હાલના પૂરના લીધે મૂંગાં જીવોની જાનહાનિ થતી એના સંચાલકોએ સમજદારીપૂર્વક ટાળી છે. નાની-મોટી વિવિધ જરૂરિયાતો જો દાનવીરો પૂરી પાડે તો માત્ર પાલનપુર નહીં, દેશની સર્વશ્રેષ્ઠ અને મહત્તમ પશુધન સાચવનારી પાંજરાપોળોમાં એને અચૂક સ્થાન મળે
નોંધઃ અહીં જણાવેલી માહિતી, પશુઓની સંખ્યા, વાર્ષિક ખર્ચ તથા સંસ્થાની આર્થિક જરૂરિયાતો વગેરે બધું ઓગસ્ટ 2017 મુજબ છે. સંસ્થાની હાલની સ્થિતિ વિશે વાચકે સ્વયં જાણકારી મેળવી લેવી. આ લેખ પ્રસિદ્ધ કરવાનો એકમાત્ર ઉદ્દેશ સંસ્થાનાં તથા સમસ્ત મહાજનનાં સુકૃતથી વાચકોને પરિચિત કરાવવાનો છે.
७८ વરસના વડીલ પ્રવીણભાઈ શાહ એટલે સમાજસેવા, જીવદયાના સમર્પિત પ્રહરી. આખા પાલનપુરમાં સમાજની કોઈ પણ વ્યક્તિને પૂછો કે પ્રવીણભાઈ મહાજનવાળા ક્યાં, તો હૈયે વહાલ અને આંખે માન સાથે એ તમને પ્રવીણભાઈ સુધી દોરી જશે. આ વડીલે શ્રી પાલનપુર મહાજનની પાંજરાપોળની જવાબદારી થોડાં વરસ પહેલાં લીધી હતી.
આજે આ પાંજરાપોળ જીવદયાક્ષેત્રે અપ્રતિમ સીમાચિહ્નો સ્થાપવા સમાજ તરફ દૃષ્ટિ કરી રહી છે. સવાલ એક જ છેઃ સેવાભાવી ટ્રસ્ટીઓના સંપૂર્ણ સહકારમાં કાર્યરત એક પરોપકારી સંચાલકના સુકૃતને, આ પાંજરાપોળને સમાજ કેવોક સાથે આપે છે એ.
પ્રવીણભાઈ શ્રી પાલનપુર મહાજન પાંજરાપોળના વિશાળ વિસ્તારમાં ફરતાં, બધું બતાવતાં, જણાવે છે, “જીવદયા તો સમાજનો સ્વભાવ છે. જે કરુણા અનુભવતું હોય એણે જાતે આવી સંસ્થાના સુચારુ સંચાલન માટે આગળ આવવું રહ્યું. ૮૫૦થી વધુ ગોવંશ સહિતના પશુધનની, મદદની ધા નાખ્યા વિના, ભંડોળનાં નિશ્ચિત સાધન વિના, ટ્રસ્ટીઓ અને આ વડીલ કેવી રીતે સેવા કરી શકતા હશે એ વિચાર આપણને અહીં અચૂક આવે. એમાં પણ, આ વરસે અને ૨૦૧૫માં પણ, કુદરતનો પ્રકોપ આભેથી અનરાધાર જળરૂપે ત્રાટકે, ધરતી જળબંબાકાર થઈ જાય, માણસ જેવો માણસ પોતાને નિ:સહાય અનુભવે ત્યારે પશુની તો શી વિસાત?”
આ પાંજરાપોળનાં પશુઓએ પણ પાછલી અને હાલની અતિવૃષ્ટિમાં અનેક આફતો વેઠી હતી. બસ, એટલો ફરક બીજી પાંજરાપોળોની તુલનામાં રહ્યો કે અહીં પશુ માટેના શેડ્સ, બુદ્ધિપૂર્વક ઊંચાઈએ બનાવાયા હોવાથી, મોટી જાનહાનિ ટળી ગઈ. તેમ છતાં, સગવડોનો અભાવ પાંજરાપોળની મુલાકાત લેનારની આંખે ઊડીને વળગ્યા વિના રહેતો નથી.
