By: Hiren Gandhi

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે વિશ્લેષકોનો એક મહત્વનો મત છે કે અમેરિકા ઈરાનને સંપૂર્ણ રીતે ખતમ કરવા માંગતું નથી, પરંતુ તેને નિયંત્રિત અને નબળું રાખવાની રણનીતિ અપનાવી રહ્યું છે. બહારથી જોતા આક્રમક નિવેદનો અને મર્યાદિત હુમલાઓ આ દિશામાં સંકેત આપે છે, પરંતુ સંપૂર્ણ યુદ્ધની ગેરહાજરી એક અલગ જ દૃશ્ય રજૂ કરે છે.

તાજેતરના મહિનાઓમાં થયેલી ઘટનાઓ દર્શાવે છે કે હુમલા મર્યાદિત સ્તરે થાય છે અને ચોક્કસ ટાર્ગેટ્સને નિશાન બનાવવામાં આવે છે, છતાં જમીન સ્તરે વ્યાપક યુદ્ધ નથી થયું. નિષ્ણાતોના મત મુજબ, જો કોઈ દેશ ખરેખર વિરોધીને નષ્ટ કરવા માંગે, તો તે સંપૂર્ણ સૈન્ય કાર્યવાહી કરે. અહીં એવો અભિગમ જોવા મળતો નથી, જે સૂચવે છે કે હેતુ “વિનાશ” નહીં પરંતુ “નિયંત્રણ” છે.

વિશ્લેષણ મુજબ, નબળું પરંતુ અસ્તિત્વમાં રહેલું ઈરાન અમેરિકા માટે વધુ વ્યૂહાત્મક રીતે ઉપયોગી છે. મધ્ય પૂર્વમાં સતત તણાવ ગલ્ફ દેશોને સુરક્ષા અંગે ચિંતિત રાખે છે. પરિણામે, આ દેશો રક્ષણ માટે વધુ ખર્ચ કરે છે, જેમાં અમેરિકાની ભૂમિકા મુખ્ય બને છે. આ પરિસ્થિતિથી હથિયારોના વેચાણમાં વધારો, ડિફેન્સ સોદાઓમાં વૃદ્ધિ અને રાજકીય પ્રભાવ મજબૂત થાય છે.

તેલના બજાર પર પણ આ તણાવનો સીધો પ્રભાવ પડે છે. અમેરિકાનો શેલ ઓઈલ ઉત્પાદન નીચા ભાવમાં ટકાઉ નથી. તેથી, મધ્ય પૂર્વમાં નિયંત્રિત અસ્થિરતા તેલના ભાવને એક ચોક્કસ સ્તર ઉપર જાળવી રાખે છે. સંપૂર્ણ શાંતિથી ભાવ ઘટી શકે છે, જ્યારે સંપૂર્ણ યુદ્ધ વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમી બની શકે છે. આથી, સંતુલિત અસ્થિરતા અમેરિકા માટે અનુકૂળ ગણાય છે.

આ પરિસ્થિતિમાં હોર્મુઝ જળસંધિનું વ્યૂહાત્મક મહત્વ વિશેષ છે. વિશ્વના લગભગ 20 ટકા તેલનો વેપાર આ માર્ગથી થાય છે. અહીં કોઈપણ પ્રકારનું દબાણ વૈશ્વિક સપ્લાય પર તરત અસર કરે છે. અમેરિકો સીધો નિયંત્રણ ન હોવા છતાં, પરિસ્થિતિને એવી રીતે પ્રભાવિત કરે છે કે વ્યૂહાત્મક નિયંત્રણ તેની પાસે રહે.

આનો અસર વિસ્તાર વૈશ્વિક સ્તરે જોવા મળે છે. ચીન અને ભારત જેવા મોટા તેલ આયાતકાર દેશો માટે આ પરિસ્થિતિ સંવેદનશીલ બને છે, જ્યારે યુરોપિયન દેશો પર પણ ઊર્જા સુરક્ષાને લઈ દબાણ સર્જાય છે.

તાજેતરમાં બજારમાં પણ એક ચોક્કસ પેટર્ન જોવા મળ્યો છે. કડક નિવેદનો બાદ બજારમાં તેજીથી પ્રતિક્રિયા જોવા મળે છે, જ્યારે થોડા સમય પછી પરિસ્થિતિ શાંત થતાં બજાર સ્થિર થઈ જાય છે. આ ચક્ર રોકાણકારો માટે અવસર અને જોખમ બંને ઊભું કરે છે.

આ સમગ્ર પરિસ્થિતિનો એક મહત્વનો પાસો અમેરિકન ડોલર પર પણ અસર કરે છે. મધ્ય પૂર્વમાં તણાવના કારણે તેલનો વેપાર મોટા ભાગે ડોલરમાં જ થાય છે, જેના કારણે ડોલરની વૈશ્વિક સ્થિતિ મજબૂત બને છે અને અમેરિકા માટે તેના આર્થિક દાયિત્વો સંભાળવા સરળ બને છે.

ભારત માટે આ પરિસ્થિતિ ટૂંકા ગાળાની નથી. આવતા વર્ષોમાં પણ ફ્રેઇટ અને ઇન્સ્યોરન્સ ખર્ચમાં વધારો અને વેપારમાં અવરોધ જોવા મળી શકે છે. નિષ્ણાતો સૂચવે છે કે ભારતીય વેપારીઓએ વિકલ્પ માર્ગો તૈયાર રાખવા અને બજારની ગતિને સમજવા પર ભાર આપવો જરૂરી છે.

સંપૂર્ણ રીતે જોવામાં આવે તો, મધ્ય પૂર્વની હાલની પરિસ્થિતિ એક ગોઠવાયેલ વ્યૂહાત્મક માળખાનો ભાગ લાગે છે, જેમાં ઈરાન વિરોધી તરીકે નહીં પરંતુ એક મહત્વપૂર્ણ ઘટક તરીકે કાર્ય કરે છે.

Secretary — InGlobal Business Foundation (IBF)
Director — ReNis Agro International LLP, Ahmedabad, India

Subscribe Deshwale on YouTube

Join Our Whatsapp Group

Share.
Leave A Reply

Exit mobile version