“ભારતનો લાડકવાયો દીનદયાલ” ગુજરાતી રંગભૂમિનું એક તરોતાજા પૃષ્ઠ છે. વિચારશીલ પ્રેક્ષકો અને ગુણવત્તાના આગ્રહીઓ માટે એ માણવા જેવું છે

ગુજરાતી રંગભૂમિ માત્ર મનોરંજન સુધી સીમિત નથી જ. સમયાંતરે રંગભૂમિએ સમાજ, સંસ્કૃતિ, રાજકારણ અને માનવમૂલ્યોને કેન્દ્રમાં રાખીને યાદગાર સર્જનો આપ્યાં છે. પરંતુ મનોરંજનપ્રધાન અને હળવા વિષયોની વચ્ચે એવાં નાટકો ઓછાં આવે છે જે વિચારપ્રેરક હોય. આવાં નાટક જે પ્રેક્ષકોને થિયેટરની બહાર નીકળ્યા પછી લાંબા સમય સુધી વિચારતા રાખે. “ભારતનો લાડકવાયો દીનદયાલ” એવો એક અસાધારણ અને પ્રયોગશીલ નાટ્યઅનુભવ છે.

“ભારતનો લાડકવાયો દીનદયાલ” નાટક માત્ર પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનની કથા નથી કહેતું. આ નાટક ભારત નામના રાષ્ટ્રના આત્માને સમજવાનો એક સ્તુત્ય અને પ્રેરક પ્રયાસ છે. રાજકારણ ઘણીવાર સત્તા, પ્રચાર અને વ્યક્તિપૂજાના ઘેરા ધુમ્મસમાં ખોવાઈ જાય છે ત્યારે “ભારતનો લાડકવાયો દીનદયાલ” દેશલક્ષી વિચારધારા, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભાવનાને કેન્દ્રસ્થાને લાવે છે. નિર્માતા જશ વીરા, લેખક પ્રયાગ દવે, દિગ્દર્શક પ્રિતેશ સોઢા અને દીનદયાલના પાત્રમાં અનન્ય અભિનય કરતા પરેશ ભટ્ટની ટીમે જે સર્જન કર્યું છે એના માટે ખરેખર કહી શકાયઃ દરેક દર્શકે “ભારતનો લાડકવાયો દીનદયાલ” અચૂક જોવું પડે. 

નાટ્યલેખક પ્રયાગ દવેનું લેખન નાટકનો ખરેખરો આધારસ્તંભ છે. દીનદયાલ ઉપાધ્યાયના જીવનચરિત્ર, વિચારો અને વિવિધ પુસ્તકો થકી એમણે કરેલું ઊંડું સંશોધન નાટકના દૃશ્યેદૃશ્યમાં, સંવાદોમાં અનુભવી શકાય છે. પ્રયાગ માત્ર ઐતિહાસિક માહિતી રજૂ કરતા નથી. તેઓ દીનદયાલના વિચારોના આત્માને જીવંત કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે. “એકાત્મ માનવવાદ,” “અંત્યોદય,” “રાષ્ટ્રની ઉન્નતિ વગર વ્યક્તિની ઉન્નતિ અશક્ય છે” જેવા વિચારોને તેમણે ઉપદેશાત્મક બનાવ્યા વગર નાટ્યરૂપ આપ્યું છે. એ માટે પ્રયાગ અભિનંદનને પાત્ર છે. 

નાટકનું સૌથી શક્તિશાળી પાસું એ કે તે રાજકીય પ્રચાર નથી લાગતું. નાટક વિચારોની યાત્રા છે. ઘણી જગ્યાએ એવું લાગે છે કે પ્રેક્ષકો માત્ર કોઈક પાત્ર નથી જોઈ રહ્યા. તેઓ એક યુગની વિચારધારાના જીવંત થવાનો સાક્ષાત્કાર કરી રહ્યા છે. 

