ઠીક, ચાલો, કોઈક જીવની સેવા તો થઈ પણ ચબૂતરાના મુખ્ય ભાગમાં ચણ પહોંચાડવા સીડી નથી તેથી આવી સ્થિતિ સર્જાય એ કેવી વાત થઈ?
આ સ્ટોડિયા વિસ્તાર, ઢાળની પોળ અને ત્યાં આવેલો એક દેખાવડો ચબૂતરો એટલે ખારા કૂવાની પોળનો ચબૂતરો. આ ચબૂતરો તેના બાંધકામ સહિતની બાબતો માટે તરત ધ્યાન ખેંચનારો છે. અહીંના રહેવાસીઓ હૃદયમાં છલકતા સેવાભાવથી પ્રેરાઈને ચબૂતરાની નીચેના ભાગમાં ચણ તો ઘણીવાર નીરે છે પર એનો લાભ પક્ષીઓને નામમાત્રનો મળે છે. કારણ જેવું ચણ નાખવામાં આવે કે ખિસકોલીઓ રૂમઝૂમ કરતી આવીને તેને આરોગી જાય છે! ઠીક, ચાલો, કોઈક જીવની સેવા તો થઈ પણ ચબૂતરાના મુખ્ય ભાગમાં ચણ પહોંચાડવા સીડી નથી તેથી આવી સ્થિતિ સર્જાય એ કેવી વાત થઈ?

આ ચબૂતરો પથ્થરનો છે. તેનું બાંધકામ ખૂબ સુંદર છે. તેને હેરિટેજ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ચબૂતરાના આધારસમા થાંભલા પર જાણે વેલ વીંટળાયેલી હોય તેવું સરસ એનું કોતરકામ કરવામાં આવ્યું છે. ચબૂતરાનો ઘેરો રંગ, તેનો ગુંબજ પણ બેહદ આકર્ષક છે. પોળના એક મકાનની સાવ લગોલગ આવેલા આ ચબૂતરા ફરતે કેબલ્સનાં ગૂંચળાં પણ છે જે તેના કોતરકામના સૌંદર્યનો આધુનિક વિરોધાભાસ છે!
૨૦૦૧ના ધરતીકંપમાં આ ચબૂતરાને ખાસ્સો ક્ષતિગ્રસ્ત કર્યો હતો. એ પછી મહાપાલિકાના હેરિટેજ વિભાગે તેનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. જોકે પક્ષીઓ માટે સેવા કરવાનો ઉત્સાહ આ વિસ્તારમાં કદાચ ઓછો પ્રવર્તે છે તેથી ચબૂતરો મોટાભાગે તો પોળમાં શોભાના ગાંઠિયા જેવો બનીને રહી ગયો છે. સવાલ સાદા છે, સમસ્યા ગૌણ છે. એક સીડી, થોડી કાળજી, ચણની નિયમિતતાની ગોઠવણ, આટલું થાય તો રંગ રહી જાય. રહેવાસીઓના મનમાં એટલી લાગણી જરૂર છે કે અમારો ચબૂતરો નિષ્ક્રિય પડ્યો રહેવાને બદલે કાર્યરત રહે. તેમને યોગ્ય સાથ-સહકાર મળે તો તેમની લાગણીનું રૂપાંતર યોગ્ય સેવાકાર્યમાં જરૂર થઈ જાય!
Blessed are those that can give without remembering and take without forgetting.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.