એક સમયની અત્યંત લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ ક્યૂંકિ સાસ ભી કભી બહુ થીની નવી સીઝન વરસો પછી આવી રહી છે. એમાં સ્મૃતિ ઇરાની અને અમર ઉપાધ્યાય સાથે, જાણીતા ગુજરાતી અભિનેતા હેમાંગ પલાણ પણ એક મહત્ત્વના પાત્રમાં દેખાવાના છે.
મૂળ વેરાવળ સોમનાથના અને મુંબઈમાં રહેતા હેમાંગ પલાણે આ પહેલાં પણ અનેક લોકપ્રિય સિરિયલ્સમાં સુંદર પાત્રો ભજવીને ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન બનાવ્યું છે. ક્યૂંકિ સાસ ભી કભી બહુ થીની સીઝન ટુમાં તેઓ ક્યા પાત્રમાં ઝળકવાના છે, એ તેમને પૂછતાં હેમાંગે સસ્મિત જણાવ્યું હતું, “એ એક સરપ્રાઇઝ. બસ, થોડી રાહ જુઓ અને બધું સ્પષ્ટ થઈ જશે.”
બાલાજી ટેલિફિલ્મ્સની એકતા કપૂર નિર્મિત ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી પોતાના સમયમાં લોકપ્રિયતાનાં શિખરો સર કરનારી અને સદૈવ લોકસ્મૃતિમાં જીવંત રહેનારી સિરિયલ છે. ઇન ફેક્ટ, 2000ની સાલમાં આવનારી આ અને કૌન બનેગા કરોડપતિ રિયાલિટી શોએ, ત્યારે સ્પર્ધામાં ખૂબ પાછળ એવી સેટેલાઇટ ચેનલ સ્ટાર પ્લસને નંબર વન ચેનલ બનાવવામાં સિંહફાળો આપ્યો હતો.
હેમાંગે એમની પ્રદીર્ઘ કારકિર્દીમાં 91 સિરિયલ્સમાં અભિનય કર્યો છે. એમાં બાલાજીની પણ પંદરેક સિરિયલ્સ સામેલ છે. મુંબઈમાં ભારતીય વિદ્યા ભવનની અભિનય શીખવતી સંસ્થા, ભારતીય નાટ્ય શિક્ષાપીઠમાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કરનારા હેમાંગને ક્યૂંકિ સાસ ભી કભી બહુ થીમાં અનોખા પાત્રમાં નિહાળીને એમના ચાહકો ખુશ થશે એ નક્કી.


