હજી થોડાં વર્ષ પહેલાં આધુનિક વિજ્ઞાન એમ જ માનતું હતું કે જે દેખાય છે એ જ સત્ય છે, બાકી બધું અસત્ય છે. વાયુનું સ્થાન આપણા પંચમહાભૂતોમાં છે. વાયુદેવ તરીકેનું વર્ણન પણ આપણા પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે, પરંતુ વિજ્ઞાને ત્યારે માન્યું જ્યારે હવા અને તેના ઘટકો અનુભવાયા અને પ્રયોગો દ્વારા સાબિત થયા. જેમ હવા દેખાતી નથી, પરંતુ છે એ જ પ્રમાણે મન પણ એક સૂક્ષ્મ શરીર તરીકે બિરાજમાન છે, પરંતુ દેખાતું ન હોય અત્યાર સુધી વિજ્ઞાન જગતમાં એની કોઈ જાણકારી ન હતી, પરંતુ હવે વિજ્ઞાનની ‘અતિચૈતસિક માનસ’ની શાખા હેઠળ મનની શક્તિને ઓળખવાની હજી તો પા પા પગલી થઈ રહી છે એમ જ ગણી શકાય. મનુષ્ય પાસે મન છે અને એટલે જ એ બીજા જીવંત પ્રાણીઓ કરતાં અલગ પડે છે. મન પરથી જ મનુ અને મનુષ્ય શબ્દ આપણા શબ્દકોશમાં આવ્યા છે.
અંગ્રેજીમાં ‘Man’ – મૅન-શબ્દ પણ આપણા મન પરથી જ આવ્યો છે. મનન કરે એવી શક્તિ ફક્ત મનુષ્ય પાસે છે, બાકી હરવું-ફરવું, ખાવું-પીવું, સેક્સ આ બધી ક્રિયા તો નાનામાં નાનું પ્રાણી પણ કરે છે. મન વડે જ આપણું શરીર બીજાં પ્રાણીઓ કરતાં ઉચ્ચ સ્થાન ભોગવે છે. આ સ્થૂળ શરીર કરતાં આ સૂક્ષ્મ મનની તાકાત પણ વધારે છે. કોઈ માણસ શરીરે હૃષ્ટપુષ્ટ હોય, બળવાન હોય, પણ તેની પાસે મનોબળ ન હોય તો કોઈ કાર્યમાં સફળ થતો નથી. આથી ઊલટું કોઈ શરીરે નબળો હોય, પણ મનોબળ મજબૂત હોય તો તે માણસ અઘરાં કાર્યો પણ પાર પાડી શકે છે. વળી, મનની ઝડપ શરીર કરતાં વધુ છે. મન એક સેકન્ડમાં દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી શકે છે, પણ શરીર જલદી નથી પહોંચી શકતું. આજે આપણે શરીરની શક્તિ કેળવવા જેટલો પ્રયત્ન કરીએ છીએ તેના સોમા ભાગનો પ્રયત્ન મનની શક્તિ ખીલવવા પાછળ કરતા નથી. ઋષિમુનિઓ જાણતા હતા કે મનનો એક છેડો આપણા આત્મા સુધી અને બીજો છેડો પરમાત્મા સુધી પહોંચે છે. તેથી તેઓએ આ મન અને તેની શક્તિને સારી રીતે જાણી-કેળવીને, તેઓને આત્માની ઉચ્ચ સ્થિતિ માટે તેનો ઉપયોગ કરી શક્યા હતા અને પરમાત્માની અનુભૂતિ મેળવી શક્યા હતા. તેથી તેમણે મનની શક્તિ ખીલવવા માટે ઘણા માર્ગ અને સાધનો આપ્યાં તેમાંથી સર્વજન સુલભ એક સાધન છે મંદિર. જેમ શરીરબળ વધારવા અખાડા કે વ્યાયામશાળાઓ છે તેમ મનને કેળવવા મંદિરની જરૂર છે.
