આ ચબૂતરાની અવદશાથી વાકેફ, એ પછી પણ જીવદયા કરવાને સદા તત્પર રહેતા નાગરિકો એવી ભાવના ધરાવે છે. તેનું નવનિર્માણ થાય. પણ કરે કોણ?
કાલુપુર વિસ્તારમાં આવેલા જૂના મહાજન વાડાના ચબૂતરાને હવે ખરેખર ચબૂતરો કહેવો કે નહીં એ એક દ્વિધાભર્યો પ્રશ્ન છે. નામમાત્ર જે હયાત છે, હસ્તી નહીં પણ નર્યું જાણે હાડપિંજર છે એવા આ ચબૂતરાના રોમેરોમમાંથી જાણે આંતર્નાદ સંભળાઈ રહ્યો છેઃ હે માનવી, મને તારા થોડાક સ્નેહની, લક્ષ્યની જરૂર છે.

લાકડામાંથી બનાવવામાં આવેલા આ ચબૂતરાનું નિર્માણ દોઢેક સદી પહેલાં કરવામાં આવ્યું હતું. પક્ષીઓની સેવા માટેના આ ચબૂતરાના સર્જનનું શ્રેય કંસારા સમાજના સદ્ગૃહસ્થ પોપટલાલ મગનલાલ ઠક્કરને જાય છે. આ પોળમાં મોટાભાગે કંસારા સમાજના સંયુક્ત પરિવારો ત્યારે પણ વસતા હતા અને આજે પણ વસે છે.
વિધિની વક્રતા તો જુઓ! જે ચબૂતરો મરવાના વાંકે આજે અસ્તિત્વ ટકાવી રહ્યો છે ત્યાં રહેવાસીઓ આજે પણ જીવદયાથી પ્રેરાઈને ચણ અને પાણીની સેવા તો કરે છે જ! બસ, ઉપરના ભાગમાં કશું બચ્યું જ નથી તેઓ યથેચ્છા આવીને નીચે ચણ પધરાવી જાય છે તો ક્યારેક વળી અહીં લટકતી છાબડીમાં પાણી ભરી જાય છે. પક્ષીઓ પણ ભૂખ ભાંગવાની આશાએ અહીં આવતાં રહે છે પણ તેમણે શ્વાન-બિલાડી વગેરેથી ચેતતાં રહેવું પડે છે.
હવે સૌથી મોટું આશ્ચર્ય પણ જાણો. આ ચબૂતરાની અવદશાથી વાકેફ, એ પછી પણ જીવદયા કરવાને સદા તત્પર રહેતા નાગરિકો એવી ભાવના ધરાવે છે કે તેનું નવનિર્માણ થાય. પણ કરે કોણ? આ પ્રશ્નનો જવાબ છસ્સો વરસ જૂની આ પોળમાં કદાચ કોઈની પાસે નથી. તેની આ સ્થિતિ સ્થાનિક અગ્રણીઓ પણ નિહાળી ગયા છે પણ પહેલ ક્યાંયથી થઈ નથી. આપણે સૌ સહિયારા આ જવાબદારી ઉઠાવીને કાર્ય સિદ્ધ કરીએ?
મેના પોપટની માદા નથી. એ જુદું જ પક્ષી છે. મેનાની વિવિધ જાત આ મુજબ છે: ગંગામેના, તેલિયામેના, પવઈ અથવા બ્રાહ્મણીમેના.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

