અમેરિકાએ ભારત માટે હમણા કેટલાક વિવાદ સર્જતાં પગલાં લીધાં છે. અમેરિકામાં ગેરકાયદેસર વસતા ભારતીયોને આ દેશે, હાથેપગે બેડીઓ બાંધીને પાછા ભારતભેગા કર્યા છે. ભારતમાં એ માટે રોષ પ્રવર્તે જ છે. ત્યાં એલન મસ્કે એક ટ્વિટ કરતાં કહ્યું અમેરિકા ભારતને મતદાન વધારવા માટે જે 2.1 કરોડ ડોલરની સહાય આપતું હતું તેને ડોજે રદ કરી છે. આ જાહેરાત પછી તરત વિવાદ ખડો થયો છે. ભારત તરફથી પણ આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. સવાલ એ કે શું છે ડોજ અને એ કેમ વિવાદાસ્પદ છે. વાત કરીએ તે પહેલાં થોડી પૂર્વભૂમિકા જોઈએ.
અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશમાં સરકાર તરફથી થતા ખર્ચામાં બિનજરૂરી હોય તે બંધ કરવા માટે એક વિભાગ ઊભો કર્યો છે. વિભાગનું નામ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી એટલે જ, ડોજ છે. તેના વડા તરીકે ટ્રમ્પે વિશ્વના સૌથી ધનિક અને ટેસ્લાના માલિક મસ્કને નીમ્યા છે. મસ્કે આવતાની સાથે સરકારી નોકરીઓ અને અન્ય ખર્ચા પર આડેધડ કાપ મૂકવાનું શરૂ કરી દીધું છે. તેના કારણે અમેરિકામાં પણ વિવાદ છે. કારણ ડોજ કોઈ સરકારી વિભાગ નથી. એટલું જ નહીં, મસ્ક પણ ચુંટાયેલા નેતા નથી. તેથી અમેરિકાનાં અનેક રાજ્યોએ કોર્ટમાં તેમની સામે કેસ કર્યા છે.
હવે આપણી વાત. ભારત મુદ્દે જે વિવાદ થયો તેની. મસ્કે આંતરરાષ્ટ્રીય મદદોને બંધ કરવાના ભાગરૂપે ભારતમાં મતદાનની ટકાવારી વધારવા અમેરિકા જે આર્થિક સહાય આપતું હતું એને બંધ કરવાની જાહેરાત કરી. તેના પગલે ભારતમાં વિવાદ ઊભો થયો છે. જોકે ભારત તરફથી તીવ્ર પ્રતિક્રિયા આપવામાં આવી છે. સરકાર, ચૂંટણી પંચના કમિશનર, શાસક પક્ષે ડોજના દાવાને ખોટો લેખાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સંજીવ સન્યાલે આ મુદ્દે સામો પ્રશ્ન પૂછ્યો છે કે ભારતમાં મતદાન વધારવા માટે ડોજ શાને ખર્ચ કરે છે અને એ રકમ કોને મળી છે?
સન્યાલે આ મુદ્દે તીવ્ર પ્રત્યાઘાત આપ્યા છે. એણે અમેરિકન મદદ એટલે યુએસએઇડને, માનવ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ, ગણાવ્યું છે. સન્યાલે એક્સ સંદેશો લખ્યો હતો કે હું એ જાણવા માટે ખૂબ ઉત્સુક છું કે ભારતમાં મતદાન વધારવા માટે ફાળવવામાં આવેલા 2.1 કરોડ ડોલર કોને આપવામાં આવ્યા? તદુપરાંત બાંગ્લાદેશના રાજકીય ફલકને સબળ બનાવવા પેલા 2.9 કરોડ ડોલર અને નેપાળમાં, ફિસ્કલ ફેડરલિઝમ, સુધારવા માટે 2.9 કરોડ ડોલર કોના ખાતામાં ગયા? યુએસએઇડ માનવ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ છે.
ઉપરાંત, ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર કુરેશીએ પણ એકસ પર ખુલાસો કર્યો હતો કે આવું કોઈ ભંડોળ મારા કાર્યકાળમાં પંચમાં આવ્યું નથી, આ અંગે મીડિયામાં જે સમાચારો આવ્યા છે તે ખોટા છે. કુરેશીએ એમ પણ જણાવ્યું હતું કે મીડિયામાં એમ પણ આવ્યું હતું કે 2012માં હું મુખ્ય ચૂંટણી કમિશનર હતો ત્યારે ભારતમાં મતદાન ટકાવારી વધારવા માટે ભંડોળ મેળવવા માટે એક અમેરિકન એજન્સી સાથે કરાર થયા હતા. આ સમાચારમાં કોઈ સત્ય નથી. કુરેશીએ કહ્યું હતું કે 2012માં એક કરાર હસ્તાક્ષર જરૂર થયા હતા પરંતુ તે ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઇલેક્ટોરલ સિસ્ટમ્સ સાથે હતા. ભારતના ચૂંટણી પંચની તાલીમ અને તેના સંસાધન કેન્દ્રમાં રસ ધરાવતા દેશોના ચૂંટણી અધિકારીઓને તાલીમ આપવા સંબંધિત એ કરાર હતા. ડોજ પર ભાજપે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. પક્ષના આઈટી સેલના વડા અમિત માલવિયે જણાવ્યું કે ભારતની ચૂંટણીપ્રક્રિયામાં બાહ્ય દખલગીરી સહન કરવામાં આવશે નહીં. જોઈએ, ભારત સરકાર આ મુદ્દો અમેરિકન વહીવટીતંત્ર સાથે કેવી રીતે ઊઠાવે છે.