ભારતની ઉત્તરે હિમાચ્છાદિત હિમાલય છે અને પવિત્ર ગંગા નદી વહે છે. આ પ્રદેશમાં અગણિત મૂલ્યવાન જડીબુટ્ટીઓનો વૈભવ પથરાયેલો છે, પણ ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે સમુદ્ર છે. આથી આ ક્ષારયુક્ત કાંઠા વિસ્તારમાં ઈશ્વરે નાળિયેરીનાં વૃક્ષો ઉત્પન્ન કરી ત્યાં વસેલા લોકો પર જાણે અન્યાય થતો અટકાવ્યો છે. બારે માસ મળતા ખૂબ લાંબા સમય સુધી બગડ્યા વિના યથાવત્ રહેવાની ક્ષમતા ધરાવતા અને મનુષ્ય જીવનના અનેક ક્ષેત્રમાં ઉપયોગી આ ફળને શાસ્ત્રોએ ‘શ્રીફળ’ એવું નામ આપ્યું છે એમાં જરાય અતિશયોક્તિ કરી નથી. દરેક ફળની જેમ અનેક શારીરિક લાભ તો આ શ્રીફળ આપે જ છે સાથે કુદરતે તેને આપેલી વિશિષ્ટ રચનાને કારણે ધાર્મિક વિધિઓમાં અતિમહત્ત્વનું સ્થાન પણ ધરાવે છે. લક્ષ્મીવાચક નામ જ તેમાં રહેલા અદ્વિતીય ગુણોને પ્રદર્શિત કરે છે. ધનલક્ષ્મી, સ્વાસ્થ્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, મેઘાલક્ષ્મી, સૌંદર્ય લક્ષ્મી, કામ્યપ્રદા લક્ષ્મી, પ્રીતિવર્ધક લક્ષ્મી, રક્ષાલક્ષ્મી જેવી અષ્ટલક્ષ્મી આ શ્રીફળમાં સ્થૂળ અને સૂક્ષ્મ રીતે વસેલી છે. સ્થૂળ રીતે શ્રીફળનું વિવિધ સ્વરૂપે સેવન થકી તેમ જ સૂક્ષ્મ રીતે તેના પૂજાપાઠ તથા સતત સાંનિધ્ય થકી સર્વ લક્ષ્મીના વૈભવની પ્રાપ્તિ કરી શકાય છે.
શ્રીફળ: પૌષ્ટિક ખાદ્યપદાર્થ
શિયાળાની ઠંડીમાં સૂકું કોપરું અને ગોળ ચાવી ચાવીને ખાવાનું ઘણું મહત્ત્વ છે. આ રીતે ખાવાથી શરીરને ગરમી મળવાની સાથે લોહી અને માંસની વૃદ્ધિ પણ થાય છે. નાનાં બાળકોને એ ખવડાવીએ તો તેમના શરીરનો બાંધો સુધરે છે અને તેમની ઊંચાઈ પણ વધે છે. નાળિયેરમાં રહેલા કૅલ્શિયમ, આયર્ન, કૉપર, ફૉસ્ફરસ વગેરે હાડકાં, દાંત, નખ અને વાળને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. તેમાં રહેલું મૅગ્નેશિયમ આપણા શરીરમાં ૩૦૦ જેટલા પાચકરસ બનાવવામાં મદદ કરે છે. તદઉપરાંત જ્ઞાનતંતુને વધુ કાર્યક્ષમ બનાવે છે. મગજના કોષોને સતેજ બનાવી નવું બળ આપે છે. આમ, નાળિયેર પૌષ્ટિક અને બુદ્ધિવર્ધક ખાદ્યપદાર્થ છે. ચોખા વિશે આગળના પ્રકરણોમાં જાણ્યું કે તે એક શ્રેષ્ઠ આહાર છે. આવા ચોખા સાથે નાળિયેરનો મેળ શ્રેષ્ઠતમ આહાર બનાવે છે. જેમ કેરીના રસ સાથે સૂંઠનું ચૂર્ણ મેળવીને ખાવાથી કેરીનો રસ પૂર્ણપણે પચી જાય છે.
