ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. તેઓ 68 વર્ષના હતા. વિજયભાઈ તેમનાં પત્ની અંજલી અને દીકરી રાધિકા જેઓ બંને લંડન હતાં તેમને મળવા બ્રિટન જઈ રહ્યા હતા. વળતા પ્રવાસમાં તેઓ પત્ની અંજલી સાથે ભારત આવવાના હતા.
સાતમી ઓગસ્ટ 2016થી 11 સપ્ટેમ્બર 2021 સુધી વિજયભાઈએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. વિજયભાઈનો જન્મ બીજી ઓગસ્ટ 1956ના રોજ મ્યાનમારના યાંગોન એટલે કે પહેલાંના રંગૂન શહેરમાં થયો હતો. તેઓનાં માતાપિતા માયાબહેન અને રમણીક લાલ રૂપાણી હતાં. સાત ભાઈ બહેનોમાં વિજયભાઈ સૌથી નાના સંતાન હતા. 1960 હની સાલમાં તેમનો પરિવાર મ્યાનમારથી રાજકોટ સ્થળાંતરિત થયો હતો. વિજયભાઈએ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટસ કર્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તેઓએ એલએલબીની પદવી મેળવી હતી.
કારકિર્દીની શરૂઆતમાં તેઓ પિતા સાથે શેરબજારમાં બ્રોકર તરીકે કામ કરતા હતા. 1971માં તેઓ જનસંઘમાં જોડાયા હતા. કટોકટી વખતે તેઓને 11 મહિના જેલ થઈ હતી. રાજકીય કારકિર્દીના પ્રારંભથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે અને પછી ભારતીય જનતા પક્ષના સભ્ય તરીકે કાર્યરત હતા. 1986 માં તેઓ પહેલીવાર રાજકોટ મહાનગરપાલિકામાં નગરસેવક તરીકે ચૂંટાયા હતા. કેશુભાઈ પટેલની સરકારમાં અગત્યનું પદ સંભાળ્યા પછી તેઓ ગુજરાત ટુરિઝમના ચેરમેન તરીકે પણ કાર્ય કરી ચૂક્યા હતા. 2006 અને 12 વચ્ચે તેઓ રાજ્યસભાના સંસદ રહ્યા હતા.
2014માં વજુભાઈ વાળાએ રાજકોટ પશ્ચિમની વિધાનસભા બેઠક ખાલી કર્યા પછી ઓક્ટોબરમાં વિજય રૂપાણી એ બેઠક પરથી વિક્રમ માર્જિન સાથે ચૂંટાયા હતા. વિજયભાઈએ એ પછી આનંદીબેન પટેલની આગેવાનીમાં ગુજરાત સરકારમાં પ્રધાનપદો શોભાવ્યાં હતાં. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પ્રમુખપદે પણ રહ્યા હતા.
સાતમી ઓગસ્ટ 2016ના દિવસે વિજયભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. લગભગ ચારેક વર્ષ તેઓએ ગુજરાતની આગેવાની કરી હતી.
અંગત જીવનની વાત કરીએ તો વિજય મહીના પત્ની અંજલિબહેન છે. તેમનો દીકરો ઋષભ એન્જિનિયર છે અને દીકરી રાધિકા છે. રૂપાણી યુગલના સૌથી નાના દીકરા પૂજિતનું અકસ્માતમાં અવસાન થયું હતું એ પછી રૂપાણી પરિવારે દીકરાની સ્મૃતિમાં મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી સેવાકાર્યો આદર્યાં હતાં.
છેલ્લા થોડા સમયથી વિજયભાઈ ભાજપના પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે સેવા આપી રહ્યા હતા. ગુજરાતે આ પહેલાં બળવંતરાય મહેતાના રૂપમાં છ દાયકા પહેલાં એના મુખ્ય પ્રધાનને વિમાન અકસ્માતમાં ગુમાવ્યા હતા. સપ્ટેમ્બર 1965ની એ ગોઝારી ઘટનામાં બળવંતરાય બીચક્રાફ્ટ નામના વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા. અમદાવાદથી મીઠાપુરનો એમનો પ્રવાસ હતો. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું એ સમયે પાકિસ્તાન એર ફોર્સે બળવંતરાયના વિમાનને ફૂંકી દીધું હતું. એમાં બળવંતરાય સહિત તેમના પત્ની સરોજ બહેન કર્મચારીઓ અને એક પત્રકારનું પણ મોત થયું હતું.
કોઈ રાજ્યના મુખ્ય પ્રધાનનું વિમાન અકસ્માતમાં અવસાન થવાની આ સિવાય પણ આપણે ત્યાં ઘટનાઓ નોંધાય છે. 2009માં આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન વાય. એસ. રાજશેખર રેડ્ડીનું અકસ્માત પણ આ રીતે થયું હતું. તાંત્રિકી ખામીને લીધે તેઓ જે હેલિકોપ્ટરમાં પ્રવાસ કરી રહ્યા હતા એ નાલમલ્લા જંગલમાં અકસ્માતનો ભોગ બન્યું હતું. 2011માં અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન દોરજી ખંડુ પણ હેલિકોપ્ટર અવસાન પામ્યા હતા. એમનો મૃતદેહ ઘણા દિવસો પછી હિમાલયના પહાડો વચ્ચેથી મળ્યો હતો.
અપવાદોને બાદ કરતાં વિજયભાઈ રૂપાણીની કારકિર્દી અસ્ખલિત અને સ્વચ્છ રહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તેઓ વિશ્વાસુ ગણાતા હતા. પક્ષે મુખ્ય પ્રધાનપદ છોડવાની કરેલી વિનંતી પછી તેઓએ પદ છોડી દીધું હતું. ઉપરાંત એ વિશે ક્યારે કોઈ બિનજરૂરી કોલાહલ કે ફરિયાદો કરી નહોતી. દેશના રાજકારણમાં એક સર્વોચ્ચ પદ સુધી પહોંચવા છતાં વિજયભાઈ સામાન્ય માણસો સાથે સતત સંપર્કમાં રહ્યા હતા.
વિજય રૂપાણીનું આકસ્મિક નિધન માત્ર ગુજરાત કે ભારતીય જનતા પક્ષ માટે નહીં, દેશના રાજકારણ માટે પણ એક મોટી ખોટ છે.


