થોડા સમયથી વિમાનોને બોમ્બથી ઊડાવી દેવાની ધમકીઓનો સિલસિલો ચાલુ રહ્યો છે. થોડા મહિનાઓ પહેલા તો ઘણા દિવસો સુધી રોજેરોજ એક યા બીજી એરલાઇન્સને ધમકીઓ મળતી હતી. જોકે, સરકારે તે માટે એક્શન લીધું હતું. ફરી સોમવારે એર ઇન્ડિયાને બોમ્બની ધમકી મળી હતી. અગાઉની ઘટનાઓની વાત કરીએ તો 2020માં 4 ધમકીઓના કોલ મળ્યા હતા. 2021માં 2 કોલ, 2022માં 13 કોલ, 2023માં 71 કોલ, 2024માં 728 કોલ અને 2025માં 15 ધમકીઓના કોલ મળ્યા છે. આમ, 2020થી અત્યાર સુધીમાં 833થી વધુ ધમકીઓ મળી ચૂકી છે. ગયા વર્ષે ઇન્ડિગોને સૌથી વધુ 216 ધમકીના કોલ મળ્યા હતા. એર ઇન્ડિયાને 179 અને વિસ્તારાને 153 ધમકીના કોલ મળ્યા હતા. આ બધી ધમકીઓની તપાસ કરવામાં આવી હતી અને ધમકીઓ પોકળ જણાઈ હતી. જોકે, ધમકીને હળવાશથી લઈ શકાય નહિ. તેથી તપાસ કરવામાં સમય, નાણાં અને માનસિક વ્યથાનું નુકસાન થાય છે.

વર્ષ 2023 માં, અમેરિકન એરલાઇન્સ, ઇજિપ્ત એરલાઇન્સ, લુફ્થાન્સા એરલાઇન્સ અને સ્વિસ એરને એક-એક ધમકીભર્યા ફોન આવ્યા હતા. આ અંગે સરકારે અગાઉ પર ચિંતા વ્યક્ત કરી હતી. સોમવારે સંસદ સત્રમાં રાજ્યસભાના સભ્ય ડૉ. વી. શિવદાસને ધમકીભર્યા કોલ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. 2020થી અત્યાર સુધીમાં એરલાઇન કંપનીઓને કેટલા ધમકીભર્યા કોલ મળ્યા છે? ધમકીઓના કારણે હવાઈ ટ્રાફિક ખોરવાઈ જવાથી મુસાફરોને પડતી સમસ્યાઓના નિવારણ માટે સરકારે કયા પગલાં લીધા છે? નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, 2020થી એરલાઇન ઓપરેટરોને કુલ 833 બનાવટી બોમ્બ ધમકીઓ મળી છે, એમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું.
BCAS એ કાયદા અમલીકરણ એજન્સીઓ, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, સીઆઈએસએફ અને હિસ્સેદારો સાથે સંકલનમાં આવા જોખમોનો સામનો કરવા માટે મજબૂત પ્રોટોકોલ ફરજિયાત કર્યા છે. આનાથી ફ્લાઇટ કામગીરી પર ન્યૂનતમ અસર પડે છે. બોમ્બ થ્રેટ કન્ટીજન્સી પ્લાન (BTCP)એ આવા જોખમોનો સામનો કરવા માટે એક વિગતવાર કન્ટીજન્સી પ્લાન છે.
BTCPના ભાગ રૂપે, દરેક એરપોર્ટ પાસે એક નિયુક્ત બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC) છે, જે ખતરોનું વિશ્લેષણ કરે છે. આ સમિતિને કાર્યવાહી કરવાનો પણ અધિકાર છે. બોમ્બ ધમકીઓનો સામનો કરવા માટે, BCAS એ દેશના તમામ નાગરિક ઉડ્ડયન હિસ્સેદારોને સુવ્યવસ્થિત સુરક્ષા પગલાં સુનિશ્ચિત કરવા અને નાગરિક ઉડ્ડયનમાં કોઈપણ ગેરકાયદેસર દખલ અટકાવવા માટે સલાહ જારી કરી છે.