અભિનેતા પરેશ ભટ્ટનો અભિનય નાટકની એક સૌથી મોટી તાકાત છે. દીનદયાલના પાત્રને તેમણે શાંતિ, ગૌરવ અને આંતરિક તેજ સાથે જીવંત કર્યું છે. એમનો અભિનય આ વરસના શ્રેષ્ઠ અભિનયોમાં સ્થાન પામે તેટલો પ્રમાણિક અને દર્શનીય છે. ઘણીવાર જીવનચરિત્ર આધારિત નાટકોમાં અભિનેતા માત્ર વ્યક્તિની નકલ કરતા દેખાય છે. એવું અહીં બિલકુલ નથી. પરેશ એ મર્યાદા વળોટીને અલગ વિશ્વ સુધી દીનદયાલના પાત્રને લઈ જાય છે. એમ કરતાં તેઓ દર્શકની આંગળી ઝાલીને, એમના હૈયા પર પ્રેમાળ આધિપત્ય સ્થાપીને એમને પણ નાટકમાં એકરસ કરી દે છે. પરેશ દીનદયાલજીના શારીરિક સ્વરૂપને નહીં, તેમની વિચારસરણીની ગહનતાને આત્મસાત્ કરી શક્યા છે. 

કેટલાંક દ્રશ્યોમાં પરેશ ભટ્ટનું મૌન સંવાદ કરતાં વધુ અસરકારક બને છે. તેમની આંખોમાં દેખાતી રાષ્ટ્રપ્રેમની નિષ્ઠા અને આંતરિક સંઘર્ષ પ્રેક્ષકોને સ્પર્શી જાય છે. ગુજરાતી રંગભૂમિ પર ઘણા પ્રતિભાશાળી કલાકારો છે. દીનદયાલને જીવંત કરીને પરેશે એ યાદીમાં પોતે હોવાનું ગૌરવભેર પ્રતીત કરાવ્યું છે. 

અને દિગ્દર્શક પ્રિતેશ સોઢા… યુવાન અને અત્યંત પ્રતિભાશાળી એવા આ કસબીનાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. નાટકને પ્રિતેશે અત્યંત સંતુલિત રીતે આકાર આપ્યો છે. વિષય ગંભીર અને ઓછો ખેડાયેલો હોવા છતાં પ્રિતેશે એને ચીવટપૂર્વક અજાણ્યુ અથવા ભારરબપ બનાવા દીધું નથી. એમણે દ્રશ્યોની ગતિ, પ્રકાશવ્યવસ્થા, સંગીત અને મંચસજ્જા, દરેક બાબતમાં કાળજી રાખી છે. એમાં એમની રંગમંચસજ્જા અને પરિપક્વતા સ્પષ્ટપણે ઝળકે છે. એટલે જ “ભારતનો લાડકવાયો દીનદયાલ” એક અલગ નાટ્યાનુભૂતિ બને છે. 

આપણે જાણીએ છીએ કે ગુજરાતી રંગભૂમિએ અનિચ્છાએ પણ, ઘણીવાર, સુરક્ષિત અને વેપારી વિષયો તરફ ઝૂકવું પડે છે.“ભારતનો લાડકવાયો દીનદયાલ” એ રીતે તરણું ઝાલીને સર્જાયેલું નાટક નથી. એ ઉમદા વિચારો આધારિત નાટક છે. એ એક પ્રશંસનીય નાટ્યસાહસ છે. એ માટે નિર્માતા જશ વીરાની પ્રશંસા કરવી જ રહી. પોતાના પ્રથમ જ નિર્માણમાં જશ વીરાએ આવો અલગ વિષય દર્શકોને ભેટ આપ્યો એ એમના વિઝનની ખૂબી છે. એમાં એમનો આત્મવિશ્વાસ હશે જ પણ એથી વિશેષ છે રંગભૂમિ પ્રત્યેની એમની અડગ પ્રતિબદ્ધતા.

ક્રિએટિવ દિગ્દર્શક મિહિર ત્રિવેદીનું સંકલન નાટકને વિશેષ ઊંચાઈ આપે છે. મંચ પરનાં વિવિધ દ્રશ્યો વચ્ચેનો તાલમેળ, ભાવનાત્મક પરિવર્તન અને દૃશ્યગતિમાં તેમની સમજણ અનુભવાય છે. પ્રસ્તુતકર્તા આસિફ પટેલનો અનુભવ નાટકને મજબૂત આધાર આપે છે અને એને દર્શકો સુધી ઉત્તમ રીતે પહોંચાડવામાં ઉપયોગી થશે. .