જેમ કેળા સાથે એલચીના દાણા ખાવાથી કેળા જેને સદતા ન હોય તેમને પણ કોઈ નુકસાન કર્યા વગર ફાયદાકારક બની રહે છે. આ જ રીતે ચોખા સાથે નાળિયેરને ખાવાથી તે એક સમતોલ ઔષધિયુક્ત પૌષ્ટિક આહાર બની જાય છે. આથી જ ઈડલી, ઢોસા, ઉત્તપા જેવી ચોખાની વાનગી સાથે કોપરાની ચટણી ખવાતી હોય છે. ગણપતિને પ્રિય મોદક પણ ચોખા અને નાળિયેરમાંથી બને છે. શિયાળામાં અનેક પ્રકારના પાક બનાવી લોકો આરોગે છે. ઔષધિયુક્ત મસાલા નાખી બનાવેલો કોપરાપાક ઠંડીના ત્રણ માસ નિત્ય ખાવાથી તે સપ્તધાતુને વધારી કૃષ શરીરને પણ હૃષ્ટપુષ્ટ બનાવે છે. દુર્બળતા અને અશક્તિને દૂર કરી શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિનો સંચાર કરે છે. રોગપ્રતિકાર શક્તિમાં ખૂબ જ વધારો કરે છે અને મગજના કોષોને વધુ કાર્યક્ષમ બનાવી બુદ્ધિને વધુ તેજ બનાવે છે. કોપરાના નાના નાના ટુકડામાં સાકર ભેળવી ભગવાનને ધરાવવા માટેની પ્રસાદી બનાવવામાં આવે છે. આ સંયોજન માત્ર પ્રસાદ જ નહીં, પણ એક ઉત્તમ ઔષધિ જેવું કામ આપે છે. પ્રાતઃકાળે પ્રસાદીની માત્રામાં આ ખાવાથી સર્વ પ્રકારના તાવના ઉપદ્રવોથી બચી શકાય છે. સ્ત્રીઓને પણ નાળિયેર ખાસ ઉપયોગી છે. ગર્ભવતી સ્ત્રી જો નિત્ય કોપરા કે તેના પાણીનું સેવન કરે તો પોતાના શરીર માટે આવશ્યક પોષકતત્ત્વો મેળવે છે, સાથે ગર્ભમાંના બાળકને ચપળ અને બુદ્ધિશાળી પણ બનાવે છે. પ્રસૂતિ થયા પછી પણ સ્ત્રીને કોપરાનું સેવન ધાવણ વધારવામાં ખૂબ ઉપયોગી બની રહે છે. નવા ઊગતા નાળિયેરની અંદર મોટી ગોટી જેવો અંકુર નીકળે છે. આ અંકુરને ખાવાથી નિઃસંતાન સ્ત્રીને પણ સંતાનપ્રાપ્તિની શક્યતા વધી જાય છે. આમ, અનેક રીતથી હિતકારી બનતાં શ્રીફળને દરરોજ આરોગનારી વ્યક્તિ આરોગ્ય, બળ, તીક્ષ્ણ બુદ્ધિ અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરી શકે છે.
