આ પરિવારમાં લગભગ સૌ ડૉક્ટર છે. સેવાભાવના મામલે સૌ પરસ્પર મીઠડી સ્પર્ધા કરે છે. સ્વદેશ સાથેનો સંબંધ પણ તેઓ અતૂટપણે જાળવી રાખે છે
કપોળોના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થાઓને સાથ આપવાની વાત આવે ત્યારે ડૉ. કમલેશભાઈ પારેખનું નામ અવશ્ય હોય. તેમણે સમાજની મોટાભાગની સંસ્થાઓને ક્યારેક તો મદદ કરી છે. એ પણ અમેરિકાના ડેટ્રોઇટમાં રહીને. પારેખ પરિવારની બીજી એક ખાસિયત એટલે તેના મોટાભાગના સભ્યો ડોક્ટર છે. આ તો થઈ આજની વાત. બાકી એક જમાનામાં પરિવારે એવો પણ સમય નિહાળ્યો હતો કે પતિની છત્રછાયા નાની ઉંમરે ગુમાવ્યા પછી, ઘરનાં મોભી તરીકે ગિરજાબહેનના માથે છ સંતાનોનો ઉછેર એકલા હાથે કરવાની જવાબદારી આવી પડી હતી. એ સ્થિતિમાંથી બહાર પડવું, બધાં સંતાનોને સંસ્કાર અને જ્ઞાનસંપન્ન કરવાં અને પછી, સમાજનું દાયિત્વ પણ સુપેરે નિભાવવું, એ બધી બાબતો સલામને પાત્ર છે. આવા પરિવારના એક સભ્ય કમલેશભાઈના જીવનનો અંતરંગ ચિતાર મેળવીએ.
અમરેલી નજીક નાનકડું ગામ છે ચિતલ. કાનજીભાઈ મૂળ એ ગામના. તેમનાં લગ્ન થયાં ગિરજાલક્ષ્મી સાથે. ગામથી મુંબઈ આવીને વસ્યા પછી કાનજીભાઈએ ભાગીદારીમાં કોટન વેસ્ટ પ્રોડક્ટસનો વેપાર વિકસાવ્યો હતો. ખેતવાડી વિસ્તારમાં નાનકડા ઘરમાં તેમનો સંસાર ધબકે. ઘરે જીવન, અનિલ, કમલેશ એમ ત્રણ દીકરા અને રમીલા, જયશ્રી, અને ભારતી એમ ત્રણ દીકરીઓ. એમના સુખી સંસાર પર વીજળી ત્યારે પડી જ્યારે બાળક કમલેશ માંડ ચાર વર્ષનો હતો અને પિતાનું આકસ્મિક નિધન થયું. કમલેશભાઈ ત્યારની પરિસ્થિતિ વિશે જે જાણે છે તે વહેંચતાં કહે છે, “પિતાના અવસાન પછી ભાગીદારોએ પ્રામાણિકતાથી હિસાબ આપ્યો નહીં અને તેમના ભાગે આવતી રકમ પચાવી પાડી. સદ્નસીબે, પિતાએ દીર્ઘદ્રષ્ટિ રાખતાં થોડી બચત કરી હતી.”
આર્થિક સુરક્ષા એક વાત છે અને લાગણીનો આધાર બીજી. યુવાનવયે એકલાં પડી ગયાં પછી ગિરજાબહેને અસાધારણ મનોબળ દર્શાવ્યું. સંતાનોને ઊની આંચ આવતા દીધા વિના તેમણે તેમના ઉછેર પાછળ આયખું ખર્ચવા માંડ્યું. કમલેશભાઈની વાત કરીએ તો તેમણે ટાઉન વિસ્તારની કબીબાઈ હાઇસ્કૂલ, પછી જયહિંદ કોલેજ અને આઈઆઈટી પવઈમાં અભ્યાસ કરતાં બી. ટેક.ની ડિગ્રી અર્જિત કરી. એ પછી તેઓ માસ્ટર્સ ડિગ્રી માટે ૧૯૭૦માં અમેરિકા ગયા. ત્યાં ફાઇનાન્સમાં પીએચ. ડી. પણ કર્યું અને સેન્ટ જોન હેલ્થના ફાઇનાન્સ વિભાગમાં બજેટ ડિરેક્ટર તરીકે જોડાયા. મિશિંગન સ્ટેટમાં આ હોસ્પિટલ શ્રૃંખલાની નવ શાખાઓ છે. કમલેશભાઈએ જીવનના ત્રણ દાયકા ત્યાં નોકરી કરતાં ચીફ ફાઇનાન્સ ઓફિસરના પદ સુધીની જવાબદારી નિભાવી છે.
