Saturday, January 18

અઠવાડિયે નેવુ કલાક કામ કરવાની વાત જેમણે કરી છે એમના શબ્દો નહીં, એમનો ભાવ સમજવાની જરૂર છે. કારણ, મહેનતને ટલ્લે ચડાવનારા લોકોને મહેલાતનાં સપનાં આવે ત્યારે માથું કૂટવા સિવાય કશું ના કરી શકાય

થોડાં વરસ પહેલાં, ચીનના પ્રવાસમાં જોયેલી સૌથી આશ્ચર્યજનક ચીજ હતી દેશનું વર્ક કલ્ચર. મને યીવુ શહેરમાં હોવાનું બરાબર યાદ છે. જ્યાં મિત્ર સાથે ઇમિટેશન જ્વેલરીની માર્કેટમાં અમે હતા. આ ઉદ્યોગના કાચા માલની એ માર્કેટ હતી. બપોરે બેએક વાગ્યાથી સાંજે સાતે સુધી અમે ત્યાં દુકાનો ઘમરોળી. મિત્રએ અમુક કાચા માલ માટે સોદા કર્યા. પછી ડિલિવરી લેવાની હતી, જેમાં સમય લાગે એમ હતો. અમારી બીજા દિવસની અન્ય શહેર માટે ટ્રેન હતી. કાચો માલ તપાસીને નીકળ્વું અનિવાર્ય હતું. ડિલિવરી આંતરરાષ્ટ્રીય નિયમો અને રીત પ્રમાણે થવાની હતી. એની જવાબદારી અન્ય એક વ્યક્તિને સોંપી હતી પણ પૈસાની ચુકવણી પહેલાં માલ પર આખરી નજર નાખવી મિત્રને જરૂરી લાગતી હતી. ચીની વેપારીએ કહ્યું, “ચિંતા નથી. તમે રાતના બે-ત્રણ વાગ્યે આવી શકો? આવશો તો માલ તૈયાર હશે. નિરાંતે જોઈ લેજો, પછી હું ડિલિવરી માટે તમે ઠરાવેલા માણસને આવતીકાલે સવારે સોંપી દઈશ.”

રાતના બે-ત્રણ વાગ્યે?!

વેપારીના જણાવ્યા પ્રમાણે અમે હોટેલથી રાતના એની દુકાને ગયા. મનમાં હતું કે બિચારાને એક ઓર્ડર માટે અડધી રાતે કામે લગાડ્યો. પણ માર્કેટ પહોંચીને જોયું તો મામલો સાવ અલગ હતો. એ વેપારીની નહીં, એના જેવી બીજી સત્તર-પચીસ દુકાનોમાં વેપાર ધમધમતો હતો. માત્ર ડિલિવરી નહીં, સોર્ટિંગ, મેન્યુફેક્ચરિંગ વગેરે બધું કામ ચાલી રહ્યું હતું. એકદમ એ રીતે જે રીતે અમે બપોરે ચાલતું જોયું હતું. અમારી નવાઈનો પાર નહોતો. એ તો ઠીક, કામ કરનારાઓમાં ટીનએજર્સ, વૃદ્ધ મહિલાઓ… દરેક વયના લોકો હતો. અમારી ફાટેલી આંખો જોઈને ચીની વેપારીએ મંદમંદ હસતાં કહ્યું, “આ તો રોજનું છે. અમારે ત્યાં લગભગ આખો પરિવાર વેપારમાં યોગદાન આપે છે. ચોવીસ કલાકમાંથી બે-ત્રણ કલાક જ એવા હોય છે જ્યારે દુકાન સાવ એટલે સાવ પોરો ખાય. બાકી વેપાર સતત ચાલ્યા કરે. દરેકના બાંધ્યા કલાક હોય. પછી એ બાળક હોય કે સ્ત્રી.”

આજે ચીન જે જગ્યાએ છે એ જગ્યાએ કદાચ દેશના લોકોની આ મહેનત જ એને લાવી છે. માત્ર એટલું નહીં તો અમે જ્યાં પણ ફર્યા ત્યાં પોતપોતાના કામ પ્રત્યે લોકોની નિષ્ઠા અને એમાં એમનું ઇન્વોલ્વમેન્ટ પણ અમને સ્પર્શી ગયું હતું. આપણે ત્યાં સાપ્તાહિક કામના કલાકોની ચર્ચા વારંવાર થઈ રહી છે. એ વખતે ચીનનાં એ દ્રશ્યો આંખ સામે તરવરી રહ્યા છે. 

