કાપડના વેપારથી કન્સ્ટ્રક્શન સુધી અનેક મોરચે તેમણે પોતાની આવડત સિદ્ધ કરી છે. સાથે, સમાજ માટેના સફળ સામયિકથી લોકસેવા અને ગૌસેવા સુધી તેઓનું સામાજિક યોગદાન છલકી રહ્યું છે
માણસના ચહેરા પર તેજનાં ઘણાં કારણો હોઈ શકે. એક કારણ નીતિપૂર્વક જીવન પસાર કર્યું હોવાનું હોઈ શકે. અનિલ નંદલાલ મહેતા, અર્થાત્ મહાલક્ષ્મી ડેવલપર્સ, કપોળ સમાજ દર્પણ સામયિક સહિત, અન્ય વેપારી અને સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વડીલ. કપોળો તેમને સુપેરે ઓળખે. સમાજને પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે સ્પર્શતી કેટલીયે બાબતો સાથે તેઓ સંકળાયેલા છે. રાજુલાથી પેડર રોડ સુધીની તેમની જીવનયાત્રામાં અનેક મજાના પ્રસંગો છે.
“મારો જન્મ ૧૯૪૦માં રાજુલામાં. પછી શરૂઆતનાં વીસેક વરસ રાજુલા-મુંબઈમાં રહેવાના દોર ચાલ્યા,” અનિલભાઈ વીતેલાં વરસોને યાદ કરતાં કહે છે, “એ માટે જુદી જુદી ઘટનાઓ નિમિત્ત બની, પણ ૧૯૫૯થી એટલે ઓગણીસેક વરસની ઉંમરથી મુંબઈ જ રહેવાનું થયું.” લીલાવતીબહેન અને નંદલાલ મહેતાના ઘરમાં બબ્બે દીકરા-દીકરી, જેમાં અનિલનો ક્રમ બીજો. પિતા મુંબઈ આવીને પ્રાર્થનાસમાજમાં વસ્યા ૧૯૪૨માં, અને ૧૯૪૪માં ગોદીનો અભૂતપૂર્વ ઘડાકો થયો. એના પ્રત્યાઘાતરૂપે અનેક પરિવારો મુંબઈથી ઉચાળા ભરી ગયા. મહેતા પરિવાર એમાંનો એક. એમાં વળી ૧૯૪૫માં અનિલની વય માંડ પાંચેકની હતી ત્યારે પિતાનું અવસાન થયું. પછી ચાલ્યો એક દોર જેમાં મુંબઈ અને રાજુલા આવજા ચાલી. મુંબઈની મોડર્ન સ્કૂલમાં પછી રાજુલાની સંઘવી હાઈસ્કૂલમાં ભણતાં બાળ અનિલે મેટ્રિક પૂરું કર્યું, ૧૯૫૮માં. પછીના વરસે પિતરાઈ બંધુ પોપટભાઈ સાથે મુળજી જેઠા માર્કેટમાં કાપડના કામકાજમાં ઝંપલાવી દીધું.
અનિલભાઈ કહે છે, “વેપારમાં પ્રારંભિક અનુભવ અને જાણકારી મેળવવાનો એ દોર મજાનો હતો. એ વખતે જ સમજી લીધું હતું કે કોઈ કામ નાનું નથી અને જેમાં અન્યાય, ગરબડ કે સ્વાર્થ છે એ કામ સૌથી ખોટું છે.” ચારેક વરસ પછી બેઉ ભાઈઓએ પોતપોતાનો ચીલો ચાતરવાનો નિર્ણય લીધો. કાપડના વેપારથી શીખેલી બાબતોનું ભાતું લઈને મેદાને પડેલા અનિલભાઈએ મહાલક્ષ્મી એક્સપોર્ટ એજન્સી શરૂ કરી. એ પછી આવેલા ધક્કાદાયક વળાંક વિશે તેઓ જણાવે છે, “પાંચેક વરસની મહેનત પછી ઠીકઠાક થાળે પડ્યો. એવામાં ૧૯૬૭માં રૂપિયાનું અવમૂલ્યન થયું અને મોટો આર્થિક ફટકો પડ્યો. નાસીપાસ થયા વિના ઠરાવ્યું કે પરિસ્થિતિથી હારી જવાથી કશું વળશે નહીં. વધુ વિચાર કરતાં વિશ્વાસ વધ્યો કે વેપારમાં કોઈ ખોટું કામ નથી અને રૂપિયાથી વધુ મિત્રોની મૂડી કમાઈ છે. જો મક્કમ થઈને ઊભા રહેશું, લડશું તો પત્તું જરૂર ફરશે.”
