વિદેશ મોહ ભારતીયોમાં પહેલેથી જ ઘણો છે. તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો એના મતે 22 ટકા ભારતીયો વિદેશમાં સ્થાયી થવા માગે છે. વિદેશમાં ખાસ કરીને અમેરિકા, કેનેડા, બ્રિટન કે યુરોપના દેશોમાં વસવાનો અભરખો જાણીતો છે. સામાન્ય માણસ પણ અમેરિકા કે કેનેડામાં વસવાના સપના જુએ છે અને કેટલાક તો જમીન, ઘરબાર વેચીને મોટું જોખમ લઈને વિદેશ જાય છે. હાલ જેમ ટ્રમ્પે ત્યાં ગયેલા અનેક દેશોના લોકોને બહારનો રસ્તો દેખાડયો એન ન કરે ને નારાયણ પોતાની જીંદગી ભરની મૂડી લઈ વિદેશ જઈએ અને ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવે તો માથે હાથ દઈ રોવાનો વારો આવે. આવી કરુણ ઘટનાઓ કેટલીકવાર બને છે. જેઓ ધનિક છે તેમાના પરિવારના કોઈકને કોઈ તો વિદેશમાં હોય છે જ. વિદેશમાં વસવાટ કરવાના દરેકના અલગ અલગ કારણો છે. ખેર આ તો બઘાની પોતપોતાની ઇચ્છા છે, વાત કરી સર્વેની.
સર્વેમાં ચોંકાવનારી અને રસપ્રદ માહિતી સામે આવી છે. સર્વે મુજબ, ઓછામાં ઓછા 22 ટકા અતિ ધનિક ભારતીયો વિદેશમાં રહેવાનું સારું ધોરણ અને અન્ય દેશોમાં સરળ વ્યવસાયિક વાતાવરણ જેવા કારણોસર દેશ છોડવા માંગે છે. આ સર્વે 150 અતિ-ઉચ્ચ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ (UHNIs) વચ્ચે કરવામાં આવ્યો હતો. સર્વે મુજબ, અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એવા મનપસંદ સ્થળો છે જ્યાં શ્રીમંત લોકો તેમની ગોલ્ડન વિઝા યોજનાઓને કારણે સ્થાયી થવા માંગે છે.
દેશની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપની, કોટક પ્રાઇવેટ લિમિટેડે કન્સલ્ટન્સી કંપની ઈવાય સાથે મળીને આ સર્વે હાથ ધર્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર વર્ષે 25 લાખ ભારતીયો અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે. “સર્વેક્ષણ કરાયેલા પાંચમાંથી એક અતિ-ઉચ્ચ નેટવર્થ ધરાવતી વ્યક્તિ હાલમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયામાં છે અથવા સ્થળાંતર કરવાની યોજના બનાવી રહ્યા છે.” સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમાંથી મોટાભાગના લોકો તેમની ભારતીય નાગરિકતા જાળવી રાખીને તેમની પસંદગીના યજમાન દેશમાં કાયમી ધોરણે રહેવા માંગે છે.
સર્વેમાં જણાવાયું છે કે તેઓ જીવનધોરણ, આરોગ્યસંભાળ, શિક્ષણ અથવા જીવનશૈલીમાં સુધારો ઇચ્છે છે. બે તૃતીયાંશથી વધુ લોકોએ કહ્યું કે વ્યવસાયિક કામગીરીને સુવ્યવસ્થિત કરવી એ તેમની ટોચની પ્રાથમિકતા છે. સ્થળાંતરના નિર્ણયને “ભવિષ્યમાં રોકાણ” તરીકે વર્ણવતા, સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમના બાળકોને સારું ઉચ્ચ શિક્ષણ આપવાની ઇચ્છા તેમને આ વિકલ્પ પસંદ કરવા માટે પ્રેરિત કરે છે. જોકે, કોટક મહિન્દ્રા બેંકના અધ્યક્ષ ગૌતમી ગવંકરે જણાવ્યું હતું કે સ્થળાંતરના નિર્ણયને દેશમાંથી મૂડીના બહાર જવા તરીકે જોવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણો લાદવાથી એ સુનિશ્ચિત થાય છે કે વ્યક્તિ પોતાનું રહેઠાણ બદલે તો પણ નાણાં બહાર ન જાય.
તેમણે કહ્યું કે ભારતમાં રહેતો ભારતીય નાગરિક દર વર્ષે ફક્ત 250,000 યુએસ ડોલર દેશની બહાર લઈ જઈ શકે છે. જ્યારે બિન-નિવાસી ભારતીય (NRI) ને $1 મિલિયન કાઢવાની છૂટ છે. આ સુનિશ્ચિત કરે છે કે મૂડીનું કોઈ મોટું પલાયન ન થાય. સર્વેમાં જણાવાયું છે કે ઉદ્યોગસાહસિકો અથવા તેમના વારસદારો કરતાં વ્યાવસાયિકો દેશ છોડીને જતા રહે તેવી શક્યતા વધુ હતી. વય જૂથના દ્રષ્ટિકોણથી, 36-40 વર્ષ અને 61 વર્ષથી વધુ ઉંમરના લોકો સ્થળાંતર કરવા માટે વધુ વલણ ધરાવે છે.
2023માં, 2.83 લાખ ભારતીયોને UHNIs તરીકે ઓળખવામાં આવ્યા હતા. તેમાંથી દરેકની કુલ સંપત્તિ 25 કરોડ રૂપિયાથી વધુ છે અને તેમની કુલ સંપત્તિ 2.83 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સર્વે મુજબ, 2028 સુધીમાં આ સંખ્યા વધીને 4.3 લાખ લોકો થઈ જશે, જેમની પાસે 359 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હશે.