અમેરિકામાં ભણ્યા-વસ્યા તે દરમિયાન તેમની મુલાકાત મૂળ ભાવનગરનાં પણ ત્યાં વસેલાં દીપિકાબહેન સાથે થઈ. તેમનો પરિવાર ગાંધીજીના પરિવાર સાથે સંબંધ ધરાવતો. દીપિકાબહેન અને કમલેશભાઈ કોમન ફ્રેન્ડ્સ મારફત એકબીજાંને મળ્યાં. બેઉનો મનમેળ થયો અને ૧૯૭૪માં તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. આ દંપતીને આનંદ નામે એક દીકરો થયો. દીપિકાબહેને એમ. ડી.નો અભ્યાસ કર્યા પછી અમેરિકામાં ગાયનેકોલોજિસ્ટ તરીકે કારકિર્દી ઘડી.
કમલેશભાઈ લોન લઈને અમેરિકા ભણવા ગયા હતા. પૈસા, પરિવાર, પ્રામાણિકતા અને, પરદેશ રહેવા છતાં સ્વદેશ તથા પોતાના કપોળ સમાજનું મહત્ત્વ તેઓને કાયમ હૈયે રહ્યું. એટલે સંપન્ન જીવન માણતાં તેમણે બેઉ હાથે બીજાને મદદ કરવાનો શિરસ્તો જાળવી રાખ્યો છે. કપોળોની ઘણી સંસ્થાઓ અને ટ્રસ્ટ સાથે તેઓ સંકળાયેલા છે. એ માટે ભારતમાં જે પણ કઈ જવાબદારી પાર પાડવાની આવે તેની કાળજી તેમના વતી બહેન જયશ્રીના જીવનસાથી મનસુખભાઈ જાદવજીભાઈ મહેતા સંભાળે છે.
કમલેશભાઈ કહે છે, “મને અન્યોની સેવા કરવાનો સ્વભાવ મારાં મમ્મી પાસેથી મળ્યો છે. હું નસીબદાર છું કે મમ્મી ઉપરાંત દીપિકા તરીકે પત્નીના રૂપમાં મને અત્યંત સમજદાર અને ધર્મભાવના ધરાવતી લાઇફ પાર્ટનર મળી છે. હું નાસ્તિક નથી પણ મારું મન લોકોની સેવા તરફ વધુ ઢળેલું છે. દીપિકા એ મામલે તો સક્રિય છે જ, સાથે પ્રબળ ધર્મભાવના પણ ધરાવે છે.”
વાંચનનો શોખ ધરાવતા કમલેશભાઈએ વિશ્વના અનેક દેશોનો પ્રવાસ પણ ખેડ્યો છે. ભજનોથી માંડીને જૂની ફિલ્મોનાં ગીતો સાંભળવા તથા કરાઓકેમાં ગાવાં તેમને ગમતી પ્રવૃત્તિ છે. દીપિકાબહેને દર વરસે નાથદ્વારા દર્શન કરવાનો શિરસ્તો લગભગ અતૂટપણે જાળવી રાખ્યો છે. દીકરા આનંદની વાત કરીએ તો એ પણ ડૉક્ટર છે અને તેમનાં પત્ની રિન્કી પણ કાર્ડિઓલોજિસ્ટ છે. આનંદે બારમા ધોરણમાં, એટલે ૧૯૯૪માં અમેરિકાના મિશિગન સ્ટેટના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે સ્થાન મેળવ્યું હતું. અમેરિકાના તત્કાલીન પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટનના હસ્તે તેનું બહુમાન કરવામાં આવ્યું હતું. એ વરસે આનંદનું ભારત આવવાનું થયું ત્યારે તત્કાલીન વડા પ્રધાન પી. વી. નરસિંહારાવે પણ તેને દિલ્હી ભોલાવીને તેનું સન્માન કર્યું હતું. આનંદમાં પણ પરગજુપણાના સંસ્કાર સાંગોપાંગ ઊતર્યા છે. એકવાર કમલેશભાઈએ દીકરાને કહ્યું, “મારી સંપત્તિના નેવુ ટકા હું દાન કરીશ અને દસ ટકા તને આપીશ.” દીકરાએ નિસ્પૃહભાવે પિતાને કહ્યું, “તમે પૂરેપૂરી સંપત્તિ દાનમાં આપશો તો પણ ગમશે. અમે પતિ-પત્ની કાર્ડિઓલોજિસ્ટ છીએ. અમે પણ અમારી સંપત્તિમાંથી ઘણું દાન આપીએ છીએ. તમે ખુશીભેર દાન કરો, પપ્પા.” બિલકુલ એવો જ સ્વભાવ દીપિકાબહેનનો છે. સ્ત્રીરોગ તજ્ઞ તરીકે કામ કરતાં તેમની પાસે ભારતીય દરદી આવે તો તેઓ ફી લેતાં નથી.
