આ ચબૂતરો ખૂબ ઉપયોગી થાય તેવી આંતરિક ઇચ્છા અહીં રહેનારાઓની છે. તેઓ ચબૂતરાની બાજુમાં આવેલી દીવાલનું સમારકામ કરાવવાની યોજના બનાવી રહ્યા છે
આગળ બાપાની મઢુલી અને લગોલગ ઊભેલા પીપળના ઝાડના છત્ર હેઠળ આવેલો આ ચબૂતરો ૨૦૦થી ૨૫૦ વર્ષ જૂનો હશે.
કળાત્મક અષ્ટકોણ માળખા સાથે લાલ, લીલા, ગુલાબી, પીળા રંગવાળા આ ચબૂતરાની કોતરણી અને સીડીઓ પણ આકર્ષક છે. ટાઇલ્સ જડિત પથ્થરનાં પગથિયાં સુંદર અને ચબૂતરા પર ચણ નાખવા જવા માટે એકદમ ઉપયુક્ત છે. આસપાસ સરસ મજાનો ઓટલો પણ છે, જ્યાં સ્થાનિક રહેવાસીઓ નિરાંતે બેસવાનો અને સમય પસાર કરવાનો આનંદ માણે છે.

ચબૂતરાનું નિર્માણ ફૂલચંદભાઈ છગનલાલ, અંબાલાલભાઈ વૈદ અને લાલભાઈએ મળીને કરાવ્યું હતું. વખતોવખત તેનું રિનોવેશન પણ થયું છે. છેલ્લે ૧૦ વર્ષ પહેલાં પોળના રહેવાસીઓએ તેનું નવનિર્માણ કરાવ્યું ત્યારે આસપાસની જગ્યાનો ઉપયોગ કરીને બાપાજીની મઢુલી અને બેઠક પણ બનાવાઈ છે.
આ પોળમાં દરેક ધર્મ-સમાજના લોકો વસે છે. જેમાં જૈનોના ૧૫ પરિવારો છે. અહીં કુલ ૧૫૩ ઘરમાંથી ૫૦ કમર્શિયલ થઈ ગયાં છે. હવે રહેવાસીઓએ પોળના હિતમાં ઘરોનું વ્યવસાયીકરણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. લાલાભાઈ પોળનું મંડળ છે પણ ચબૂતરા માટે ચણ નાખવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. બધા પોતપોતાની રીતે ચણ નાખે છે અથવા નાણાકીય યોગદાન આપે છે. રહેવાસીઓના મત મુજબ અહીં પક્ષીઓ ઓછાં આવે છે. વૃક્ષને લીધે વાંદરાઓ પણ અહીં આવે છે.
જીવદયા માટે આ ચબૂતરો ખૂબ ઉપયોગી થાય તેવી આંતરિક ઇચ્છા અહીં રહેનારાઓની છે. તેઓ ચબૂતરાની બાજુમાં આવેલી દીવાલનું સમારકામ કરાવવાની યોજના બનાવી રહ્યા છે. અન્ય સુધારા-વધારા માટે પણ તેઓ સહકાર આપવા ઉત્સુક છે.
આવો, આ પંખી પાસેથી, પાઠ શીખવા આજ;
ભેગાં મળી રમો સૌ સાથે, કરશો ના જ અવાજ
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.