ભૂતકાળમાં આ ચબૂતરો નમી જવાને લીધે જોખમી થયો હતો. તેથી તેને આધાર આપવા માટે રહેવાસીઓએ તેની ફરતે સિમેન્ટનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું
હંસોલના પટેલોની એક જમાનામાં આ પોળમાં બહુમતી હતી. તેમના લીધે આ પોળને હંસોલા પોળ નામ મળ્યું. દરિયાપુરમાં આવેલી આ પોળમાં રાવલિયા વાસ છે અને તેમાં આવેલો લાકડાનો આ ચબૂતરો પણ ઉપેક્ષા અને દુર્લક્ષની કથાનું વધુ એક પ્રકરણ છે.
પીળા રંગના મધ્યમ ઊંચાઈએ આવેલા આ ચબૂતરાનો નીચેનો ભાગ બિસમાર અવસ્થામાં છે. એના ઓટલાનો ભાગ તૂટી ગયેલો દેખાય છે. પાસે અંબા માતાજીની તસવીર મૂકી હોવાથી કદાચ અહીં ગંદકી કરવાનું ટાળવામાં આવે છે. ભૂતકાળમાં આ ચબૂતરો નમી જવાને લીધે જોખમી થયો હતો. તેથી તેને આધાર આપવા માટે રહેવાસીઓએ તેની ફરતે સિમેન્ટનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું.
અત્યારે પોળમાં મિશ્ર વસતિ છે અને એ પાંત્રીસેક ઘરમાં વહેંચાયેલી છે. ચબૂતરાની જાળવણી વિશે પૂછપરછ કરતાં એવું જાણવા મળે છે કે રહેવાસીઓએ એકાદ-બે વખત તેનું રંગરોગાન કરાવ્યું હતું ખરું. જોકે ચણ-પાણી વગેરે મૂકવાની જવાબદારી તરફ યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. થોડીઘણી ચણસેવા થતી હોવા છતાં તેમાં નિયમિતતા નથી તેથી એ કશાય મતલબની રહેતી નથી.
પંખીઓ માટે આ ચબૂતરો બહુ ઉપયોગી પુરવાર થઈ શકે છે. હંસોલા પોળના રહેવાસીઓને સાથ આપીને ચબૂતરાને ધબકતો રાખવા માટે થોડું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તો.
ઈસવી સન પૂર્વે ૪૦૦માં ગ્રીસ સ્પાર્ટા, એથેન્સ, કોરિન્થ, થેબિસ જેવાં રજવાડાંમાં વહેંચાયેલું હતું. આ રાજ્યો આપસમાં લડતાં રહેતાં હતાં. સમ્રાટો સૈન્યને લશ્કરી હુકમો મોકલવા કબૂતરનો ઉપયોગ કરતા. જાસૂસી અને શાંતિ માટેના સંદેશા પણ કબૂતર લઈ જતાં. શાંતિસંદેશ લઈ જતાં કબૂતરોના મોંમાં ઓલિવ (સેતૂર)ની ડાળી રહેતી. આ કબૂતરો રાખોડી નહીં પણ શ્વેતરંગનાં પસંદ કરાતાં હતાં. તે પછી રોમ અને પર્શિયામાં પણ આ પ્રથા અપનાવાઈ. શ્વેત કબૂતર આ રીતે શાંતિનાં પ્રતીક કે શાંતિદૂત કહેવાયાં.