લીલું શ્રીફળ: અમૃતકુંભ
હવાચુસ્ત પેટીપેક કવચની જેમ લીલા શ્રીફળની અંદર સુરક્ષિત રહેલું પાણી અમૃત સમાન છે. ઉનાળામાં તો આ પાણી ભરતડકામાં શીતળ છાંયડી સમું બની રહે છે. આ પાણી શરીરને ઠંડક આપે છે, ઉપરાંત તેમાં રહેલા સોડિયમ, પૉટેશિયમ, ક્ર્લૉરાઇડ જેવા વીજભાર ધરાવતા (ઇલેક્ટ્રોલાઇટ) ક્ષારના કણો શરીરના પ્રત્યેક કોષોમાં ઝડપથી પ્રસરી જઈ કોષોને પોષણયુક્ત પદાર્થો આપી વિષદ્રવ્યોને પોતાની સાથે લઈ જઈ કિડની વાટે બહાર ફેંકવામાં મદદ કરે છે, જે શરીરને તાજગી, સ્ફૂર્તિ અને શક્તિનો અનુભવ કરાવે છે. આ પાણીમાં રહેલું મૅગ્નેશિયમ હૃદયના ધબકારાનું નિયમન કરવાનું અને બ્લડપ્રેશરને કાબુમાં રાખવા ઉપયોગી છે. આમ, નાળિયેરનું તાજુ પાણી અન્ય પીણાંની તુલનામાં હૃદયરોગનું જોખમ ઘણું ઘટાડે છે. નાળિયેર વિશે એક એવો વિવાદ ઊભો થયો હતો કે તે કૉલેસ્ટ્રોલ વધારે છે, પરંતુ કેરળ યુનિવર્સિટીના બાયોકૅમિસ્ટ્રી વિભાગના વડા ટી. રાજામોહને તેમના સાથીઓ સંગાથે ઘણા પ્રયોગ કર્યા બાદ જાહેર કર્યું હતું કે તાજા નાળિયેરના પાણીથી શરીરને આવશ્યક ન હોય એવા ખરાબ કૉલેસ્ટ્રોલને ઘટાડે છે, જ્યારે સારા કૉલેસ્ટ્રોલ જેની શરીરને જરૂર છે તેને વધારે છે. નાળિયેર પાણીના નિયમિત સેવનથી કિડનીની પથરી થતી અટકે છે. સ્કૂલ ઑફ ટ્રોપીકલ મેડિસીનના સંશોધકોના મત પ્રમાણે કૉલેરાના કેસમાં ઈન્જેક્શનથી પૉટેશિયમ આપવાને બદલે નાળિયેરનું પાણી આપવું જોઈએ, કારણ કે તેમાં ૩૧૨ મિલિગ્રામ જેટલું પૉટેશિયમ રહેલું છે. નાળિયેરનું પાણી કમળો, મરડો, ઝાડાઉલટી, ઍસિડિટી વગેરે રોગ સામે પણ પૂરતું રક્ષણ આપે છે. નાળિયેરના ક્ષારમાં ભેદનશક્તિ પણ ઘણી છે એટલે શરીરના સ્નાયુઓમાં કે લોહી-માસમાં નાનીમોટી ગાંઠો હોય તો તે તોડી નાખે છે, પશ્ચિમના દેશોમાં તો નાળિયેરના પાણીમાં રહેલી આ ભેદનશક્તિ કૅન્સરની ગાંઠ કે એઈડ્સનો પ્રતિરોધ કરી શકે કે કેમ તે વિશે હવે સંશોધન થઈ રહ્યાં છે, જ્યારે આપણી યુવા પેઢી નાળિયેર પાણીની ઉપેક્ષા કરી મલ્ટિનેશનલ કંપનીઓના કેમિકલ્સયુક્ત ઠંડા પીણાંના શોખીન જ નહીં, પણ વ્યસની બની રહી છે. આ પીણાંમાં રહેલો ફૉસ્ફરિક ઍસિડ હાડકાંના રોગ ઓસ્ટીઓપાઈરોસીસનું જોખમ વધારતો હોવાનું એક નવા સંશોધનમા જણાવ્યું છે. નાળિયેર પાણીમાં વીજભાર ધરાવતા ક્ષારો શરીરને સ્ફૂર્તિ અને શક્તિ તો આપે છે સાથે મગજના કોષોને વધુ ક્રિયાશીલ બનાવે છે. તેથી જ નાળિયેરના પાણીનો કે કોપરાનો નિત્ય વપરાશ કરનારી વ્યક્તિનો I.Q. ઊંચો રહે છે. નાળિયેરનો આહારમાં દરરોજ ઉપયોગ કરનારા દક્ષિણ ભારતમાં શિક્ષિત લોકોનું પ્રમાણ ભારતના અન્ય રાજ્ય કરતાં ઘણું વધુ છે. નાળિયેરનું પાણી ડાયાબિટીસ અને દમના રોગોમાં રાહત આપે છે.
