ગુરુવાર, 12 જૂનના ગુજરાતના અમદાવાદમાં ભયંકર વિમાન દુર્ઘટના થઈ. એમાં, અમદાવાદથી લંડન ગેટવિક જતી, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભર્યા ગણતરીની પળોમાં નજીકના મેઘાણીનગરમાં સ્થિત બી.જે. મેડિકલ કોલેજના અંડરગ્રેજ્યુએટ હોસ્ટેલના ભોજનાલય પર જઈ પડી હતી.
આ બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી કોઈ પણ જીવિત નથી. સાથે ઓછામાં ઓછા પાંચ મેડિકલ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં છે. ફ્લાઇટમાં 230 મુસાફરો અને 12 કર્મચારીઓ (169 ભારતીય, 53 બ્રિટિશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો) હતા. વિમાને બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી હતી, પરંતુ માત્ર 825 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શક્યું હતું. કેપ્ટન સુમીત સભરવાલ અને ફર્સ્ટ ઑફિસર ક્લાઇવ કુંદર સંચાલિત વિમાને એર ટ્રાફિક કંટ્રોલને “મેડે” કોલ આપ્યા બાદ એનો સંપર્ક તૂટી ગયો. વિમાન હોસ્ટેલની મેસમાં જઈ પડ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓ બપોરનું ભોજન કરી રહ્યા હતા. ટક્કરથી ભયાનક વિસ્ફોટ થયો હતો. એ પછી સર્વત્ર આગ અને કાળો ધુમાડો ઊઠ્યો હતો. સર્વત્ર પ્રસરેલી તસવીરોમાં વિમાનનો પૂંછડીનો ભાગ હોસ્ટેલની ઉપરની મજલ પર અટકી ગયેલો દેખાતો હતો. મેસમાં વેરવિખેર થયેલું ભોજન આ ભયાવહ દુર્ઘટનાની ગમખ્વાર અસર દર્શાવે છે.
બી.જે. મેડિકલ કોલેજ ગુજરાતની પ્રખ્યાત મેડિકલ સંસ્થા છે. એના ઓછામાં ઓછા પાંચ નિવાસી વિદ્યાર્થીઓ (ચાર અંડરગ્રેજ્યુએટ અને એક પોસ્ટગ્રેજ્યુએટ)નાં મૃત્યુ થયાં છે. બીજા 30થી 48 વિદ્યાર્થીઓ ઘાયલ છે, જેમાંના કેટલાકની સ્થિતિ ગંભીર છે. ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન્સ (FAIMA)એ ઘટનાને “ભયંકર” ગણાવતાં જણાવ્યું છે કે અકસમાત સમયે મેસમાં ઘણા એમબીબીએસ વિદ્યાર્થીઓ અને જ્યુનિયર ડૉક્ટર્સ હાજર હતા.
દુર્ઘટના સમયે એક વિદ્યાર્થી બીજા માળેતી કૂદી ગયો હતો. એ ઘાયલ થયો છતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ અને જોખમ બહાર હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન – મેડિકલ સ્ટુડન્ટ્સ નેટવર્ક (IMA-MSN)એ પીડિત સમુદાય સાથે એકતા દર્શાવી છે.
દુર્ઘટના પછી બચાવકાર્ય તરત શરૂ થયું હતું. ગાંધીનગરથી ત્રણ એનડીઆરએપ ટીમ અને વડોદરાથી વધારાનાં દળો એમાં જોડાયાં હતાં. ફાયર બ્રિગેડ, સીઆઈએસએફ અને અમદાવાદ પોલીસે આગ બુઝાવવા અને કાટમાળ સાફ કરવા તત્કાળ કાર્ય આદરી દીધું હતું. સાંજ સુધીમાં 70-80% વિસ્તાર સાફ થઈ ગયો હતો. 100થી વધુ શબ (ઘણા બળી ગયેલાં) પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓ સહિત 41 ઘાયલો સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું હતું કે વિમાનમાં કોઈ જીવિત નથી અને જમીન પરના ઘાયલોની સંખ્યા તપાસાઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનાને “અકલ્પનીય રીતે દુઃખદ” ગણાવી છે, અને રાહતકાર્ય માટે અધિકારીઓ સાથે સંકલનની પુષ્ટિ કરી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. એર ઇન્ડિયાએ પીડિત પરિવારો માટે હેલ્પલાઇન (1800 5691 444) શરૂ કરી છે. બોઇંગ કંપનીએ ડીજીસીએને તપાસમાં સહયોગનું વચન આપ્યું છે. અકસ્માતના કારણ વિશે પ્રારંભિક અનુમાન પક્ષીની ટક્કર અથવા ટેકનિકલ ખામી તરફ સંકેત કરે છે, જે લાંબા અંતરની ફ્લાઇટ માટેના ભારે ઇંધણ ભારને કારણે વધુ ગંભીર બની હોઈ શકે છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા અને દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે.
બોઇંગ 787 ડ્રીમલાઇનરની આ પહેલી ઘાતક ઘટના છે, જેમણે વૈશ્વિક કંપનો સર્જ્યાં છે. ઇંગ્લેન્ડના વડા પ્રધાન કીર સ્ટાર્મર અને રાજા ચાર્લ્સ ત્રીજા સહિત અન્યોએ દુર્ઘટના વિશે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. બચાવકાર્ય અને તપાસ જારી છે.


