કચ્છ ગુજરાતના જાણીતા ગાયક, ગીતકાર, સંગીતકાર, લેખક, ફિલ્મ દિગ્દર્શક અને ભારતના અગ્રણી મ્યુઝિક થેરાપિસ્ટ તરીકે ઓળખાતા ડૉ. કૃપેશ ઠક્કર હવે ઐતિહાસિક સિદ્ધિ સાથે ગ્રેમી એવોર્ડ્સ 2026ના વોટિંગ મેમ્બર તરીકે પસંદ થયા છે. આ સાથે જ કચ્છ અને ગુજરાતનો અવાજ હવે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સંગીત એવોર્ડ્સના નિર્ધારણમાં અગત્યની ભૂમિકા ભજવશે.

ડૉ. કૃપેશ કચ્છ અને ગુજરાતમાંથી પ્રથમ કલાકાર છે જેમને આ વૈશ્વિક સર્જનાત્મક સમુદાયનો ભાગ બનવાનો ગૌરવ મળ્યો છે. ગ્રેમી વોટિંગ મેમ્બર તરીકે તેઓ વિશ્વના સંગીત ઉદ્યોગમાં શ્રેષ્ઠ ગણાતા ગ્રેમી એવોર્ડ્સ 2026 માં સૌથી વધુ 16 જેટલા વોટ આપી અને વિશ્વ સંગીતના નિર્ણાયક વોટર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 16 વોટ પૈકી 10 વોટ ફક્ત વિશ્વભરના સંગીત ક્ષેત્રના અનુભવી ગાયક, સંગીતકાર, ગીતકાર, રેકોર્ડીંગ એંજીનિયર અને પ્રોડ્યૂસર કલાકારો ને જ આપવા મળે છે. જેમાં ડૉ. કૃપેશ તેમના 15થી વધારે વર્ષના સંગીત અને ફિલ્મ ક્ષેત્રના અનુભવ થકી વોટર તરીકે આમંત્રિત થયા છે. બાકીની છ જનરલ કેટેગરીમાં પણ તેઓ વોટિંગ કરી મહત્તમ વોટ આપનાર પ્રથમ કચ્છી માડું બનશે.

આ ઉપરાંત પોતાની કૃપ મ્યુઝિક અને ગિવ વાચા ફાઉંડેશન સંસ્થાઓ થકી ગુજરાતના કલાકારોના ગીતોને હવે તેઓ આ પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ્સ માટે આગામી વર્ષોમાં નોમિનેટ કરી કલાકારોને વૈશ્વિક મંચ સુધી જવા પ્રોત્સાહિત કરશે. ગ્રેમી એવોર્ડ્સ 2026ના વોટિંગનું પ્રથમ ચરણ 3 ઓકટોબરથી 15 ઓક્ટોબર સુધીનો રહેશે. અને એવોર્ડ્સનો કાર્યક્રમ પહેલી ફેબ્રુઆરી 2026ના અમેરિકામાં લોસ એન્જેલસ ખાતે થશે. જેમાં ડૉ. કૃપેશ ઠક્કરને પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. પૂજા ઠક્કર સાથે હાજર રહવા આમંત્રણ મળ્યું છે. જે કચ્છ ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે.

ડૉ. કૃપેશ તેમના “મ્યુઝિક થેરાપી ફોર ઑલ” અને “ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ” જેવા વૈશ્વિક અભિયાનથી જાણીતા છે. તાજેતરમાં જ તેમણે “સાઉન્ડ્સ ઑફ સનાતન, વોલ્યુમ 1” જેવા આલ્બમ દ્વારા વૈશ્વિક સ્તરે ભારતીય સનાતન સંસ્કૃતિ, સંસ્કૃત મંત્રો અને મ્યુઝિક થેરાપીને નવી ઊંચાઈ આપી છે.

આ સફળતા વિષે વાત કરતાં ડૉ. કૃપેશે જણાવ્યું: “આ માન માત્ર મારો નથી, પણ સમગ્ર કચ્છ અને ગુજરાતનો છે. હવે અમારા અવાજ ગ્રેમી એવોર્ડ્સના નિર્ણય પ્રક્રિયામાં સંભળાશે તે ગૌરવની વાત છે. હું આશા રાખું છું કે મારી આ સિદ્ધિ બીજા કલાકારોને વૈશ્વિક સપનાઓ જોવાની અને સંગીત દ્વારા દુનિયાને એક કરવા માટે પ્રેરણા આપશે. આ સફળતા હું મારા પંચેશ્વર – માતા, પિતા, પત્ની, પુત્રી અને પુત્ર ને સમર્પિત કરું છું.”

અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. કૃપેશ છેલ્લા 12 વર્ષથી ગુજરાતી ફિલ્મ જગત અને સંગીત સાથે સંકડાયેલ  છે. તેમના ગીતકાર, સંગીતકાર અને ગાયક તરીકે 50 જેટલા ગીતો વિશ્વભરમાં લોન્ચ થયેલ છે. તેમ જ લેખક દિગ્દર્શક તરીકે હાલ તેઓ સામાજિક લોકજાગૃતિની ‘મૈં ભી અર્જુન: પર્વ’ હિન્દી ફિલ્મ તેમજ ‘નાનકડા પગલાં ભારે હરણફાળ’ જેવી ગુજરાતી ફિલ્મ પર કાર્ય કરી રહ્યા છે.

Share.
Leave A Reply

Exit mobile version