પૃથ્વી સહિતના ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. આ ગ્રહોની સિવાય પણ સૂર્ય આસપાસ અન્ય ચીજો ફરે છે. એમાં એસ્ટરોઇડ્ઝનો સમાવેશ થાય છે. એસ્ટરોઇડ સૂર્યની આસપાસ ફરતા નાના, ખડકાળ પદાર્થો છે. આપણા સૌરમંડળની રચનાના એ અવશેષો છે. તેમને લઘુગ્રહો અથવા પ્લેનેટોઇડ્સ પણ કહે છે. એસ્ટરોઇડ્ઝ પૃથ્વીના માર્ગમાં આવી જાય ત્યારે ખતરો ઊભો થાય છે. જોકે એની શક્યતા સામાન્યપણે ઓછી હોય છે.

સંશોધકો કહે છે કે સરેરાશ, મધ્યમ કદના એસ્ટરોઇડ લગભગ દર 100થી 200 હજાર વરસે પૃથ્વી સાથે અથડાય છે. એને લીધે પૃથ્વી પર જીવો અને વાતાવરણને મોટું નુકસાન થવાની ભીતિ રહે છે. તાજા સમાચારમાં નાસાએ પૃથ્વીની નજીક આવી રહેલો વિમાનના કદનો એક લઘુગ્રહ 2025 સીએલ-થ્રી શોધી કાઢ્યો છે. નાસાએ અનુમોદન કર્યું છે કે 96 ફૂટનો આ લઘુગ્રહ પ્રતિ કલાક 44,900 કીલોમીટરની તીવ્ર ઝડપે પૃથ્વી નજીકથી પસાર થશે. પૃથ્વીની નજીકનો આ પદાર્થ 13 ફેબ્રુઆરીએ સાંજે ભારતીય સમય પ્રમાણે 7:05 વાગ્યે પહોંચશે. જોકે એ સમયે એ પૃથ્વીથી 35,60,000 કિલોમીટરનું સુરક્ષિત અંતર જાળવી રાખશે. હાશ, ભલું થજો એ લઘુગ્રહનું.

પરંતુ આવો કોઈ એસ્ટરોઇડ આપણી દુનિયા સાથે ટકરાય તો શું થાય? એમ થાય તો વાતાવરણમાં ધૂળ અને ધુમાડો વધી શકે છે. એમ થવાથી સૂર્યપ્રકાશ આપણા પહોંચશે નહીં અને ધરતીના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. વળી અથડામણને કારણે ઘણા જીવોનાં મોત થઈ શકે છે. એક એપાર્ટમેન્ટ કદનો એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાય તો એના લીધે એક નાના શહેરનો નાશ થઈ શકે છે. આ અંગે સંશોધકો વિવિધ અનુમાનો સાથે અભ્યાસ કરતા રહે છે.

ભવિષ્યમાં, મધ્યમ કદનો, એટલે લગભગ 500 મીટરનો એસ્ટરોઇડ ધરતી સાથએ ટકરાય તો પૃથ્વીની આબોહવા અને જીવનમાં પરિવર્તન આવી શકે છે. અથડામણ પછી ઉપરના વાયુમંડળમાં કરોડો ટન વજનનાં ધૂળનાં વિશાળ વાદળો ફેલાઈ શકે છે. 100-400 મિલિયન ટનનું ધૂળનું તોફાન ત્રણથી ચાર વરસમાં આપણી આબોહવા, વાતાવરણના રસાયણશાસ્ત્ર અને વૈશ્વિક પ્રકાશસંશ્લેષણ પર અવળાં પરિણામો સર્જી શકે છે. 

દક્ષિણ કોરિયાની બુસાન નેશનલ યુનિવર્સિટીના આઈબીએે સેન્ટર ફોર ક્લાઇમેટ ફિઝિક્સ (આઈસીસીપી)ના સંશોધકોના અભ્યાસ પછી આ માહિતી પ્રકાશમાં આવી છે. અભ્યાસનાં પરિણામો સાયન્સ એડવાન્સીસસ જર્નલમાં પ્રકાશિત થયાં છે. સંશોધકો કહે છે કે સરેરાશ કદના એસ્ટરોઇડ લગભગ દર 100થી 200 હજાર વરસે પૃથ્વી સાથે અથડાય છે. સંશોધકોએ પૃથ્વીની આબોહવા પ્રણાલી અને સમુદ્રમાં પાર્થિવ છોડ અને પ્લાન્કટોન પર એસ્ટરોઇડની અસરની અસરોનો અભ્યાસ કરવા માટે એક મોડેલનો ઉપયોગ કર્યો હતો. એસ્ટરોઇડની ટક્કરથી ફેલાતી ધૂળને કારણે સૂર્યપ્રકાશમાં ઘટાડો થવાથી પૃથ્વીની વૈશ્વિક સપાટી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડી પડી શકે છે. વિશ્વભરમાં વરસાદમાં સરેરાશ 15% ટકાનો ઘટાડો થઈ શકે છે. ઓઝોન સ્તરમાં લગભગ 32%નો ઘટાડો થઈ શકે છે. આનાથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને પણ ઘણાં નુકસાન થઈ શકે છે.

Share.
Leave A Reply

Exit mobile version