નાળિયેરના પાણીમાં ક્ષારો ઉપરાંત વિટામિન સી, બી કૉમ્પ્લેક્સ ગ્રુપનાં છ વિટામીન અને પૂરતા પ્રમાણમાં શર્કરા રહેલી છે. આમ મિનરલ વૉટર કરતાં પણ વધુ શુદ્ધ લીલા નાળિયેરના પાણીનું નિત્ય સેવન ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ માટે ખૂબ ઉપયોગી બની રહે છે.
નાળિયેરનું દૂધ:
કોપરાને ખમણીને કપડાં વડે દબાવીને જે સફેદ પ્રવાહી કાઢવામાં આવે છે તેને નાળિયેરનું દૂધ કહેવાય છે. આ દૂધમાં સાકર, એલચી, તજ જેવા મસાલા યોગ્ય પ્રમાણમાં નાખવાથી તે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પીણું બની રહે છે, જે દરેક વયની વ્યક્તિને એક સરખું ઉપયોગી થાય છે. આ દૂધમાં રહેલાં ક્ષાર, વિટામિન્સ, ખનિજ અને ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન સહેલાઈથી પચી જાય છે જે શરીરના વિકાસ અને માવજત માટે ગુણકારી છે. નાળિયેરનું દૂધ પિત્ત અને વાયુશામક છે. તે દમનાશક, કૃશતાનાશક અને ક્ષયનાશક છે. આ દૂધ શરીરને શક્તિ પ્રદાન કરનાર અને જ્ઞાનતંતુઓને તાજગી આપનારું છે. આ દૂધ બુદ્ધિવર્ધક અને સ્મૃતિવર્ધક હોઈ તેનું નિત્ય પ્રાતઃકાળે સેવન કરવાનું દરેક વિદ્યાર્થી માટે પરમ હિતકારી છે. અપૂરતા પોષણથી પિડાતાં બાળકો માટે તો નાળિયેરનું દૂધ વરદાનરૂપ આહાર છે. નાળિયેરનું દૂધ પ્રાણીજન્ય દૂધની ગરજ સારે છે. જેથી જે ચુસ્ત અહિંસકો પ્રાણીજન્ય દૂધ પણ પીતા નથી તેઓ આ નાળિયેરના દૂધનું નિત્ય સેવન કરી સવાયા ફાયદા મેળવી શકે છે. નાળિયેરના દૂધને ૨૪થી ૩૬ કલાક સુધી આથાની પ્રક્રિયા (ફર્મેન્ટેશન) પછી તેમાંથી છૂટા પડેલા તેલને ગાળી નાખવામાં આવે છે. આ તેલને ‘વર્જીન કોકોનટ ઑઈલ’ કહેવાય છે. આ તેલ કૉડલીવર ઑઈલના વિકલ્પ તરીકે ઉત્તમ કામ આપે છે. વાળમાં આ તેલ લગાડવાથી ખોડો (ડેન્ડ્રફ) દૂર થાય છે. માલિશ કરવા માટે પણ આ તેલ ઉત્તમ છે. આ તેલથી ચામડીની ચમક વધે છે અને ચામડી સુંવાળી થાય છે. હોજરી અને આંતરડાંના રોગમાં આ તેલને ઔષધિરૂપે લેવાથી ૧૦૦ ટકા ફાયદો કરે છે, કારણ કે તેમાં લૉરિક ઍસિડ રહેલો છે. થાઈરોઈડ ગ્રંથીના રોગમાં પણ આ તેલ ફાયદો કરે છે.
