહેતી માફીની વિપુલતા પણ અનુભવી શકાય છે.
રમઝાન સમય છે જ્યારે પાડોશી પણ ખરા અર્થમાં પરિવાર બની જાય છે. જ્યારે અજાણ્યા પણ મિત્રો બની જાય છે. જ્યારે ઉદારતા સ્વભાવ બની જાય છે.
ફરિશ્તા જિબ્રાલ: અવતરણના સંદેશવાહકઃ ફરિશ્તા જિબ્રાલ (ગેબ્રિયલ)નું ઇસ્લામમાં અવિચળ અને ખાસ સ્થાન છે. તેઓ એ ફરિશ્તા હતા જેઓએ અલ્લાહના સંદેશ પયગંબરો સુધી પહોંચાડ્યા. રમઝાનમાં તેમની હાજરી ગહન રીતે અનુભવાય છે. ખાસ કરીને લયલતુલ કદ્રની રાતે, જ્યારે માનવામાં આવે છે કે ફરિશ્તાઓ પૃથ્વી પર ઊતરે છે અને રાત્રિને શાંતિ અને આશીર્વાદોથી ભરી દે છે.
લયલતુલ કદ્ર: હજારો મહિનાથી પણ શ્રેષ્ઠ રાતઃ રમઝાનની છેલ્લી દસ રાત્રિઓમાં એક રહસ્ય છુપાયેલું છે. એ પાવન રહસ્ય એટલે લયલતુલ કદ્ર, શક્તિની રાતનું રહસ્ય. એ એવી રાત જે એકસાથે હજારો મહિનાના આશીર્વાદ લઈને આવે છે. કહે છે આ રાત્રે કરેલી પ્રાર્થનાઓ કિસ્મત બદલી શકે છે. એ માનવીનાં પાપોને ધોઈ નાખે છે. એ શક્યતાના નવા દરવાજા ખોલે છે અને ભાવિકોને દિવ્યતા સુધી પહોંચાડે છે.
મજાની વાત કે એ ખરેખર કોઈ નથી જાણતું કે લયલતુલ કદ્ર ક્યારે આવે છે! અને એ બાબત, એ રહસ્ય એ રાતને અને એની શોધને વધુ રોચક અને સુંદર બનાવે છે. ઇન્સાને પ્રાર્થનામાં ગાળેલી દરેક રાત એને એક વાતનું સ્રમણ કરાવે છે કે શ્રદ્ધા માત્ર મંઝિલ સુધી પહોંચવા વિશે નથી, શ્રદ્ધા તો જીવનના સફરને પ્રેમ કરવા વિશે છે.
આત્માનું શુદ્ધીકરણઃ સ્વાભાવિક છે કે એક મહિના સુધી શરીરને ઓછું અન્ન મળે એનાથી એ હળવું ફુલ બની જાય છે. રમઝાનના એક મહિનાના ઉપવાસ પછી જો શરીર હલકું લાગે એની સામે, આપણો આત્મા જાણએ પુનર્જન્મ અનુભવે છે. તેથી જ, ભલે ભોતિક ખોરાકની ઇચ્છાઓ ઓસરી જાય પણ પરંતુ સારાપણા માટેની ભૂખ એના લીધે પ્રદીપ્ત થઈ જાય છે.
રમઝાન આપણને શીખવે છે કે જીવનની કે દુનિયાની સૌથી મોટી લડાઈઓ તલવારથી નહીં, પરંતુ સ્વનિયંત્રણથી લડવામાં આવે છે. એટલે જ કદાચ આ દુનિયાને વધુ રમઝાનની જરૂર છે. વધુ મૂક પ્રાર્થનાઓ, વધુ વહેંચાયેલાં ભોજન અને વધુ હૃદયો જે બીજાની ભૂખ અનુભવે, એની જરૂર છે.
આપણે પ્રાર્થના કરીએ કે આપણી દરેક ભૂખ હૈયામાં દયાભાવને જગાડે. પાણીનું દરેક ટીપું કૃતજ્ઞતાની મીઠાશ લાવે. દરેક રમઝાન માસ આપણને યાદ અપાવે કે જીવનની સૌથી સરળ વસ્તુઓ ઘણીવાર સૌથી દિવ્ય હોય છે. બસ, આટલું સમજ્યા અને માનવતાના અનુયાયી થયા તો ઘણું.
દેશવાલે કોર્નર: ખાલી થાળી, ભરેલું હૃદય…
રમઝાન યાદ અપાવે છે કે પેટ ખાલી હોય ત્યારે હૃદય ભરાઈ જાય છે.ભલે માનવી મુંબઈની સાંકડી ગલીમાં હોય કે મક્કાના સોનેરી રણમાં, એનો ઉપવાસ વ્યક્તિને ધીરજ, કૃતજ્ઞતા અને એકતાના એકતાતણે પરોવાઈ જતો જીવ બનાવે છે.