મુંબઈનો જૈન સમુદાય જર્મનીમાં વર્ષ 2022થી ફોસ્ટર કેરમાં રહેતી નાની બાળકી અરિહા શાહની મુક્તિ માટે પોતાના પ્રયાસોને વેગ આપી રહ્યો છે. મંગલ પ્રભાત લોઢાની આગેવાનીમાં મુંબઈ જૈન સંગઠનના અગ્રણીઓ સાથે એક પ્રતિનિધિ મંડળ આજે મુંબઈમાં જર્મન કોન્સ્યુલેટના અધિકારીઓને મળશે અને અરિહાને તેના માતા-પિતા, ભાવેશ અને ધારા શાહને તાત્કાલિક સોંપવાની માંગ કરશે. આ કેસે ભારતમાં નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું છે, જેમાં જૈન સમુદાય અને સામાજિક કાર્યકરો બાળકીના પરત ફરવા માટે સાંસ્કૃતિક અને માનવ અધિકારોના મુદ્દાઓને ઉજાગર કરી રહ્યા છે.
અરિહા શાહને જર્મન બાળ કલ્યાણ અધિકારીઓએ તે માત્ર સાત મહિનાની હતી ત્યારે કસ્ટડીમાં લીધી હતી. આ ઘટના ફેબ્રુઆરી 2022માં શરૂ થઈ, જ્યારે અરિહાની માતા ધારા શાહે તેના ડાયપર પર લોહીના ડાઘ જોયા અને તાત્કાલિક તેને ડોક્ટર પાસે લઈ ગયા. જોકે, સારવાર આપનાર ડોક્ટરે આ કેસની જાણ જર્મનીના યુગેન્ડમ્ટ (યુથ વેલફેર ઓફિસ)ને કરી, જેણે માતા-પિતા પર યૌન શોષણની શંકા લાગતા આ વેલફેરે બાળકીને તાબે લીધી. ત્યારબાદની તપાસમાં ભાવેશ અને ધારા શાહને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવા છતાં, જર્મન અધિકારીઓએ અરિહાને તેના પરિવારને પરત કરી નથી. હાલમાં ભારતમાં રહેતા શાહ દંપતીને તેમની દીકરી સાથે મર્યાદિત સમયગાળામાં બે-ત્રણ અઠવાડિયે એકવાર, કડક દેખરેખ હેઠળ મળવાની મંજૂરી આપવામાં આવે છે.
મુંબઈ જૈન સંગઠનના પ્રતિનિધિ નિતીનભાઈ વોરાએ અરિહાને તેના માતા-પિતા સાથે પુનઃમિલનમાં થઈ રહેલા વિલંબ પર નારાજગી વ્યક્ત કરી. તેમણે જણાવ્યું, “આરોપોમાંથી મુક્તિ મળ્યા બાદ પણ આ જૈન પરિવારને તેમની બાળકીનો કબજો આપવામાં આવતો નથી. આ બાળકીને તેના પરિવારથી અલગ રાખવી એ ન્યાયનું ઉલ્લંઘન છે.” આ પ્રતિનિધિ મંડળમાં નિતીનભાઈ વોરા ઉપરાંત પ્રકાશભાઈ ચોપડા, વિનોદભાઈ કોઠારી અને હસમુખભાઈ સંઘવી પણ સામેલ થશે. તેઓ જર્મન કોન્સ્યુલેટ સમક્ષ અરિહાને તેના માતા-પિતાને સોંપવા અને આ કેસના ઝડપી ઉકેલ માટે દબાણ કરશે.
આ કેસે જૈન સમુદાયમાં ભારે આક્રોશ ઉભો કર્યો છે, જેનું માનવું છે કે જર્મન બાળ સુરક્ષા વિભાગની આડોડાઈ અને અનાવશ્યક વિલંબના કારણે અરિહા તેના પરિવારથી વિખૂટી રહી છે. આ ઘટનાએ ભારતીય પરિવારોના વિદેશમાં સામનો કરવો પડતો સાંસ્કૃતિક અને કાનૂની પડકારોને પણ ઉજાગર કર્યો છે. નિતીનભાઈ વોરાએ વધુમાં જણાવ્યું, “અરિહાને તેના માતા-પિતા સાથે રહેવાનો પૂર્ણ હક છે. અમે આ મામલે ન્યાય મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું.”
જૈન સમુદાયના આ પ્રયાસોને સમાજના અન્ય વર્ગો તરફથી પણ સમર્થન મળી રહ્યું છે. સામાજિક માધ્યમો પર #BringArihaHome હેશટેગ સાથે ઝુંબેશ ચાલી રહી છે, જેમાં લોકો અરિહાના પરિવારના પુનઃમિલન માટે ટેકો દર્શાવી રહ્યા છે. આ પ્રતિનિધિ મંડળની જર્મન કોન્સ્યુલેટ સાથેની બેઠકથી આ કેસમાં નવો વળાંક આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