ઇન્ફોસીસના સ્થાપક નારાયણમૂર્તિએ એના વિશે પહેલાં જ વાત કરી હતી. હાલમાં લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસ. એન. સુબ્રહ્મણ્યમની એવી કમેન્ટ પ્રસિદ્ધિમાં આવી છે, જેમાં તેઓ ચાહે છે કે રવિવારે પણ એમના કર્મચારીઓ કામ કરે. શા માટે? “મને અફસોસ થાય છે કે હું તમને રવિવારે કામ નથી કરાવી શકતો. મારું ચાલે તો હું તમને રવિવારે પણ કામ કરાવું. એમ કરીને હું રાજી થઈશ, કારણ હું રવિવારે પણ કામ કરું છું,” એક વિડિયોમાં તેઓ આવું કહેતા સંભળાયા છે. એનાથી પણ આગળ તેઓ એવું બોલતા પણ સંભળાયા છે કે ઘરે બેસીને તમે શું કરો છો? કેટલીવાર તમે પત્નીનું મોઢું જોયે રાખી શકો છો?

સુબ્રહ્મણ્યમની કમેન્ટ કોઈને ના જચે એવું બની શકે છે. વાત રવિવારે કામ કરવાની નથી કરવી. વાત અઠવાડિયે કેટલા કલાક કામ કરવું જોઈએ એની પણ નથી કરવી. વાત કરવી છે કામ કેવી રીતે કરવું, અને કેવી રીતે થાય છે એની. 

ભારતીયોની અમુક લાક્ષણિકતાઓ આપણાથી વધુ કોણ જાણી શકે? બંધબેસતી ટોપી પહેરી લીધા વિના એટલું આપણે સ્વીકારવું રહ્યું કે અમુક બદીઓને આપણે સહજ માની લીધી છે. એમાં ભ્રષ્ટાચારને સ્વીકૃતિ, ગંદકી, અધકચરી શિક્ષણ વ્યવસ્થા, નબળું રાજકારણ અને બેજવાબદારપણે ફરજ નિભાવવાની વૃત્તિ સામેલ છે. આપણને આ બધી બાબતોમાં લોલંલોલ હોય તો કશો ફરક પડતો નથી. ઇતિહાસ એની સાક્ષી છે. આપણી મંદ પ્રગતિ એની સાક્ષી છે. અન્યથા, 1947માં આઝાદ થયા પછી પણ આજે આપણે આટલા પાછળ અને ઘણે અંશે પછાત પણ ના હોત. 

વર્ક કલ્ચરના મામલે તો આપણે છપ્પન ઇંચની છાંતી છ મિલીમીટરની થાય એવા હાલ છે. આપણે કહેતા અને ભાંડતા હોઈએ છીએ કે સરકારી ખાતાં રામભરોસે ચાલે છે. ભલે એમાં હવે સુધારા થયા અને ભલે ટેક્નોલોજી પણ આવી, છતાં સ્થિતિ એકદમ સારી તો નથી જ. આજે પણ જાહેર ક્ષેત્રની મોટાભાગની બેન્કોમાં, સરકારી કચેરીઓમાં કામકાજનું વાતાવરણ કાંઈ એવું સુધર્યું નથી જોકે એની મિસાલ આપી શકાય. સામે પક્ષે, ખાનગી ક્ષેત્ર પણ પોતાને જબરદસ્ત લેખાવી શકે એવું વર્ક કલ્ચર ધરાવતું નથી. આપણી સિસ્ટમ એટલે વ્યવસ્થા જો નભી અને ટકી ગઈ છે તો એનું એક કારણ છે. આપણે ત્યાં જેઓ કામ કરે છે એ, ટિપિકલ શબ્દોમાં કહીએ તો, ગધેડાની જેમ કરે છે, ઊંધે માથે કરે છે, અને જેઓ નથી કરતા એ મોજ કરે છે. દેશ ટકી ગયો છે, જ્યાં પણ પહોંચ્યો છે, ત્યાં સુધી એને લાવનારા પેલા ગધેડાઓ છે. એમના ખીલે નાચીને બહુમતી લોકો જલસા કરે છે. કોઈપણ કંપનીમાં પહોંચી જાવ, કોઈપણ દુકાનમાં આંટો મારી આવો, કોઈપણ સ્કૂલ-કોલેજમાં જઈને જુઓ, દરેક જગ્યાએ બે પ્રકારના ભારતીયો મળશે. એક તો મહેનતને ભગવાન માનનારા અને બીજા, મહેનતને લબડધક્કે ચડાવનારા. 

