ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને આરામને ધ્યાનમાં લઈ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે પહેલી મે 2025થી અમલમાં આવી રહ્યા છે. આ નવા નિયમો અનુસાર, વેઇટિંગ લિસ્ટ (WL) ટિકિટ ધરાવતા મુસાફરોને સ્લીપર કે એસી ડબ્બાઓમાં પ્રવેશવાની છૂટ રહેશે નહીં. આવા મુસાફરો માત્ર જનરલ (અનારક્ષિત) ડબ્બામાં જ મુસાફરી કરી શકશે.
રેલવે પ્રશાસન દ્વારા આ નવા નિયમોનું ઉલ્લંઘન કરતા પ્રવાસીઓ પર દંડની જોગવાઈ કરવામાં આવી છે. સ્લીપર ડબ્બામાં પ્રવેશ કરતા પકડાયેલા મુસાફરો પર ₹250નો દંડ લાગુ થશે, જ્યારે એસી ડબ્બાઓમાં પ્રવેશ કરતા પકડાયેલા મુસાફરો પર ₹500નો દંડ લાગુ થશે. આ ઉપરાંત, આવા મુસાફરોને આગળના સ્ટેશન સુધીનું ભાડું પણ ચૂકવવું પડશે.
ટિકિટ બુકિંગ સંબંધિત પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 120 દિવસ (4 મહિના) અગાઉથી ટિકિટ બુક કરી શકાતી હતી, જે હવે ઘટાડીને 75 દિવસ (અઢી મહિના) કરવામાં આવી છે. આ ફેરફાર લાંબી યોજનાવાળા મુસાફરો માટે ફાયદાકારક સાબિત થશે.
ઓનલાઇન ટિકિટ બુકિંગને વધુ સુરક્ષિત બનાવવા માટે આઈઆરટીસી દ્વારા ઓટીપી વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આઈઆરસીટીસીએ એક નવી સુવિધા પણ શરૂ કરી છે જેમાં વેઇટિંગ લિસ્ટ રિયલ-ટાઇમ અપડેટ થશે અને મુસાફરો ટ્રેન છૂટી પહેલાં એક કલાક સુધી પોતાની ટિકિટ સ્થિતિ ચેક કરી શકશે.
રેલવે પ્રશાસન દ્વારા આ ફેરફારોનો મુખ્ય હેતુ કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને વધુ સુવિધા પૂરી પાડવાનો છે. ડબ્બાઓમાં ભીડ ઘટાડવા અને ફ્રોડ્યુલન્ટ બુકિંગ્સ અટકાવવા માટે આ પગલાં ભરવામાં આવ્યા છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓએ પોતાની ટિકિટની સ્થિતિ ટ્રેન છૂટતા પહેલાં ફરીથી ચેક કરી લેવી અને જો ટિકિટ કન્ફર્મ ન થઈ હોય તો જનરલ ડબ્બામાં જ મુસાફરી કરવી.


