આ ચબૂતરાનો જિર્ણોદ્ધાર કરીને તેને તેના પૂર્વવત્ સ્વરૂપમાં લાવવાની જરૂર છે. પક્ષીઓ અહીં આવતાં થાય તે માટે દાણા-પાણીની વ્યવસ્થા પણ કરવી રહી

દરિયાપુરમાં લાલ બાવાનો ટિંબો એટલે મુસ્લિમ બાંધવોથી ભરચક વિસ્તાર. અહીંનાં મકાનો ખૂબ જ આકર્ષક રંગે રંગાયેલી ભીંતો ધરાવે છે. એ બધાં વચ્ચે આવેલો આશરે સવાસો વરસ જૂનો ચબૂતરો લાકડાનો બનેલો છે અને એ પથ્થરના ઓટલા પર ઊભો છે. દેખાવમાં વહાલભર્યો પણ ઉપેક્ષાને લીધે વિસામણમાં મુકાઈ ગયો હોય તેવો તેનો દેખાવ છે.
જે ઓટલા પર ચબૂતરો ઊભો છે એની સ્થિતિ સાવ દયનીય થઈ ચૂકી છે. એ પછીના ભાગમાં સુરક્ષા કાજે જાળી બેસાડવામાં આવી છે પણ એનો ઉપયોગ કપડાં-વસ્તુઓ લટકાવવા માટે અને ગમે તેવી ચીજોનો સંગ્રહ કરવા માટે થાય છે. લાકડાના એક થાંભલા પર ઊભા આ ચબૂતરાના સુંદર ષટ્કોણ આકારને જોતાં થાય કે પક્ષીઓ માટે ચણ મૂકવાને અહીં શ્રેષ્ઠ શક્યતા છે. એ કાર્ય જોકે થાય તો કાંઈક વળે.
મુસ્લિમોની વસતિ ધરાવતી આ પોળમાં એક મંદિર છે, જેના પરથી એટલો અંદાજ આવી જાય છે કે અહીં પહેલાં હિંદુઓ વસતા હતા. સ્થળાંતર કરીને જતા રહેલા હિંદુઓ પછી ચબૂતરો સાવ જ નિષ્ક્રિય થઈ ગયો હશે તેવી ધારણા કરી શકાય તેમ છે.
ભલે કાળજી લેવાતી નથી છતાં આ ચબૂતરો એટલો આકર્ષક છે કે ના પૂછો વાત. તેના સર્જકે તેને મોકળાશ અને રૂપના કેવા સંતુલન સાથે બનાવ્યો છે એ આના પરથી સ્પષ્ટ થાય છે. આ ચબૂતરાનો જિર્ણોદ્ધાર કરીને તેને તેના પૂર્વવત્ સ્વરૂપમાં લાવવાની જરૂર છે. પક્ષીઓ અહીં આવતાં થાય તે માટે દાણા-પાણીની વ્યવસ્થા પણ કરવી રહી.
चीं चीं चूँ चूँ, करती चिड़िया,
फुर फुर, फुर फुर उड़ती चिड़िया
फुदक फुदक कर गाना गाती,
सबके दिल को बहलाती।
रोज सवेरे हमें जगाती,
पास जाओ तो उड जाती।
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