આવા ભારતમાં કોઈ જો અઠવાડિયે નેવુ કલાક કામ કરવાની વાત કરે તો એના પર હસવાની જરૂર નથી. એવું બોલનારી વ્યક્તિને ઉપર જણાવેલી બેમાંની પહેલી શ્રેણીની વ્યક્તિ ગણી લેવાની. એમના પર હસનારાને, એમના પર પસ્તાળ પાડનારાને, બીજી શ્રેણીની વ્યક્તિ ગણી લેવાની. મામલો ખતમ. 

થોડા દિવસ પહેલાં એક અગ્રણી ઉદ્યોગપતિની મુલાકાત લીધી હતી. એક બેડરૂમ હોલ કિચનના ઘરથી તેઓએ કરોડોનું સામ્રાજ્ય ખડું કરવા સુધીની પ્રગતિ આપબળે સાધી છે. હાલમાં જ વનપ્રવેશ કર્યો છે. એ ઉદ્યોગપતિએ કહ્યું, “રૂપિયાનો કોઈ પર્યાય નથી. જીવનમાં એની મહત્તા માત્ર અને માત્ર ત્યારે જ ક્ષુલ્લક લાગી શકે જ્યારે રૂપિયા એટલા કમાઈ લઈએ કે ગણવાનો અને વાપરવાનો કંટાળો આવે. ત્યાં સુધી ન બાપ બડા ન ભૈયા, ઓન્લી સબ સે બડા રૂપૈયા. અને એવા રૂપિયા કમાવા હોય તો આખી દુનિયા એક તરફ અને મહેનત, કામ, ફોકસ, એક તરફ. ઓફિસના કલાક પૂરા એટલે કામ પૂરું એ તો ચાલે જ નહી. શરીર અને મગજ સતત કામમાં પરોવાયેલાં હોવાં જ જોઈએ. જવાબદારીઓ નિભાવવામાં લાસરિયાપણું ચાલે જ નહીં. કામકાજના કલાકો પછી તમને ઓફિસથી આવતા એક ફોનને અવગણીને, એક વ્હોટ્સએપ મેસેજને નહીં જોયો કરીને, તમે પોતાનું નુકસાન તો કરો જ છો, સાથે કંપનીને અને દેશને પણ નુકસાન પહોંચાડો છે. જ્યાં સુધી આ એટિટ્યુડ હોય ત્યાં સુધી જીવનમાં પગાર અને સાધારણ જીવનથી વધુ કશું મેળવવાની આશા રાખવી મોટી ગુસ્તાખી છે.” 

અઠવાડિયે નેવુ કલાક કામ કરવાનો ગર્ભિત અર્થ એમની વાતમાંથી મળે છે. રવિવારની બાદબાકી કરો તો અઠવાડિયે નેવુ કલાક એટલે રોજ પંદર કલાક કામ કરવાનું. ઊંઘવાના આઠ કલાક ગણીએ તો ત્રેવીસ કલાક તો પંદર કલાક કામ અને નીંદરમાં ખપી ગયા. કોઈકને થશે, તો બાકીના એક કલાકમાં શું બાકી બધું કરી લેવાનું… ચલ હટ. વાત એવી નથી. વાત જવાબદાર થવાની છે. પંદર કલાક સતત વૈતરું કરવાની નથી. પંદર કલાક સજાગ, સતર્ક, સમર્પિત રહીને, નાનીમોટી જવાબદારીને ન્યાય આપવા કટિબદ્ધ રહેવાની છે. વાત જે આઠ-નવ કલાક કાયદેસર કામકાજ કરવાનો પગાર કે આવક મળે છે એમાં લેશમાત્ર સમાધાન નહીં કરવાની છે. એ મામલે આપણે બહુ ઢીલા છીએ. આપણે નથી કામકાજના કલાકોમાં પૂરેપૂરા સમર્પિત કે નથી આપણે એની બહારના કલાકમાં સજાગ, સતર્ક, સમર્પિત.  