૬૨૧ એકરના વિસ્તારની જાળવણી માટે તાર ફેન્સિંગની સુરક્ષા વ્યવસ્થા અહીં કરી છે. મુલાકાતીઓ પધારે તો સગવડતા રહે તે માટે પર્યાપ્ત પ્રવેશદ્વાર નથી. કાંટાળી તારની વાડ છે છતાં, પાકી દીવાલની બાઉન્ડરી વોલ નથી. અને, કાંટાળી વાડને ત્રાહિતો વારંવાર એક અથવા બીજા ઠેકાણેથી કાપી નાખે તો તેમને રોકવાની તજવીજ નથી. દક્ષિણ ગુજરાતની ઘરતીને પાણીની છત છે પણ અહીં તળાવ જેવા સ્ત્રોતોનું યોગ્ય મેનેજમેન્ટ નથી. અંતરિયાળ વિસ્તારમાં રહેતાં પશુઓ સાજાંમાંદાં થયે સારાવારાર્થે દવાખાનાની, એમ્બ્યુલન્સની જોગવાઈ નથી. જમીન પુષ્કળ પણ જાતે ચારો ઉગાડીને આત્મનિર્ભર થવા માટે જરૂરી એવાં ખેતીલક્ષી સાધનો પણ પૂરતાં નથી. સ્ટાફ નિરાંતે, સુખરૂપ રહી શકે તે માટે પૂરતાં ક્વાર્ટર્સ નથી. ઉનાળે સૂર્યપ્રકોપ વચ્ચે સૂકો ચારો પૂરતો મળી રહે તે માટેની આગોતરી ગોઠવણ નથી…
જાણે કે અજાણ્યે પણ સુકૃતોની, સદ્ભાવનાની ખાણ બનવાને સક્ષમ એવી આ પાંજરાપોળ તરફ દુર્લક્ષ રહ્યું છે. દાનવીરોની, ધર્મવીરોની ભૂમિ ગણાતા પાલનપુરમાં! આ વિચિત્ર સ્થિતિ એકઝાટકે બદલી નાખવી એ આપણી જવાબદારી છે. પ્રવિણભાઈ જણાવે છે, “એટલું પાકું છે કે જો સમાજનો વણમાગ્યો ટેકો મળી રહે તો આપણી આ પાંજરાપોળ ક્યાંની ક્યાં નીકળી જશે. ખંતપૂર્વક કામ કરનારો સ્ટાફ, ફરજ નિભાવવા ખડેપગે હાજર ટ્રસ્ટીમંડળ અને પાઈએ પાઈનો હિસાબ રાખવાની પરફેક્ટ ગોઠવણ, બધું છે અમારે ત્યાં.” એનો લાભ લેતા સમાજના દાનવીરોએ જીવદયાના કામનો લાભ લેવા જેવો છે, પુણ્યનું ભાથું બાંધવા જેવું છે. એ છે ખરો જીવદયાપ્રેમ.
ચાર સ્થાનકવાસી અને ચાર દેરાવાસી સેવાભાવીઓનું બનેલું સંસ્થાનું ટ્રસ્ટીમંડળ સંપ્રદાયો વચ્ચેના સંપ-સદ્ભાવનું પ્રતીક પણ છે. તમામ ટ્રસ્ટીઓ પાંજરાપોળના ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે એ બીજી એક વિશેષતા છે. વળી આ તો પાલનપુરની ધીંગી ધરતી છે, જેણે જૈનો-ગુજરાતીઓમાં તો ઠીક, વિશ્વમાં નામના મેળવનારા દાનવીરો આપ્યા છે. એ દાનવીરોને, સંપૂર્ણ સમાજને અમારી એક જ અરજ છે કે આવો, સહિયારા આપણે આ પાંજરાપોળને ભગવાન મહાવીરના જીવદયાના, અનુકંપાના આદેશનો અકાલ્પનીય દાખલો બનાવીએ. જૈનત્વની ખરી જીત એમાં જ છે.
ઊણપો/જરૂરિયાતો
1. દરેક ઉનાળે સૂકા ઘાસચારાની કારમી તંગી.
2. ઉપલબ્ધ જમીન પર ઘાસચારાની વાવણી માટે ખેતીલક્ષી સાધનો અને માણસોની ગોઠવણ.
3. સ્ટાફ માટે લગભગ આઠેક નવાં ક્વાર્ટર્સ.
4. જળસંચય માટે તળાવ, કૂવાનું વ્યવસ્થિત આયોજન.
5. જમીનનો ૬૨૧ એકરના વિશાળ પટ પર ત્રણ-ચાર નવાં પ્રવેશદ્વાર.
6. સમાજ તરફથી દાનનો પ્રવાહ વહે તો ચમત્કાર કરવાની અમર્યાદ ક્ષમતાનો ઉપયોગ થઈ શકે.
સંસ્થાસંપર્ક
સરનામું: શ્રી પાલનપુર મહાજન પાંજરાપોળ, પાલનપુર – ૩૮૫૦૦૧, ગુજરાત
સંપર્ક: પ્રવીણભાઈ શાહ
મોબાઇલ: ૯૩૨૭૪ ૭૩૫૩૭
ટેલિફોન: ૦૨૭૪૨-૨૬૩૬૩૯
ઇમેઇલ: નથી
આવકવેરામાં રાહતની પાત્રતાઃ હા
કુલ અબોલ જીવોઃ ૮૫૦થી વધુ
વાર્ષિક ખર્ચઃ ૭૦થી ૮૦ લાખ રૂપિયા
સંપૂર્ણ પુનઃનિર્માણ માટે ખર્ચ: પાંચ કરોડ રૂપિયા
સંસ્થાને દાન આપવા કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઇચ્છનાર સમસ્ત મહાજનનો સંપર્ક પણ સાધી શકે છે.દરેક ઉનાળે સૂકા ઘાસચારાની કારમી તંગી.
ઓગસ્ટ 2017માં ગુજરાત-રાજસ્થાનમાં અતિવૃષ્ટિ થઈ. તત્કાળ ધોરણે જીવદયાપ્રેમી સંસ્થા સમસ્ત મહાજન અને એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશભાઈ શાહના પ્રોત્સાહને બેઉ રાજ્યની ગૌશાળાઓ તથા પાંજરાપોળોની સ્થિતિ જાણવા સર્વેક્ષણ થયું. એ કાર્ય માંગરોળ મલ્ટીમીડિયાની ટીમે સંપન્ન કર્યું હતું. લેખક-પત્રકાર સંજય વિ. શાહે સર્વેક્ષણના આધારે, ગૌશાળા-પાંજરાપોળ પુનરુસ્થાન અભિયાન, પુસ્તક લખ્યું હતું. આ લેખ 2017માં પ્રસિદ્ધ એ પુસ્તકનો ભાગ છે.