નાળિયેરનું તેલઃ
સૂકા કોપરામાંથી કાઢેલું તેલ ઘણાં પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર છે. આયુર્વેદમાં તેને ‘કેશ્ય’ એટલે કે વાળને પોષણ આપનારું ગણાવ્યું છે. નાળિયેરનું તેલ વાળને ઉત્તમ પોષણ આપી તેને મજબૂત બનાવે છે તથા વાળના ગ્રોથને પણ વધારે છે. આ તેલ મગજના ભાગોમાં પહોંચી જઈ ત્યાંની ગરમી શાંત કરી મસ્તકને ઠંડક પહોંચાડે છે. વિદ્યાર્થીઓ માટે વાળમાં કોપરેલ તેલ નાખવું આથી હિતકર છે. વાળ માટે તો આ તેલ શ્રેષ્ઠ ગુણકારી છે જ, સાથે ખાવામાં પણ આરોગ્યપ્રદ છે. તેથી જ દક્ષિણ ભારતના લોકો રસોઈમાં કોપરેલ તેલનો જ ઉપયોગ કરે છે. કોપરેલ તેલમાં ચામડીને પોષણ આપનારાં તત્ત્વો સાથે વિટામિન ‘E’ પણ છે. તેથી આ તેલનું ચામડી પર માલિશ કરવાથી ચોમડી કોમળ, તેજસ્વી અને મુલાયમ બને છે. નાળિયેર તેલમાંથી બનતો સાબુ આબાલવૃદ્ધ સર્વની ચામડી માટે શ્રેષ્ઠ છે. વધુમાં કોપરેલમાંથી ડીઝલ બનાવી બળતણની સમસ્યા ઓછી કરવાનાં સંશોધન થઈ રહ્યાં છે.
નાળિયેરના અન્ય ઉપયોગ:
નાળિયેરના અન્ય અંગ પણ ખૂબ ઉપયોગી છે. તેના કુચામાંથી કાથીની દોરી, પગલૂંછણિયાં અને સાદડી બનાવવામાં આવે છે. આ કૂચાની ભસ્મ પણ વાયુનાશક ઔષધિ બનાવવામાં ઉપયોગી છે. નાળિયેરની કાચલી ઉત્તમ બળતણ આપે છે. કાચલીને પૉલિશ કરી વાટકા, ચમચા, દાબડા વગેરે ઉપયોગી ચીજો પણ બનાવવામાં આવે છે. નાળિયેરનાં પાંદડાંમાંથી સાવરણી બનાવવામાં આવે છે. નાળિયેરી વૃક્ષનાં બીજાં અંગ જેવા કે મૂળ, પાન, ફૂલ પણ ઔષધિ તત્ત્વોથી ભરપૂર છે. તેથી તેમનો મરડા, આંતરડાંની તકલીફ, દાંતના દુખાવા, ચર્મરોગ હાઈપર ઍસિડિટીના અકસીર ઉપાય તરીકે ઉપયોગ થાય છે. નાળિયેરમાં રહેલી સાકરમાંથી દક્ષિણનાં રાજ્યોમાં ખાસ પ્રકારનો ગૉળ પણ બનાવવામાં આવે છે જેનો ઉપયોગ ઍસિડિટી, પેટના દુખાવા, હરસમસા અને જનરલ ટૉનિક તરીકે થાય છે.
નાળિયેર આ રીતે આપણી ભૂખ, તરસ, બીમારી, સૌંદર્યની કે બળતણની સમસ્યા તો દૂર કરે જ છે, પરંતુ નાનીમોટી ઇચ્છા-આકાંક્ષાને પણ પૂરી કરે છે. એટલે જ દરેક ધાર્મિક ક્રિયામાં નાળિયેરનો વપરાશ થાય છે. આ ક્રિયામાં નાળિયેર વિજ્ઞાનની રીતે શો ભાગ ભજવે છે અને શા માટે નાળિયેરને કલ્પવૃક્ષ કહેવાય છે તે આપણે આવતા પ્રકરણમાં જાણીશું.