આજે શહેરોમાં તો અવાજથી ધમધમતા રોડની બાજુમાં જ દેવાલય વાસ્તુશાસ્ત્રના નિયમ કે આધાર વગર જ મંદિરો ઊભાં કરીએ છીએ અને તેને વેપારી ધોરણે જ ચલાવીએ છીએ, તેના લીધે મંદિર શબ્દ બદનામ થયો છે. આપણાં પ્રાચીન મંદિરો તો મોટાભાગે નદી, તળાવ, સમુદ્રકિનારે, ડુંગરની ટોચ કે જંગલ જેવા પ્રકૃતિના ખોળે જ આવેલાં છે. તે સમયે મંદિરો બાંધવાનો આશય મનને એકાગ્ર કરી વધુ માનસિક શક્તિ મેળવી પરમશક્તિનું અનુસંધાન કરવાનો હતો. આજના સમયમાં પણ તણાવયુક્ત સ્થિતિમાં જીવતા મનુષ્યને આવાં મંદિરોની ખાસ જરૂર છે. નોકરી-ધંધો, મિત્રો-સગાંવહાલાં, ઘર વગેરેની જવાબદારી અને સફળતાની દોડમાં અટવાતા માણસના મનમાં સતત સેંકડો વિચાર આવન-જાવન કરતા હોય છે. આવા સતત વિચારોના તણાવથી મનોરોગ કે શારીરિક રોગ ઉદ્ભવ થવાની શક્યતા થઈ શકે છે. સામાન્ય સ્થિતિમાં તો આ વિચારોની જાળમાંથી મુક્ત થવું ઘણું જ કઠીન બની રહે છે, પરંતુ આ વિચારોની શૃંખલાને તોડવાનું કામ મંદિર આસાનીથી કરે છે.
મંદિરનો ઘુમ્મટ, પિરામિડ કે શંકુ આકારનો હોય છે. તેની ઉપર મૂકેલો કળશ પણ પિરામિડ આકારનો હોય છે, કે જે શાસ્ત્રીય રીતે ચોક્કસ માપ અને આકારમાં બનાવેલા હોય તેવા મંદિરમાં બ્રહ્માંડની ઊર્જા વધુ સારી રીતે કેન્દ્રિત થાય છે. મંત્રોના આહ્વાનથી પ્રાણપ્રતિષ્ઠિત થયેલી ભગવાનની મૂર્તિમાં આ ઊર્જા સંગ્રહિત થાય છે અને તે વધુ પ્રબળ બની ચારે તરફ પાછી ફેંકાય છે, જેનો લાભ દર્શન કરવા આવેલા ભક્તોને મળે છે. પરમશક્તિની આ ઊર્જા માણસ સારી રીતે ગ્રહણ કરી શકે તે માટે મંદિરની પ્રદક્ષિણા કરવી જરૂરી છે. કુદરતી નિયમ પ્રમાણે ગ્રહણ કરવાનું કામ જમણો હાથ કરતો હોય છે માટે જ જમણો હાથ ભગવાનની મુર્તિ તરફ રહે તેવી રીતે પ્રદક્ષિણા કરવી જોઈએ. આમ, ઊર્જાને શરીરમાં પ્રવેશવાને પૂરો મોકો મળે છે. આ ઊર્જા મનની વિચારધારાને બદલી નાખે છે. આથી ચંચળ મનને એકાગ્ર કરવામાં ખૂબ સુગમતા થઈ જાય છે. આમ, ઘર કરતાં મંદિરમાં મન એકાગ્ર જલદી થઈ જાય છે. ધ્યાનનો લાભ મંદિરમાં સુંદર મળી શકે છે.
સાધકો માટે તો મંદિરો એક ઉપાસના સ્થળ જ છે, કે જ્યાં સાધકની આંતરિક શક્તિને વિકાસ કરવાનું કામ સરળતાપૂર્વક થાય છે અને પરમશક્તિને પામવાનો રસ્તો ખુલ્લો થાય છે.
સામાન્ય લોકો માટે પણ મંદિરો એટલાં જ ઉપયોગી છે. દુઃખ-દર્દ અને સંકટોથી ઘેરાયેલા મનુષ્યો મંદિરનું શરણું લઈ શકે છે, કારણ કે પૂર્ણ શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના મંદિરની ઊર્જા સાથે ભળી પરમશક્તિ સુધી પહોંચે છે અને ગમે તેવાં સંકટોને હળવાં કે દૂર કરવા માટેના સંજોગો કે એવી સમજશક્તિ પેદા કરી આપે છે. આ સાથે શ્રીફળ, રેશમી વસ્ત્રો, ધૂપદીપનો ઉપયોગ કરવાથી વધુ સચોટ ફાયદા મેળવી શકાય છે. આ વૈજ્ઞાનિક રીતે કેવી રીતે શક્ય છે તે આપણે અગાઉના પ્રકરણોમાં જાણી ચૂક્યા છીએ.
મંદિરના ગુંબજની રચના, ઘંટનાદ અને મંત્રોચ્ચારથી ઉત્પન્ન થતા ધ્વનિના વિજ્ઞાન વગેરે અને તેનાથી માનવજીવનને થતા ફાયદા વિશે આપણે આવતા પ્રકરણમાં જાણીશું.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


