અહીં ચણ નીરવામાં આવતું હશે અથવા કોઈક પરગજુને ચબૂતરો છે તેની યાદ આવતી હશે ખરી. એનો અંદેશો આપતાં કોડિયાં આ ચબૂતરામાં જોવા મળે છે ખરાં

અમદાવાદના રાયપુરમાં આવેલા રાયપુર ભજિયાં હાઉસથી ખાણીપીણીના શોખીનો સારી રીતે પરિચિત છે. અને આ વિસ્તારથી જૂના અમદાવાદની જાહોજલાલી અને બદલાતા શહેરની ઝાંખી બેઉ આ વિસ્તારમાં ઝલકે છે. આવા વિસ્તારમાં રાયપુર દરવાજાની નજીક ભજિયાં હાઉસની પાછળ લપાઈને ડોકિયું કરતો દેખાય છે કળાત્મક, રંગીન અને આકર્ષક ચબૂતરો.
એ વાત નિર્વિવાદપણે વર્તાઈ આવે છે કે એક જમાનામાં આ ચબૂતરાનું સ્થાપત્ય જમીનથી લઈને શિખર સુધી એકસરખું સૌંદર્ય ધરાવતું હશે. આજે તો માત્ર તેનો ઉપલો ભાગ જ જોવા મળે છે આ ચબૂતરો દોઢસોથી બસો વરસ જૂનો છે પણ કોણે બંધાવ્યો એની કોઈને જાણ નથી.
સમ ખાવા પૂરતો ઊભો આ ચબૂતરો વેપારીકરણ, વ્યસ્તતાની વચ્ચે વહાલ કે વાત્સલ્ય મેળવવાને જાણે લાયક રહ્યો નથી. ક્યારેક ક્યારેક અહીં ચણ નીરવામાં આવતું હશે અથવા કોઈક પરગજુને ચબૂતરો છે તેની યાદ આવતી હશે ખરી. એનો અંદેશો આપતાં કોડિયાં આ ચબૂતરામાં જોવા મળે છે ખરાં.
રાયપુર દરવાજાનો વિસ્તાર આમ ખુલ્લાશવાળો છે. એવા વિસ્તારમાં આવેલા ચબૂતરાનો જિર્ણોદ્ધાર અને તેની જાળવણી પક્ષીઓ માટે મોટા આશીર્વાદ બની શકે છે. કોઈપણ ઉપાય કરીને આપણે આ ચબૂતરાને વળી પાછો ધમધમતો કરવો એ માનવી તરીકે આપણી નૈતિક ફરજ છે.
તને ચકલી બોલાવે,
તને પોપટ બોલાવે તને
બોલાવે કૂંતરું કાળું
ઓલી વાંકી પૂંછડીવાળું
ઓલી વાંકી પૂછડીવાળું
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

