આ ચબૂતરા પર ટ્યુબલાઇટ માટેની પટ્ટી તથા બલ્બનું હોલ્ડર વગેરે લગાડવામાં આવ્યાં છે. એના લીધે ચબૂતરાની શોભા ઝંખવાય છે

કાલુપુરમાં દોશીવાડાની પોળ છે. ત્યાં સીમંધર સ્વામીની ખડકીમાં લાકડાનો એક ખૂબ જૂનો અને જોવો ગમે તેવો ચબૂતરો છે. ખડકીના પંચની જગ્યા પર ઊભેલો આ ચબૂતરો ૪૦૦ વરસ જૂના જગવલ્લભ દેરાસર અને સીમંધર સ્વામી દેરાસર વચ્ચે ઊભો છે. બેઉને લીધે આ ખડકીને આગવું આકર્ષણ પ્રાપ્ત થાય છે.
આસપાસ રહેતા લોકોને આ ચબૂતરાનું નિર્માણ કોણે કરાવ્યું તેના વિશેની વિશ્વસનીય માહિતી ખબર નથી. સરળ વિચાર કરતાં એમ માની શકાય કે દેરાસરનું જેણે નિર્માણ કરાવ્યું હશે એ વ્યક્તિએ જ ચબૂતરાનું નિર્માણ પણ કરાવ્યું હશે કેમ કે જીવદયા એ જૈન ધર્મનો પાયાનો એક સિદ્ધાંત છે. અહીં આવેલાં મકાનો પણ દેરાસરે જ રહેવાસીઓને ભાડે આપ્યાં હતાં. ક્યારેક અહીં જૈનોની બહોળી વસતિ હતી. આજે જોકે જૈનોનાં ત્રણેક ઘર જ રહ્યાં છે.
આ ચૂબતરાનો ઓટલો એકદમ સારી અવસ્થામાં છે. સીડીના અભાવને લીધે ઉપલા ભાગમાં ચણ નાખવાની શક્યતા રહી નથી, તેથી ચણ-પાણીનો પ્રબંધ કરનારા ઓટલા પર જ ચીજો મૂકી જાય છે. એનાથી ખેંચાઈ આવતાં પક્ષીઓની સંખ્યા પણ સારી એવી છે. ખડકીમાં ઉપલબ્ધ મોકળાશને કારણે પણ ચબૂતરો વધારે ઉપયોગી રહી શકે છે. લાકડાના અત્યંત આકર્ષક સ્ટ્રક્ચરવાળા આ ચબૂતરા પર ટ્યુબલાઇટ માટેની પટ્ટી તથા બલ્બનું હોલ્ડર વગેરે લગાડવામાં આવ્યાં છે. એના લીધે ચબૂતરાની શોભા ઝંખવાય છે. થોડીક કાળજી લેવામાં આવે અને પુનરોદ્ધાર માટે મહેનત કરીને કાયમી નિભાવની વ્યવસ્થા કરવામાં આવે તો આ ચબૂતરો તેના અસ્તિત્વને ફરીવાર સાર્થક કરી શકે તેટલો સક્ષમ છે. સાથે પુનરોદ્ધાર પછી એ ખડકી સહિત અમદાવાદ માટે પણ ગૌરવની બાબત બનશે.
વૃક્ષ ઝૂકી ઝૂકી વંદન કરતાં નિહાળું, પવન લહેરાય છે બાગમાં!
સૂરજ નીચે નમી કરે ડોકિયું, મને મળી ગયું બાળપણ બાગમાં!
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.