અમારી ઓફિસમાં હમણાં અમે એક ચર્ચા ગોઠવી હતી. 365 દિવસનો પગાર લેતો માણસ વરસમાં ખરેખર કેટલા દિવસ કામ કરે છે, એ હતો વિષય. કોઈપણ ખોટી વાત કર્યા વિના ગણતરી માંડવામાં આવી. બાવન રવિવાર, 21 સવેતન રજા, 10-12 જાહેર રજા… એક પછી એક આવા નકામિયા દિવસોની બાદબાકી કરવામાં આવી. પછી ઓફિસના કલાકોમાં લન્ચ ટાઇમ, અંગત પ્રવૃત્તિ (કંપનીના વ્હોટ્સએપ મેસેજને ભલે ઓફિસ અવર્સ પછી અવગણીએ પણ ઓફિસ અવર્સમાં અંગત વ્હોટ્સએપ મેસેજને તો જોવો જ પડે, જવાબ આપવો પડે, કેમ કે અમને પણ લાઇફ છે, એવી માન્યતાનો ક્યાં તોડ છે?), લઘુ-ગુરુશંકા તો નેચરલી કરવી જ પડે… એવા સમયની પણ ગણતરી કરતાં કરતાં બાદબાકી થતી ગઈ. છેવટે શું બચ્યું? એક વ્યક્તિ એક વરસમાં કેટલા દિવસ કામ કરે છે? દોઢસોથી વધારે નહીં. એમાં જો કંપનીમાં શનિવારે પણ રજા હોય તો? કાઢી નાખો બીજા બાવન દિવસ. 

આપણે ત્યાં અસંખ્ય કંપનીઓમાં શનિ-રવિએ રજા હોય છે. કાયદા અનુસાર મળતી અન્ય રજાઓ, જાહેર રજાઓ પણ અનિવાર્ય છે. માત્ર આટલું પણ ગણીએ તો વરસમાં કામકાજના દિવસ સવાબસોએ આવીને અટકી જાય છે. એ સવાબસો દિવસમાં કેટલા જણ, કેટલા કલાક, ઊંધું ઘાલીને, પૂરી નિષ્ઠા સાથે, પોતાની ફરજ અદા કરે છે?

તો, વીકલી નેવુ કલાક કામ કરવાની વાતને આ વાત સાથે સીધો સંબંધ છે. નેવુ કલાક કામ કરવાની વાતને આપણી આળસ, આપણી નિષ્ફિકરાઈ, આપણી બેદરકારી સાથે પણ સીધો સંબંધ છે. આપણને દિલથી મહેનત કરવી નથી પણ વરસ પતે કે પ્રમોશન તો ખપે જ છે. આપણા કરતાં અન્યને વધુ પ્રમોશન મળે તો આપણો પિત્તો જાય છે. આપણી સાથે ભણેલા, આપણી આસપાસ કે આપણા સર્કલમાં રહેતા કોઈકની પ્રગતિ થાય ત્યારે આપણા પેટમાં ધગધગતું તેલ રેડાય છે. એવું થવાનાં બે કારણ છે અને એક કારણ વાજબી તો બીજું વાહિયાત છે. વાજબી કારણ એ કે ભારતમાં આજે પણ ગણતરીબાજો, ગિલિંડરો, ભ્રષ્ટાચારીઓ, લાગવગિયાઓ, ઓછી મહેનતે આગળ આવી જાય છે અને મોજ કરે છે. એમને જોઈને આપણા પેટમાં તેલ રેડાય તો એ બિલકુલ વાજબી છે. વાહિયાત કારણ એ કે આગળ આવનારામાંના ઘણા ખરેખર મહેનતકશ હોય છે, પોતોના દમ પર એમણે કશુંક હાંસલ કર્યું હોય છે. એવા લોકોની સરાહના કરવાને બદલે આપણે એમના માટે પણ ઈર્ષ્યા કરીએ, એમના વિશે ઘસાતું બોલીએ ત્યારે આપણા સંસ્કારો લાજવા જોઈએ. અરે, એમનાથી પ્રેરાઈને, પોતાની ખામીઓ શોધીને સુધરવાને બદલે, વધુ સારું કામ કરવાને બદલે, એમની બદબોઈ કરો છો? હદ કહેવાયને?