“ભારતનો લાડકવાયો દીનદયાલ”નું વિશેષ મહત્વ એટલે કે તે “ભારત” શબ્દના સાચા અર્થને સમજવાનો અને સમજાવવાનો સંનિષ્ઠ પ્રયાસ છે. નાટકમાં રાષ્ટ્રવાદ આક્રમક સૂત્ર તરીકે નહીં, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ બનીને આપણી આંખોમાં સમાય છે. “ભારતનો લાડકવાયો દીનદયાલ” ગુજરાતી રંગભૂમિનું એક તરોતાજા પૃષ્ઠ છે. વિચારશીલ પ્રેક્ષકો અને ગુણવત્તાના આગ્રહીઓ માટે એ માણવા જેવું છે. એમના થકી આ નાટક એની પ્રતિષ્ઠા હાંસલ કરવા સાથે, અન્ય પ્રેક્ષકો સુધી પણ પહોંચશે. ઉત્તમ વિચારો, ખરાં મૂલ્યોથી આંતરિક સંવાદ સુધી લઈ જતા આ નાટકમાં મનોરંજન અને મનોમંંથન એકમેકનો હાથ ઝાલીને સમયના રથ પર સવારી કરે છે. “ભારતનો લાડકવાયો દીનદયાલ” મનોરંજન પીરસવા સાથે પ્રેક્ષકને જાણે પ્રશ્ન પૂછવા માટે મજબૂર કરે છે… પોતાના દેશની મહાનતા વિશે નવેસરથી ક્યારે વિચારશો તમે?

ટૂંકમાં, “ભારતનો લાડકવાયો દીનદયાલ” રંગભૂમિ પર જીવંત થયેલી અનુસરણીય વિચારધારા છે. એ આધ્યાત્મિક સંવાદ છે, રાષ્ટ્રભાવનાની ગહન અનુભૂતિ છે.

સૌથી અગત્યનું એટલે, “ભારતનો લાડકવાયો દીનદયાલ” એક નહીં, બબ્બે ભાષામાં પ્રદર્શિત થયું છે. એ દર્શાવે છે કે એના સર્જકો પોતાના સર્જન વિશે અને એની લોકભોગ્યતા વિશે કેટલા સ્પષ્ટ છે. 

“ભારતનો લાડકવાયો દીનદયાલ”નો આગામી પ્રયોગ મુંબઈના રોયલ ઓપેરા હાઉસમાં, હિન્દીમાં, શનિવાર, 06 જૂન 2026ના રોજ સાંજે 07:30 વાગ્યે યોજાશે.

તો, સપિરવાર પહોંચી જાવ, “ભારતનો લાડકવાયો દીનદયાલ” જોવા. 

ભારતનો લાડકવાયો દીનદયાલ
  • બૅનરઃ વીરા એન્ટરટેઇનમેન્ટ્સ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ
  • નિર્માતાઃ જશ નીતા પ્રફુલ વીરા 
  • દિગ્દર્શક: પ્રિતેશ સોઢા
  • લેખક: પ્રયાગ દવે
  • ક્રિએટિવ દિગ્દર્શક: મિહિર ત્રિવેદી
  • સંગીતઃ કેયૂર ભગત (એસટુએમ સ્ટુડિયોઝ)
  • વિઝ્યુઅલ્સઃ હાર્દિક કાપડિયા (ફિલ્યુઝન)
  • સહાયક દિગ્દર્શકઃ કલ્પિત કાલાવડિયા
  • પ્રસ્તુતકર્તા: આસિફ પટેલ

કલાકારો

  • પરેશ ભટ્ટ
  • મહેક ભટ્ટ
  • ઓમકાર તિરોડકર
  • અભિજિત ચિત્રે
  • પ્રતીક શર્મા
  • હેમાંક્ષ વૈષ્ણવ
  • પ્રતીક પટેલ
  • કૃશાન દોશી
  • પાર્થ સોની
  • અમીષા પ્રધાન
  • રાજદીપ ગાઢેર

Subscribe Deshwale on YouTube

Join Our Whatsapp Group

Share.
Leave A Reply

Exit mobile version