વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે ઉજવાય  છે. એનો હેતુ કિડની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો અને કિડની સંબંધિત રોગોના નિવારણને પ્રોત્સાહન આપવાનો છે. ભારત જેવા દેશમાં જ્યાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના કેસ વધી રહ્યા છે, ત્યાં કિડનીની સંભાળ રાખવી વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

કિડનીનું મહત્ત્વ અને તેની કાર્યપદ્ધતિ

કિડની શરીરમાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્યો કરે છે, જેમ કે:

  • લોહી શુદ્ધ કરવું અને કચરો બહાર કાઢવો
  • શરીરમાં પાણી અને ખનિજોનું સંતુલન જાળવવું
  • રક્તચાપ નિયંત્રિત કરવું
  • લાલ રક્તકણોના ઉત્પાદનમાં મદદ કરવી

જોકે,મેદસ્વીપણું , હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ધૂમ્રપાન અને વધુ દવાઓના સેવન જેવી આદતો કિડનીના સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.

ભારતમાં કિડનીના રોગની સ્થિતિ:

ભારતમાં દર વર્ષે લાખો લોકો કિડની સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે. તાજેતરના એક અભ્યાસ મુજબ, ભારતમાં લગભગ 17% લોકો કોઈ ને કોઈ પ્રકારની કિડની સમસ્યાથી પીડાય છે. એનાં મુખ્ય કારણો નીચે મુજબ છે:

  • અસંતુલિત આહાર: ફાસ્ટ ફૂડ, વધુ મીઠું અને પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોનો વધતો જતો વપરાશ.
  • ઓછું પાણી પીવું: પર્યાપ્ત પાણી ન પીવાથી કિડની પર વધુ દબાણ પડે છે.
  • ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર: ભારતમાં ઝડપથી વધતી જીવનશૈલીની બીમારીઓ કિડની રોગનું મુખ્ય કારણ છે.

કિડની રોગનાં લક્ષણો જેને અવગણવાં ન જોઈએ:


ઘણી વખત કિડની રોગના પ્રારંભિક તબક્કામાં કોઈ લક્ષણો જણાતાં નથી. છતાં, કેટલાક સંકેતો હોઈ શકે છે:

  • પગ, કાંડા અથવા ચહેરા પર સોજો
  • સતત થાક અને નબળાઈ અનુભવાવી
  • પેશાબ કરવાની રીતમાં ફેરફાર (વારંવાર અથવા ઓછું પેશાબ આવવું)
  • હાઈ બ્લડ પ્રેશર
  • ઊબકા આવવા અથવા ઓછી ભૂખ લાગવી

જો સમયસર ઇલાજ ન કરવામાં આવે તો આ સમસ્યા ગંભીર બની શકે છે. તેથી, નિયમિત રીતે કિડનીની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે.

કિડનીને સ્વસ્થ રાખવા માટે ભારતીય ઘરેલું ઉપાય:

  1. આયુર્વેદિક ઓસડિયાં: ભારતમાં કિડનીની સફાઈ અને મજબૂતાઈ માટે આયુર્વેદનું મોટું મહત્ત્વ છે. તુલસી, મધુનાશિની એટલે જ ગુડમાર, વરુણ અને પુનર્નવા જેવી ઓસડિયાં કિડનીના સ્વાસ્થ્યમાં ફાયદાકારક ગણાય છે.
  2. પાણીનું પૂરતા પ્રમાણમાં સેવન કરો: મોટાભાગના ભારતીયો પર્યાપ્ત પાણી નથી પીતા. દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ જેથી કિડની સુચારુ રીતે કામ કરી શકે.
  3. લીંબુ પાણી અને નાળિયેર પાણી પીઓ: લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે કિડનીમાં પથરી થતી અટકાવે છે. તેમ જ નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ કરે છે અને કિડનીની કાર્યક્ષમતા વધારે છે.
  4. મીઠું અને ખાંડ ઘટાડો: વધુ મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે, જે કિડની માટે હાનિકારક છે. તેમ જ, વધુ ખાંડ ડાયાબિટીસનું જોખમ વધારે છે, જે કિડની પર ખરાબ અસર પાડે છે.
  5. નિયમિત યોગ અને વ્યાયામ કરો: યોગ અને ધ્યાન કરવાથી માત્ર માનસિક શાંતિ જ નહીં, પણ શરીરના વિષાલા પદાર્થો બહાર નીકળે છે. ભુજંગાસન, પશ્ચિમોત્તાનાસન અને કપાલભાતિ જેવાં યોગાસનો કિડનીના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

કિડની સ્વાસ્થ્યને લઈને ભારતમાં જાગૃતિ અભિયાન:
ભારતમાં અનેક સરકારી અને બિનસરકારી સંસ્થાઓ કિડની સ્વાસ્થ્યને લઈને જાગૃતિ ફેલાવી રહ્યા છે.

  • અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ) કિડની રોગો માટે મફત સ્વાસ્થ્ય તપાસ અભિયાન ચલાવી રહ્યું છે.
  • મણિપાલ હોસ્પિટલે મફત કિડની સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કર્યું છે. એમાં લોકોને સલાહ અને તપાસની સુવિધા આપવામાં આવે છે.
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (હૂ) ભારતમાં કિડની સ્વાસ્થ્ય માટે અનેક અભિયાન ચલાવી રહ્યું છે.

કિડની સ્વાસ્થ્ય સાથે જોડાયેલાં કેટલાંક રસપ્રદ તથ્યો:

  • એક સ્વસ્થ કિડની દરરોજ 50 ગેલનથી વધુ રક્ત શુદ્ધ કરે છે.
  • માણસ માત્ર એક કિડની સાથે પણ જીવી શકે છે.
  • કિડની ખરાબ થઈ જાય તો ડાયાલિસિસની જરૂર પડે છે, જે બ ખર્ચાળ ઇલાજ છે.
  • ભારતમાં દર વર્ષે લગભગ બે લાખ લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે, પરંતુ માત્ર 8,000-10,000 ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે.

નિષ્કર્ષ: કિડનીનું સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જરૂરી છે, ખાસ કરીને ભારતમાં, જ્યાં ખાનપાન અને જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે. સમયસર તપાસ અને સાચી જીવનશૈલી અપનાવીને કિડનીની બીમારીઓથી બચી શકાય છે. નિયમિત રીતે ડૉક્ટરની સલાહ લો અને પ્રાકૃતિક ઉપાયોને તમારી દિનચર્યામાં સામેલ કરો.

વિશ્વ કિડની દિવસ નિમિત્તે કિડની પ્રત્યે જાગૃત થઈએ. આપણા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીએ.

Share.
Leave A Reply

Exit mobile version