આપણા અકામવીરોને ફરિયાદ કરવા માટે જોકે કારણો પણ સહેલાઈથી મળી રહે છે. “અમેરિકાને જુઓ, લોકો ઓછું કામ કરીને કેટલા સુખી અને સમૃદ્ધ છે.” એવું તેઓ બોલે ત્યારે સદનસીબે એમને એ ખબર નથી હોતી કે જર્મનીમાં તો લોકો અઠવાડિયે 35 કલાક જ કામ કરે છે. નેધરલેન્ડ્સમાં લોકો 30 કલાક જ કામ કરે છે. તો શું થયું? એમની જેમ આપણે પણ 30 કલાક કામ કરવાનું? ચાલો કરીએ, પણ એ ત્રીસેત્રીસ કલાક કામ કરવાની ગેરન્ટી કોણ આપે છે, એ સૌથી પહેલા હાથ ઊંચો કરે. કેટલા હાથ ઊંચા થશે એની આપણે કલ્પના કરી શકીએ છીએ. શું કહો છો?

વાંક એકલા માણસોનો કે મેન્ટાલિટીનો નથી. આપણી સિસ્ટમમાં પણ મોટી ખામી છે. અંગ્રેજોને તગેડી દીધા ત્યારે આપણે એમની ફરજપરસ્તીને તગેડી ના હોત, તો આજે સ્થિતિ વધુ સારી હોત. આપણે એમને ભાંડીએ એ બિલકુલ વાજબી છે. એમણે આપણું અપરંપાર નુકસાન કર્યું હતું. એમણે દેશમાં કોમવાદનો પલીતો ચાંપ્યો હતો એવું પણ એકવાર ધારી લઈએ તો સાવ ખોટું નહીં ગણાય. છતાં, એમણે આપણને કામકાજનું મહત્તવ સમજાવ્યું, દૂરંદેશી રાખવા પ્રેર્યા એ બધું કેમ ભૂલી જવાનું? અંગ્રેજોની એવી વૃત્તિ વિના દુનિયાના એક સાવ નાનકડા દેશ તેઓ એક સમયે દુનિયાના અનેક ખંડો પર રાજ કરવા સુધી ક્યારેય પહોંચી શક્યા ના હોત. 

નેવુ કલાક કામ… આ શબ્દો નહીં એની પાછળનો ભાવ બરાબર સમજવાનો છે. ભલે અંગતપણે આપણે દેશ બદલી શકીએ નહીં પણ પોતાના સુખ-સંતોષ અને પોતાની પ્રગતિ માટે, પોતે તો સખણા, શિસ્તબદ્ધ, ફોક્સ્ડ અને ફેન્ટાસ્ટિક થઈ જ શકીએ છીએને? કે એવું કરવામાં પણ વાંધો હોવો જોઈએ? 

પૈસાનો કોઈ પર્યાય નથી અને મહેનતનો પણ, દોસ્તો, કોઈ પર્યાય નથી. મહેનત કરવાની વૃત્તિ એકવાર પૂરો સ્વભાવ બની જાય પછી કામ કરતાં કરતાં પણ જિંદગીને પહેલાં કરતાં વધુ માણવાની કળા આવડી જાય છે. ઉત્તમ કામ કરીને રૂપિયા ઉત્તમ મળે કે ના મળે પણ, “મેં પ્રયાસ તો કર્યો,” એનો શિરપાવ તો ચોક્કસ મળે છે. આ શિરપાવ જિંદગીની સૌથી મોટી કમાણી છે. આ શિરપાવ રાતના નિરાંતે ઊંઘવાની ગેરન્ટી છે. એ, મારા સાહેબ, મફતમાં નથી મળતી.  

દુનિયામાં વર્ક કલ્ચર

સૌથી વધુ સાપ્તાહિક કામ કરતા દેશ


કામકાજના સૌથી વધુ કલાકઃ



મેક્સિકોઃ વિશ્વમાં સૌથી વધુ કામકાજના કલાક આ દેશમાં છે, જે અઠવાડિયે 42 કલાકથી વધું છે.
દક્ષિણ કોરિયાઃ મજૂર કાયદાના સુધારા છતાં ત્યાં કામગારો આજે પણ મહત્તમ કલાકો કામ કરે છે.
ચિલીઃ આ દેશમાં પણ કામકાજના કલાકો ખૂબ વધુ છે પણ એ દેશના કાર્યનિષ્ઠાના સિદ્ધાંતોને કારણ છે. 
ગ્રીસઃ આ દેશ પણ કામઢો છે, ખાસ કરીને પ્રવાસન અને કૃષિ ઉદ્યોગમાં લોકો વધુ કલાકો કામ કરે છે. 
ભારતઃ આપણે ત્યાં પણ કામાજના વધુ કલાકો નવી વાત નથી. આઈટી જેવા ઉદ્યોગમાં કામકાજના મહત્તમ કલાકો હોવાનો અંદાજ છે. 


