સ્વામી વિવેકાનંદ યુવાનો માટે નિત્ય પ્રેરણાસ્તોત્ર છે. ૧૨ એમની જન્મતિથિ હોય છે. આ દિવસને દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે એટલે જ ઉજવવામાં આવે છે. રાજકોટમાં આ નિમિત્તે સ્વામી વિવેકાનંદ સ્થાપિત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્ર, શ્રીરામકૃષ્ણ આશ્રમમાં યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિર સવારે સાડાઆઠથી શરૂ બપોરે દોઢ વાગ્યા સુધી ચાલી હતી. શિબિરમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ તથા વીએચપી ઑફ અમેરિકાનાં ભૂતપૂર્વ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ફૉર યુથ, ડૉ. વીણાબહેન ગાંધી ઉપસ્થિત રહ્યાં હતાં. મહાનુભાવોએ શિબિરમાં યુવાનોનું માર્ગદર્શન કરતાં જીવનોપયોગી વાતો વહેંચી હતી.
આ અવસરે તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદની દરેક છબિમાં શક્તિ પ્રતિબિંબિત થાય છે. યુવાનો એમના આશ્રમની પવિત્ર ભૂમિમાં નબળાઈનો ત્યાગ કરવાનો સંકલ્પ એવી પણ એમણે પ્રેરણા આપી હતી.
ડૉ. જયેન્દ્રસિંહ જાધવે જણાવ્યું હતું કે તેઓને સ્વામી વિવેકાનંદના સાહિત્યમાં બાળપણથી રુચિ રહી છે અને તેનો તેઓએ અભ્યાસ કર્યો છે. તેઓએ યુવાનોને એકાગ્રતા વિકસાવવા જણાવ્યું હતું. સાથે, નવી શિક્ષણ નીતિમાં સ્વામી વિવેકાનંદના શિક્ષણના સમાવેશની વાત પણ કરી હતી. ડૉ. વીણાબહેને યુવાનોને મનની શાંતિ અને એકાગ્રતા કેળવવા માટે ઉપયોગી સૂચનો આપ્યાં હતાં. આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે જણાવ્યું હતું કે વિવેકાનંદને તેમના જન્મદિવસે કોઈ શ્રેષ્ઠ ભેટ આપી શકાય તો એ કે યુવાનો ભારતને પ્રેમ કરે. દેશભક્તિ વિકસાવવા તેમણે યુવાનોને વિવેકાનંદનાં પુસ્તકો વાંચવા સૂચવ્યું હતું. તેઓએ ઉણેર્યું હતું કે આપણા દેશના મહાન દેશભક્તો, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોસ, ડૉ. રાધાકૃષ્ણન વગેરે પણ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોથી બેહદ પ્રભાવિત હતા.
સંમેલનમાં યુવાનોને લગતા પ્રશ્નોનું પણ સમાધાન આપવામાં આવ્યું હતું. સંમેલનમાં ૫૦૦થી વધુ યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિરના અંતે ભોજન થયું હતું. ઉપસ્થિત યુવાનોને સંસ્થા તરફથી વિવેકાનંદનાં પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવ્યો હતો.
આવા હતા સ્વામી વિવેકાનંદઃ સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો હતો. તેઓનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેઓ ઓગણીસમી સદીના સંત રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક હતા. સ્વામી વિવેકાનંદને આધુનિક ભારતમાં હિંદુ ધર્મના પુનરોદ્ધારના કાર્યમાં સૌથી મહત્ત્વના પરિબળસમા ગણવામાં આવે છે.
વિશ્વ ધર્મ સંસદમાં એમનું અમર વક્તવ્યઃ 11 સપ્ટેમ્બર 1893ના રોજ અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદ યોજાઈ હતી. એમાં સ્વામી વિવેકાનંદ હિંદુ ઘર્મના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત હતા. એમાં તેઓએ પોતાનું પ્રથમ ટૂંકું વક્તવ્ય આપ્યું હતું. વિદ્યાદેવી સરસ્વતીને પ્રણામ કરીને તેઓએ સહુને, “અમેરિકાનાં ભાઈઓ અને બહેનો!” શબ્દો સાથે સંબોધ્યા હતા. એમના શબ્દો સાંભળીને સભાગૃહમાં હાજર સાત હજારની મેદનીએ ઊભા થઈને એમને તાળીઓથી વધાવી લીધી હતી. એમનું એ સન્માન બે મિનિટ સુધી ચાલ્યું હતું
ગુજરાતી વિશ્વકોષ (https://gujarativishwakosh.org)માં સ્વામી વિવેકાનંદ વિશે નોંધ છે, “ભારતના આધ્યાત્મિક વારસાનું નવસંસ્કરણ કરનાર, અનન્ય સત્યાનુરાગી, દરિદ્ર પ્રત્યે અપાર અનુકંપા ધરાવનાર, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને એમના વિચારોના સંદેશવાહક.”
રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ પરનાં તેમનાં પુસ્તકો આજે પણ અત્યંત લોકપ્રિય છે. એમાં એમનાં અનેક વક્તવ્યો પણ સંકલિત થયાં છે. સ્વામી વિવેકાનંદના આદર્શો અને એમની વિચારધારા આજે પણ સહુને પ્રેરણા આપે છે.