એક્ઝેક્ટલી એવું થયું. પાંચ-છ વરસ ભલે લાગ્યાં પણ અનિલભાઈ આર્થિક સંકટને પાર કરી ગયા. એમાં અનેક લોકોએ મદદ કરી. મદદ કરનારાઓએ આ વેપારીનાં વહેવાર, પ્રામાણિકતા અને સ્પષ્ટવક્તાપણાને સાંગોપાંગ પારખી લીધા હતાં. અનિલભાઈ સસ્મિત કહે છે. “નિયમ સાદો-સરળ છે, શું છે એ ગણવા બેસોતો લાભ નથી. તમે શું કરી શકો છો એ વિચારો તો અશક્યમાંથી પણ માર્ગ મળી જાય.”
૧૯૬૫માં અનિલભાઈનાં લગ્ન દમયંતીબહેન સાથે થયાં. તેમના ઘરે અજય, અનીશ અને છાયા એમ ત્રણ સંતાનોનો જન્મ થયો. રૂપિયાના અવમૂલ્યને રોળેલી સ્થિતિમાંથી બહાર આવવા સાથે અનિલભાઈએ વેપારની પાંખો વિસ્તારી. ૧૯૭૩ આસપાસ તેમણે લેધર ગારમેન્ટની નિકાસમાં ઝંપલાવ્યું. સાથે તેઓ સમાજસેવામાં પણ પ્રવૃત્ત થઈ ચૂક્યા હતા. બાળપણમાં વતન રાજુલામાં વડીલોએ કરેલાં સત્કાર્યો, કપોળ સ્વજનોને મદદરૂપ થવાની તત્પરતાને અનિલભાઈ નિહાળી ચૂક્યા હતા. તેથી યુવાવયે તેમણે પણ વડીલોના પગલે ચાલતાં સેવાર્થે યોગદાન આપવાની શરૂઆત કરી. તેઓ જણાવે છે, “મેં ભલે ગરીબી નથી જોઈ પણ દોમદોમ સાહ્યબી પણ નથી જોઈ. મને ગરીબોની સ્થિતિનો પૂરો અંદાજ છે. એટલે જે થોડું કાંઈ ઈશ્વરે આપ્યું તેમાંથી યથાશક્તિ અન્યો સાથે વહેંચવાનો નિર્ધાર મેં બહુ પહેલાં કરી લીધો હતો.”
સમયનાં વહેણ સાથે અનિલભાઈના બેઉ દીકરા, અજય અને અનીશ ભણીગણીને પિતા સાથે વેપારમાં જોડાયા. અજયભાઈએ વેપારને વિસ્તારવા ઔરંગાબાદમાં લેધર ગારમેન્ટ્સની તો બેંગલોરમાં ગારમેન્ટ્સની ફેક્ટરી શરૂ કરી. નિકાસનું કામ લગાતાર વધી રહ્યું હતું. ૧૯૮૫માં આયાત પણ શરૂ કરી. ૧૯૯૦માં શરૂઆત થઈ મહાલક્ષ્મી ડેવલપર્સની. અનિલભાઈ કહે છે, “માન્યતા એવી છે કે સામાન્ય માણસો માટે બંધાતા ફ્લેટ્સમાં ખાસ ભલીવાર હોતી નથી. અમે એ માન્યતા ખોટી પડે એવી ભાવના સાથે મધ્યમવર્ગ માટે એવાં ઘર બાંધવાનો નિર્ધાર કર્યો જે રહેનારના રાજીપાને ચરમસીમાએ લઈ જાય.”
નાલાસોપારા, પનવેલ, કર્જત જેવાં મુંબઈ નજીકનાં ઉપનગરોમાં કાળક્રમે મહાલક્ષ્મી ડેવલપર્સના નેજા હેઠળ વિશાળ રહેણાક સંકુલો બંધાતાં ગયાં. એમાં આજે હજારો પરિવાર ખુશખુશાલ જીવન માણી રહ્યા છે. બીજા અનેક પરિવારો માટે વધુ ફ્લેટ્સના નિર્માણનો અવકાશ પણ પનવેલમાં કંપનીની જમીનમાં છે. ઉત્તમ બાંધકામ ઉપરાંત ૨૪ કલાક કંટ્રોલ રૂમ, રેલવે સ્ટેશને આવજા માટે બસની સગવડ, ઇન્ટરકોમ, ગાર્ડન, સહિત આ પ્રોજેક્ટમાં એટલી બધી સગવડો છે કે સૌ સંપૂર્ણપણે સંતુષ્ટ રહે.
