રવિવાર, 15 જૂનની રાતે ગોવાલિયા ટેન્ક સ્થિત તેજપાલ સભાગૃહમાં સુંદર નાટક, દશેરા, જોઈને અમે બહાર પડ્યા. સમય પોણા અગિયાર થયો હતો. જમવાનું બાકી હતું. ઘડિયાળ જોઈને થયું, “અરેરે, સ્વાતિ સ્નેક્સ બંધ… હવે બીજે જમવું પડશે.”

છેવટે ટેક્સીમાં ગયા સરદાર પાંઉભાજી. માર્ગમાં ભાટિયા હોસ્પિટલ સામે સ્વાતિ સ્નેક્સ દેખાઈ. પૂર્ણપણે અંધારામાં ખોવાયેલી. થયું કે સમય થયે શિસ્તબદ્ધ રીતે રેસ્ટોરાં બંધ છે. ત્યારે જાણ નહોતી કે સ્વાતિ સ્નેક્સનાં વિઝનરી આશા ઝવેરી, સૌનાં લાડકવાયાં આશાબહેનનું ગઈકાલે અવસાન થયું હતું…
સોમવારે જાણ થઈ. હૃદયમાં એક ખાલીપો અનુભવાયો. મુંબઈના નકશા પર આશાબહેને અદભુત રેસ્ટોરાંથી રળિયાત સર્જી હતી. આશાબહેન સાથે અંગત પરિચય નહીં પણ તેથી શું? એમની રેસ્ટોરાંમાં જ્યારે જેટલીવાર કંઈક ખાધું છે ત્યારે એમ લાગ્યું છે જાણે આશાબહેન સ્વયં ગ્રાહકોને વહાલથી પીરસી રહ્યાં છે. જીવનમાં બહુ ઓછી રેસ્ટોરાંમાં પૈસા ખર્ચીને ખાતા આટલી આત્મીયતા અનુભવી છે. મેં પણ અને કદાચ સૌએ.
મને યાદ આવે છે ત્રણેક વરસ પહેલાંની વાત.

એ રાતે હું અમદાવાદ હતો. ત્યાં પણ લૉ ગાર્ડનમાં સ્વાતિ સ્નેક્સ છે. ત્યાં રાતે ખાધા પછી રેસ્ટોરાંમાં મૂકેલા એક સ્ટેન્ડ પર નજર પડી. સ્વાતિ સ્નેક્સ વિશેનું પીળા જેકેટવાળું પુસ્તક એમાં ટમટમી રહ્યું હતું. ઉઠાવીને જોયું તો આશાબહેને તનુષ્કા વૈદ સાથે એ લખ્યું હતું. ત્યારે માત્ર અંગ્રેજી આવૃત્તિ પ્રસિદ્ધ હતી. હવે પુસ્તક ગુજરાતી અને હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. મેેં તત્ક્ષણ પુસ્તક ખરીદ્યું. બેએક બેઠકમાં એને આખેઆખું ‘આરોગી’ ગયો. સ્વાતિ સ્નેક્સની વાનગીઓની જેમ પુસ્તક પણ રસાળ. આશાબહેનના જીવનના અનુભવોથી છલકતું. એમના જીવનપ્રવાસ તથા એક સાધારણ સ્ટોલથી મુંબઈ નહીં, દેશની સર્વોત્કૃષ્ટ રેસ્ટોરાં સુધીની સ્વાતિ સ્નેક્સની સફર, એમાં શબ્દાંકિત.
પુસ્તક વાંચવાનું પત્યું કે મારાથી રહેવાયું નહીં. મેં પુસ્તકના પ્રકાશક, યોગી ઇમ્પ્રેશન્સને મેઇલ કર્યોઃ મારે આ પુસ્તકનું અનુવાદ કરવું છે. બીજા દિવસે પ્રત્યુત્તર આવ્યો, “તમારો ઉમળકો ગમ્યો પણ ગુજરાતી આવૃત્તિ ઓલમોસ્ટ રેડી છે.” અને બહુ જલદી પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પણ આવી ગઈ. ખેર.
આપણામાંની કોઈ પણ વ્યક્તિ ધારે તો શું કરી શકે અથવા કહો કે શુું ના કરી શકે, એનો જાણે પુરાવો હતો આશાબહેનનું જીવન.
એમના સ્મરણમાં આ લખી રહ્યો છું એનું કારણ છે. અપરિચિત ગ્રાહક સાથે કોઈ રેસ્ટોરાં સર્જકે (માલિક નહીં કહું કારણ સ્વાતિ સ્નેક્સ ખરા અર્થમાં એક સર્જન છે)
વાનગીઓ અને રેસ્ટોરાંના વાતાવરણ એટલે એમ્બિયન્સ થકી આટલી સહજ રીતે આત્મીયતાનો દીર્ઘ સંબંધ બાંધ્યો હોય એવું જવલ્લે બને ય છે. અથવા થાય તો એ આત્મીયતા ભાગ્યે જ વરસોનાં વરસ ટકે છે. મારી અન્ય માનીતી રેસ્ટોરાંમાં મેં આનંદ બહુ માણ્યો છે પણ અકળ અથવા નિશબ્દ છતાં વિશિષ્ટ આત્મીયતા સ્વાતિ જેવી એકલદોકલ રેસ્ટોરાંમાં જ માણી છે. ભલે માલિકને ઓળખતા નથી કે ભલે આટઆટલી વખત ત્યાં કશુંક આરોગ્યા પછી પણ કોઈ વેઇટર કે મેનેજર સાથે ઘરોબો બાંધ્યો નથી.