કમલેશભાઈ દર વરસે ભારત આવે છે. તેમના આર્થિક યોગદાનથી અહીં કેટલાય જરૂરિયાતમંદોના જીવનને શાતા પહોંચી છે. પિતાના નામે ચાલતા કાનજીભાઈ વિઠ્ઠલદાસ પારેખ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેઓ શૈક્ષણિક, સ્વાસ્થ્યલથી, સહાયનો ધોધ વહાવ્યા કરે છે. નાલાસોપારામાં દીકરા આનંદના નામે તેમણે આનંદ કમલેશ પારેખ જુનિયર કોલેજ સ્થાપી છે. લોનાવલાની એક સેનેટોરિયમમાં માતા અને સાસુના નામે તેમણે બે બિલ્ડિંગ માટે યોગદાન આપ્યું છે. બોરીવલી સ્થિત ગોખલે એજ્યુકેશન સોસાયટીમાં કાનજીભાઈ વિઠ્ઠલદાસ પારેખ કોલેજ કાર્યરત છે, જેમાં કમલેશભાઈના નામે કોમ્પ્યુટર સેન્ટર પણ છે. ભાવનગર નજીકના મોસાળના ગામ ઉમરાળમાં તેમણે માતાના નામે સ્કૂલ ઊભી કરી છે. ઉપરાંત અમરેલીમાં મૂક-બધીરો માટે રહેવા-જમવાની સગવડ સાથેનું છાત્રાલય, વિલેપાર્લે ઉત્કર્ષ મંડળમાં મદદ, કાંદિવલી હિતવર્ધક મંડળમાં પિતાની સ્મૃતિમાં રેટિના ડિપાર્ટમેન્ટ, મહિલા મંડળોમાં નવરાત્રિમાં લહાણી, નાલાસાપોરામાં કપોળ નિવાસ અંતર્ગત પિતાના નામે બિલ્ડિંગ, નાથદ્વારામાં સગવડસજ્જ કાનજી કુટિરનું નિર્માણ. મથુરા, ભાવનગરની સંસ્થાઓને મદદ… આ યાદી ચાલ્યા જ કરે તેટલી લાંબી છે.
છેલ્લાં પંદર વરસથી પ્રોપર્ટી મેનેજમેન્ટના બિઝનેસમાં વ્યસ્ત કમલેશભાઈને મન જીવન એટલે સતત મહેનત કરતા રહીને પરોપકાર કરતા રહેવું, “જેને પણ મદદ કરું તેને એક વાત હું કહું કે મને મારા પૈસા પાછા નથી જોઈતા. તમે જો સુખી થાવ તો બીજા કોઈક જરૂરિયાતમંદનો સાથ ઝાલી લેજો. બસ, એમાં મારી મદદનો પ્રત્યુત્તર અને ઈશ્વરના આશીર્વાદ, બેઉ સામેલ હશે.”
મારી સંપત્તિના નેવુ ટકા હું દાન કરીશ અને દસ ટકા તને આપીશ. દીકરાએ નિસ્પૃહભાવે પિતાને કહ્યું, ‘‘તમે પૂરેપૂરી સંપત્તિ દાનમાં આપશો તો પણ ગમશે.”
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


