હકીકત એ છે કે અત્યંત ધમધમતા વિસ્તારમાં આ ચબૂતરો એવો ભાસે છે જાણે કોઈકના સાથ-સહકારની પ્રતીક્ષામાં હોય! કોઈક સદભાવીની પ્રતીક્ષા…
ખારા કૂવાની પોળના ચબૂતરાને શહેરના હેરિટેજ સ્ટ્રક્ચર્સની યાદીમાં માનભર્યું સ્થાન મળ્યું છે. ક્યારે અને કોણે આ ચબૂતરો બંધાવ્યો તેની નિશ્ચિત જાણકારી ક્યાંય મળતી નથી. છતાં, નહીં નહીં તોય આ ચબૂતરો સો વરસ કરતાં વધારે જૂનો છે એવું જરૂર કહી શકાય. એક તો તેના બાંધકામને નિરખતાં અને તેના કોતરકામના સમયકાળનો અંદાજ બાંધતાં.

સરસ મજાનું ષટ્કોણ આકારનું માળખું, એક થાંભલા પર ઊભેલો જાજરમાન અને અત્યારે લીલા અને ગેરુ રંગથી ધ્યાન ખેંચતો આ ચબૂતરાનો દેખાવ ખરેખર મજાનો છે. એની વર્તમાન સ્થિતિ જોકે મજાની નથી. પથ્થરમાંથી નિર્માણ પામેલા આ ચબૂતરાના ઉપરના ભાગમાં કોતરકામ પણ દેખાઈ આવે છે. અત્યારે જે રંગરોગાન દેખાય છે તેને થયાને પણ પચ્ચીસેક વરસ વીતી ગયાં હશે એવું જરાક નિરીક્ષણ કરવાની સાથે અંદાજી શકાય છે.
એક જમાનામાં આ આખા વિસ્તારમાં માત્ર જૈનોનાં ઘર હતાં. આજે માંડ બેએક ઘર જૈનનાં રહ્યાં છે. આ પોળ આશરે બસો વરસ જૂની છે. ચબૂતરાની વાત કરીએ તો આજે તેનો કોઈ ધણીધોરી નથી. પાસે આવેલા વૃક્ષનો છાંયડો ભલે ચબૂતરાને આશ્વાસન આપતો હોય તેવી આભા સર્જે, હકીકત એ છે કે અત્યંત ધમધમતા વિસ્તારમાં આ ચબૂતરો એવો ભાસે છે જાણે કોઈકના સાથ-સહકારની પ્રતીક્ષામાં હોય! કોઈક સદભાવીની પ્રતીક્ષા…
ચબૂતરાની નીચેનો બધો ભાગ આજે નાસ્તા-પાણીની લારીઓ અને તેના સામાનથી ભરચક થઈ ગયો છે. તેની આસપાસ જાતજાતના કેબલ્સ એવા લાગે છે જાણે તેમણે ચબૂતરાને ભીંસમાં લીધો હોય. આ સુંદર ચબૂતરાની જાળવણી યોગ્ય રીતે થાય તો પક્ષીઓની સેવા ખૂબ સારી થઈ શકે. બસ, એ જવાબદારી કોઈક ઉઠાવી લે તો. એક વાત એ પણ નોંધવા જેવી છે કે હેરિટેજ સ્થાપત્યોની યાદીમાં સ્થાન મેળવનાર કોઈપણ સ્થાપત્ય એક પોળ, વાડા કે વિસ્તારની નહીં, આખા દેશની ધરોહર છે. આવા કોઈક સ્થાપત્યને ગૌરવાન્વિત કરવામાં દરેકનું ગૌરવ છે.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.