અનિલભાઈએ સેવામોરચે પણ ઉત્કૃષ્ટ કાર્ય કર્યાં છે. વતન રાજુલામાં તેમણે નંદલાલ મનજી મહેતા હાઈસ્કૂલ સ્થાપી છે, જેમાં ૧,૨૦૦ વિદ્યાર્થીઓ ભણે છે. વાશીમાં તેમણે નંદધામ હવેલીનું નિર્માણ કરાવ્યું છે. વીસેક વરસ પહેલાં ભાયંદરમાં કપોળવાડીના નિર્માણમાં પણ તેઓ સહયોગી હતા. માથેરાન રામ મંદિરમાં ચાર બ્લોક્સમાં ડુપ્લેક્સ માટે તેમણે યોગદાન આપ્યું છે. કપોળ સમાજને એકતાંતણે બાંધતા કપોળ સમાજ દર્પણ સામયિકના તેઓ સ્થાપક છે. ઉપરાંત બેએક વરસ પહેલાં તેમણે રાજુલા સ્થિત ગૌશાળા પણ પુનરુત્થાન માટે લીધી છે. આ સેવા તેમને મન સૌથી અગત્યની છે, “મારી પહેલાંના સંચાલકોએ મને આ ગૌશાળા હસ્તક લેવા એટલે જણાવ્યું કે હું તેમનાથી બહેતર એવું કંઈક કરું. આ વિશ્વાસને સાર્થક કરવા હું સમર્પિત છું. અત્યારે મારા જીવનનો મહત્તમ સમય રાજુલા ગૌશાળાને શ્રેષ્ઠતમ બનાવવાના ઉદ્દેશને સમર્પિત છે.”
રાજુલામાં તેઓ હોસ્પિટલ પણ ઊભી કરી રહ્યા છે. એના વિનામૂલ્યે ડાયાલિસિસ તથા ઓપીડી સેન્ટરનું ઉદ્ઘાટન પૂજ્ય મોરારિબાપુના હસ્તક થઈ ચૂક્યું છે. રાજુલા અને આસપાસના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદ સમાન બની રહેશે.
કપોળ સમાજ સાથે તેઓ ઘનિષ્ઠપણે સંકળાયેલા છે. કપોળોના વિશિષ્ટ વ્યક્તિત્વ વિશે તેઓ જણાવે છે, “એકબીજાને મદદરૂપ થાય અને ખોટી ચોવટ કરે નહીં એવા છે કપોળો. આપબળે આગળ આવવાની વાત હોય ત્યાં કપોળો દેશના તો ઠીક, વિશ્વના કોઈ પણ સમાજ સાથે સ્પર્ધા કરી શકવાને સમર્થ છે. આવા આપણા સમાજે પેઢીઓથી પ્રગતિ સાધી છે. હાલના સ્તરેથી પણ સમાજને આગળ લઈ જવા માટે આપણે સંઘભાવના અને પરસ્પર પ્રેમ સાથે આગળ વધવાનું છે.”
વેપારી જવાબદારીઓ દીકરાઓ સુપેરે સંભાળતા હોવાથી અનિલભાઈ રાજુલા ગૌશાળાના વિકાસ તરફ વધુ વળ્યા છે. ઘરે અજયભાઈ અને અનીશભાઈ, બે પુત્રો તથા અનીશભાઈનાં પત્ની મીનિષાબહેન તથા પૌત્ર-પૌત્રી આર્યન અને એનેટથી મઘમઘાટ છે. બીજી તરફ દીકરી છાયાબહેન હરેશભાઈ વેદ સાથે લગ્ન પછી અમેરિકા સ્થાયી થયાં છે. આ યુગલને ચિરાગ અને રોનલ એમ બે સંતાનો છે. જીવનના આઠેક દાયકાને આંબવાને સજ્જ અનિલભાઈના ચહેરે અને જીવનમાં તેજ છલકે છે એનું કારણ જ નીતિપૂર્વકનું જીવન છે. આવા તેજના સ્વામી માટે ફરિયાદનો પ્રશ્ન જ આવતો નથી.
મેં ભલે ગરીબી નથી જોઈ પણ દોમદોમ સાહ્યબી પણ નથી જોઈ. મને ગરીબોની સ્થિતિનો પૂરો અંદાજ છે. એટલે જે થોડું કાંઈ ઈશ્વરે આપ્યું તેમાંથી યથાશક્તિ અન્યો સાથે વહેંચવાનો નિર્ધાર મેં બહુ પહેલાં કરી લીધો હતો.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