મને યાદ છે વરસો પહેલાં મને સૌરભ શાહે સ્વાતિ સ્નેક્સથી પરિચિત કરાવ્યો હતો. સૌરભભાઈ સાથે જે રેસ્ટોરાંમાં પહેલીવાર ગયો હોઉં અને કશુંક મજાનું આરોગ્યું હોય એવી બેમાંની એક રેસ્ટોરાં સ્વાતિ સ્નેક્સ. પહેલી વિઝિટમાં ત્યાં પાનકીનો સ્વાદ માણ્યો હતો. આજે પણ સ્વાતિ સ્નેક્સમાં પાનકી મારો પહેલો ઓર્ડર હોય છે. “એક પાનકી દે દો તબ તક દૂસરા ઓર્ડર દેતા હૂં…” સ્વાતિમાં આ મારો ઓલમોસ્ટ તકિયાકલામ. છેલ્લાં ઘણાંં વરસોથી એક નિયમ એ પણ છે કે ટાઉન જવાનું હોય, ચર્ની રોડ ગ્રાન્ટ રોડમાં કામ હોય, અને લન્ચ ટાઇમ વચમાં આવે તો, બને ત્યાં સુધી સ્વાતિ સ્નેક્સમાં જ જમવાનું. બીજો વિચાર નહીં કરવાનો. એવી રીતે, અમદાવાદમાં સ્વાતિ સ્નેક્સ શરૂ થયા પછી નિયમ બની ગયો કે શહેરની દરેક મુલાકાતમાં કમ સે કમ એકવાર તો લૉ ગાર્ડનની સ્વાતિ સ્નેક્સમાં જવાનું અને ખાવાનું જ.
વરસો પહેલાં ત્યાં શેરડીનો રસ મળતો જોઈને નવાઈ લાગતી હતી. મુંબઈના દરેક વિસ્તારમાં ત્યારે (અને આજે પણ) દસ-પંદર રૂપિયામાં શેરડીના રસનો મોટો ગ્લાસ મળે છે. છતાં, સ્વાતિ સ્નેક્સમાં લોકો આ રસ બસો રૂપિયામાં ખુશીભેર પીએ છે. સ્વાતિ સ્નેક્સમાં દરેક વાનગી આમ પણ પ્રીમિયમ ભાવે છે. શેરડીનો રસ અપવાદ નથી. લોકો શા માટે સ્વાતિ સ્નેક્સમાં મેનુની રાઇટ સાઇડમાં જોયા વિના લેફ્ટમાં જોઈને મનગમતી આઇટમ ઓર્ડર કરતા હશે એનો જવાબ રેસ્ટોરાંની અમુક ખાસિયતો છે. એક તો મર્યાદિત છતાં અવ્વલ વાનગીઓ. બીજું ખરેખર સરળ છતાં મનમોહક વાતાવરણ. ત્રીજું સ્વચ્છતા. ચોથું, સ્વાદ અને સર્વિંગનું અકલ્પનીય સાતત્ય. રેસ્ટોરાંના ઉદ્યોગમાં અનેક રેસ્ટોરાં આમાંના ઘણા મુદ્દે ઊંચા માર્ક્સ મેળવી શકતી હશે પણ સ્વાતિ સ્નેક્સની તોલે આવી શકે એવી રેસ્ટોરાં ઓછી છે.
સ્વાતિ સ્નેક્સ આપીને આશાબહેને આપણને સ્વાદ અને ઇટિંગ આઉટના ખાસમખાસ લાડ લડાવ્યા છે. એમની વિદાયથી મન ખિન્ન છે. હવે પછી પણ સ્વાતિ સ્નેક્સમાં જવાનું થશે. ત્યારે આશાબહેન યાદ આવશે જ. સાથે એ આશા મનમાં હશે કે આશાબહેનની પરંપરાને દરેક સ્વાતિ સ્નેક્સ આગળ ધપાવશે. અને આશાબહેન દૂર ઊંચે આકાશથી નજર રાખીને એની ખાતરી કરતાં હશે…
આશાબહેન, તમારો આભાર કે તમે અમને આવી અદભુત ગિફ્ટ આપી.


