તેનો થાંભલાથી ઘુમ્મટ સુધીનો ભાગ પાછળની દીવાલમાં જાણે કે ખોવાઈ ગયો છે. અમુક ભાગ નીચેના કૂવાને પૂરી દેતાં ત્યાં બનાવેલી ઓરડીમાં એકરૂપ થયો છે
નાગજી ભૂદરની પોળ કૂવાવાળા ખાંચામાં આવેલી છે. આ પોળમાં પ્રવેશતાં જ ડાબી તરફ દૃશ્યમાન થાય છે અહીંનો ૧૦૦ વર્ષ જૂનો ચબૂતરો.
પથ્થરનો બનેલો આ ચબૂતરો સમયના પ્રવાહ સાથે પોતાનું અસલ રૂપ ગુમાવતો ગયો છે. હાલમાં તેનો થાંભલાથી ઘુમ્મટ સુધીનો ભાગ પાછળની દીવાલમાં જાણે કે ખોવાઈ ગયો છે. અમુક ભાગ નીચેના કૂવાને પૂરી દેતાં ત્યાં બનાવેલી ઓરડીમાં એકરૂપ થયો છે.
ચબૂતરાનું બાંધકામ જૈનોએ જ કરાવ્યું હોવાનું કહેવાય છે. હાલમાં પણ અહીં ૫૦ જૈન પરિવારો વસે છે. આ રહેવાસીઓમાં ભરપૂર જીવદયા છલકે છે. જોકે અહીં બિલાડીનો ખૂબ ત્રાસ હોવાથી પંખીઓને દાણો-પાણી નાખતા તેઓ ખચકાય છે.
આ ચબૂતરામાં ચણ નાખવાની યોગ્ય વ્યવસ્થા નથી. એક નોંધનીય વાત એ છે કે અહીં ચણ જેવાં જીવદયાનાં કાર્યો માટે દાનપેટી છે. તેમાં સખાવતીઓ નાણાં પણ નાખે છે. ચબૂતરો કાર્યરત નહીં હોવાથી દાનપેટીમાં જમા થતી રકમ પાંજરાપોળમાં આપી દેવામાં આવે છે. નાગજી ભૂદર પોળનું પંચ અહીંના ચબૂતરાની વ્યવસ્થા સંભાળે છે. પોળમાં ૪૦૦ વર્ષ જૂનું ભગવાન સંભવનાથ શાંતિનાથ આદેશ્વર દેરાસર છે. ત્રણ માળના દેરાસરમાં દરેક માળે ભગવાન બિરાજમાન છે. તેમાં કુલ ૩૫૦ પ્રતિમાઓ છે.
પોતાની પોળના પ્રાચીન વારસારૂપ આ ચબૂતરાને ફરી ધમધમતો કરવાની સ્થાનિકોની ઘણી ઇચ્છા છે. ચબૂતરાનું તેઓ વ્યવસ્થિતપણે રિનોવેશન કરાવવા માગે છે, જેમાં જારની યોગ્ય વ્યવસ્થા સાથે, પંખીઓની સુરક્ષા માટે જાળી, ખખડી ગયેલા સળિયાવાળા દાદરાને સ્થાને નવો દાદરો તેઓ મુકાવવા માગે છે. ચણ નાખવામાં સરળતા રહે તે માટે દાદરો તેઓ આગળ તરફ કરવા માગે છે. આટલી સુંદર અને સરસ વ્યવસ્થા અને રહેવાસીઓ હોવા છતાં ચબૂતરો નહીંવત્ કાર્યાન્વિત હોવાથી તે ચિંતાનો વિષય છે. ચબૂતરાને યોગ્ય જરૂરિયાતો પૂરી કરવામાં આવે તો આવનારા દિવસોમાં એ ફરી પક્ષીધામ બની શકશે.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.