ધર્મેશ પટેલ દિગ્દર્શિત આશાસ્પદ ગુજરાતી ફિલ્મ ‘તારો થયો’ આજથી સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ છે. ફિલ્મમાં હિતેન કુમાર અને કાજલ ઓઝા-વૈદ્યની જોડી છે. સાથે વ્યોમા નંદી, સની પંચોલી, રિવા રાચ્છ, વિસ્તાસ્પ ગોટલા, જિગ્નેશ મોદી, હિતેશ રાવલ, નમન ગોર, જાહ્નવી પટેલ સહિતનાં કલાકારો અને વિશેષ ભૂમિકામાં હિતુ કનોડિયા પણ છે.
વયસ્કોની હૃદયસ્પર્શી પ્રેમકથાથી રંગાયેલી ફિલમમાં હિતેન કુમાર કેદારના તો કાજલ ઓઝા-વૈદ્ય મિતાલીનાં પાત્રમાં ઝળકે છે. ફિલ્મની કથા એમના જીવનની અને એમના વિશ્વની આસપાસ ફરે છે. એમની સાથે પ્રવાહમાં સુંદર રીતે ગૂંથાયેલા તાણાવાણા તરીકે એમનાં સંતાનો અને એમના જીવનસાથીઓની વાત છે. ઉપરાંત છે એક એવી પ્રમેકથા જેમાં પ્રશ્નાર્થચિહ્ન છે જેને કેદાર-મિલાલીનો મોટી ઉમંરનો પ્રેમ કેવી રીતે આકાર આપવામાં નિમિત્ત બને છે એનો ટ્રેક પણ.
વિજય ચૌહાણ, નિધિ ચૌહાણ, સંજય ચૌહાણ નિર્મિત ફિલ્મમાં સંગીત રિપુલ શર્મા અને અભિજિત વાઘાણીનું છે. લીલા મોહન પ્રોડક્શન્સના બેનરમાં ફિલ્મનું સર્જન થયું છે. ફિલમનાં લેખિકા કાજલ ઓઝા-વૈદ્ય છે. ફિલ્મના ટાઇટલ સોન્ગનાં ખાસ્સાં વખાણ થઈ રહ્યાં છે.
‘તારો થયો’ની સ્પર્ધા હિન્દી ફિલ્મો ઇમરજન્સી અને આઝાદ સાથે હોવા છતાં, હિતેન-કાજલની ગમતીલી જોડીની હાજરીથી, તારો થયો બોક્સ ઓપિસ પર પોતાનું સ્થાન બનાવશે તેવી પૂરી શક્યતા છે. તો, માણવા પહોંચી જાવ ગુજરાતી ફિલ્મ, તારો થયો.