એક તરફથી નમી ગયેલા ચબૂતરાની નીચે ટેલરિંગની એક દુકાન છે. તેની ઉપર નાની ઓરડીમાં ચણ માટેના જારનો સંગ્રહ કરવામાં આવતો હતો

રિલીફ રોડથી નજીક આવેલા દેવશાના પાડામાં વિશાળ ચોક છે. જૈન મંદિર નજીકના આ ચોકમાં આવેલો બેઠા ઘાટનો ચબૂતરો નોખી ભાતનો હોવાની લાગણી કરાવે છે.

આ પાડાના ચબૂતરાનો ઉપલો ભાગ પીપળાના ભારથી તૂટી ગયો છે. સ્થિતિ નાજુક છે અને ચબૂતરાના ઉપરના ભાગમાં જવું જોખમી થઈ ગયું છે. આ ચબૂતરો ગોળાકાર છે. વિશાળ ચોકમાં આવેલા આ ચબૂતરા આસપાસ આજે ગોળાકાર ઓટલો પણ જોવા મળે છે. અનુમાન એવું છે કે પહેલાં ચબૂતરાનું અને પછી ઓટલાનું નિર્માણ કરવામાં આવ્યું હશે.

આ ચબૂતરાનું નિર્માણ કોણે કરાવ્યું તેની વિગતો ઉપલબ્ધ નથી. જોકે વરસો સુધી તેની જાળવણીની જવાબદારી સ્વ. બાબુભાઈ પૂજાલાલ દલાલે સ્વેચ્છાએ સંભાળી હતી. આજે તેમની ગેરહાજરીમાં પાસેના ઘરના રહેવાસીઓ અહીં ચણ-પાણી નિયમિત નાખે છે. આ ચણ-પાણી જોકે ચબૂતરાને બદલે ચોકમાં ચાંકા પર નાખવામાં આવે છે. પાડાનું પોતાનું કોઈ પંચ તો કાર્યરત નથી પણ પાડાના જૂના ભંડોળની રકમ બેન્કમાં ડિપોઝિટ તરીકે પડી છે. તેના વ્યાજમાંથી ચબૂતરાને ધબકતો રાખવાની ફરજ નિભાવવામાં આવે છે. જોકે ચબૂતરાની સ્થિતિ ખરેખર ચિંતાજનક છે.

એક તરફથી નમી ગયેલા ચબૂતરાની નીચે ટેલરિંગની એક દુકાન છે. તેની ઉપર નાની ઓરડીમાં ચણ માટેના જારનો સંગ્રહ કરવામાં આવતો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રિપેરિંગ માટે ચબૂતરા પર મ્યુનિસિપાલિટીના અધિકારીઓ નજર નાખી ગયા હતા. એ પછી હજી કોઈ આગળનું પગલું લેવામાં આવ્યું નથી.

આ પરિસરમાં આવેલાં સવાસોમાંથી આશરે પચ્ચીસેક ઘર આજે પણ ભર્યાંભાદર્યાં છે. ક્યારેક જ્યાં માત્ર જૈનોનાં ઘર હતાં એવા આ પાડામાં આજે મારવાડીઓ પણ રહેવા આવ્યા છે. શાંત અને રમણીય પરિસરમાં આવેલા આ ચબૂતરો પુનર્જીવન આપવામાં આવે તો એ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. 

વિશ્વમાં માણસ એક જ એવું પ્રાણી છે જે વૃક્ષ કાપે છે અને કાગળ બનાવી તેના પર લખે છે: વૃક્ષ બચાવો

Leave A Reply

Exit mobile version