કામકાજના લઘુતમ કલાકોઃ




જર્મનીઃ કાર્યદક્ષતા આ દેશનો કાર્યમંત્ર છે. લોકો અઠવાડિયે 35 કલાક કામ કરે છે. 
નેધરલેન્ડ્સઃ અઠવાડિયે 30 કલાક કામ કરતા ડચ લોકો વિશ્વમાં સૌથી ઓછા કામકાજી કલાકો માણે છે. 
નોર્વેઃ વર્ક-લાઇફ બેલેન્સને આ દેશમાં પ્રાધાન્ય અપાય છે. લોકો અઠવાડિયે 34 કલાક કામ કરે છે. 
ડેન્માર્કઃ કર્મચારીઓ વીકલી 37 કલાકની એવરેજથી કામ કરે છે. 
ફ્રાન્સઃ સામાન્ય સરેરાશ અઠવાડિયે 35 કલાકની છે. જોકે ઘણા ઉદ્યોગોમાં કર્મચારીઓ સ્વેચ્છાએ એનાથી વધુ કામ કરે છે. 


સૌથી વધુ રજા ધરાવતા દેશ


મહત્તમ રજાઓ (અઠવાડિક અને વાર્ષિક)


ઇરાન: અનેક રજાઓ આ દેશમાં છે. શુક્રવાર સાપ્તાહિક રજા છે. 
કમ્બોડિયાઃ વરસે લગભગ 28 રજાઓ સાથે આ દેશ એ મામલે એક સૌથી આગળ પડતો દેશ છે. 
શ્રીલંકાઃ આખું વરસ આ દેશમાં અનેક રજાઓ કર્માચારીઓ માણે છે. 
ભારતઃ વૈવિધ્યસભર પ્રજાને આભારી છે કે આપણે ત્યાં અનેક જાહેર રજાઓ છે. 
ફ્રાન્સઃ જાહેર રજાઓ અને પેઇડ લીવની આ દેશમાં પણ કમી નથી. એમાં વળી ત્યાં રિડક્શન ઓફ વર્કિંગ ટાઇમ એટલે આરટીટી સિસ્ટમ હેઠળ ઓછા કલાક કામ કરીને પણ પૂરો પગાર મેળવવાનો લાભ મળી શકે છે. 


મહેનતી પ્રજાને લીધે પ્રગતિ સાધનારા દેશોનાં ઉદાહરણ


જાપાનઃ બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનનું શૂન્યમાંથી સર્જન થયું. ઉત્પાદન સહિત ઉદ્યોગોમાં દેશે અનેક દેશને પછાડ્યા અને પોતાનું મજબૂત સ્થાન પ્રજાની સખત મહેનતને લીધે શક્ય કર્યું. 
જર્મનીઃ આજે ઓછા કલાકો કરીને આગળ વધતા આ દેશનું પણ આર્થિક નવસર્જન બીજા વિશ્વયુદ્ધ પછી થયું. એ સમયે વિત્સચાફવુન્દા એટલ આર્થિક ચમત્કાર નામે અભિયાન ચાલ્યું હતું. એણે આ દેશને વિશ્વના અગ્રણી દેશોમાં સ્થાન અપાવ્યું. 


સખત મહેનત કરનારા લોકોનાં થોડાં ઉદાહરણ


એલન મસ્કઃ ટેસ્લા અને સ્પેસએક્સના એ સીઈઓ છે. અઠવાડિયે 80-100 કલાક કામ કરવાની આમની આદત છે. 
જેફ બેઝોસઃ એમેઝોનના સ્થાપકે અમસ્તા દુનિયાને દંગ કરનારી કંપની સર્જી નથી. તેઓ પણ કમાલના કામઢા છે. 
ઇન્દ્રા નૂયીઃ પેપ્સીકોનાં આ ભૂતપૂર્વ સીઈઓ પણ કાર્ય સમર્પિતતા અને ઉત્તમ સુકાન માટે જાણીતાં છે. 
સત્ય નડેલાઃ માઇક્રોસોફ્ટના સીઈઓ પદે પહોંચનારા આ મૂળ ભારતીય પણ અથાક મહેનતના મામલે ગજબના છે. 
 

Leave A Reply

English
Exit mobile version