એકાદ વરસ પહેલાં રહેવાસીઓએ ચબૂતરાનું નિર્માણ કરાવ્યું હતું. એનો સહજ અર્થ એ કે આજે પણ ચબૂતરો બનાવનારા લોકોના હૃદયમાં જીવદયા ભરપૂર છે
પોળ થઈને પોળ વચ્ચે ગૂંથાતી આ પોળો,
એકસરખી લાગે બદ્ધી જોઈ આંખો ચોળો…
– મકરંદ મહેતા
રહેવાસીઓને પ્રસંગોપાત ઉપયોગ થતાં પ્રાગંણસમ ઓટલો, વડના વૃક્ષની છાયા, પાસેની ભીંત પર બનાવવામાં આવેલું, કોઈ પણ પોળમાં જોવા મળે તેવું બ્લેકબોર્ડ અને નીચે વેરાયેલાં ખરી પડેલાં પાંદડાં સાથે કચરો… એક ટિપિકલ પોળના માહોલને જોતાં જ ઉપરની પંક્તિઓ યાદ આવ્યા વિના રહેતી નથી. શાહપુરમાં આવેલા પવિત્ર કરૂણાસાગર મંદિરની સાવ સામે આ સામાન્ય લાગતો ચબૂતરો જોઈને તેની વિગતો જાણવાની ઉત્કંઠા ઝળકવા માંડે છે.
કરૂણાસાગર, ઉપરાંત ચબૂતરાની પાસે હડકશા માતાનું મંદિર પણ સાપેલું છે. હજી એકાદ વરસ પહેલાં રહેવાસીઓએ ચબૂતરાનું નિર્માત કરાવ્યું હતું. એનો સહજ અર્થ એ કે આજે પણ ચબૂતરો બનાવનારા લોકોના હૃદયમાં જીવદયા ભરપૂર છે. તેમ છતાં તેની સારસંભાળ રાખવા માટે કોઈ ગોઠવણ કરવામાં આવી નથી અથવા તે વિશે વિચાર કરવામાં આવ્યો નથી. રહેવાસીઓ પોતાની રીતે જાર અને પાણીની વ્યવસ્થા કરે છે. સાથે અહીં મંદિરે આવતા ભાવિકો પણ ચણની સેવા કરતા રહે છે. પક્ષીઓ અહીં સારી એવી સંખ્યામાં આવે છે. વળી ચબૂતરો લોખંડનો હોવાથી તેને સમયના વહેણમાં કાટ પણ લાગ્યો છે. એટલે જ તેને થોડી કાળજી અને સરસ મજાના જિર્ણોદ્ધાર થકી વધુ સારો બનાવવાની જરૂર છે.
નોંધનીય વાત એ છે કે એક ચબૂતરા માટે આદર્શ એવા આ સ્થાને હયાત ચબૂતરાને સુધારીને ખૂબ સારું કાર્ય થઈ શકે છે. રહેવાસીઓ સહૃદયી, વાતાવરણ મોકલાશભર્યું અને પાવન મંદિરોની નિશ્રા, એ બધા સાથે આવું પગલું યથાયોગ્ય દિશાનું સાબિત થાય તેમાં નવાઈ શી?
વેદ વાચવા સહેલા છે પણ કોઈની વેદના વાચવી અઘરી છે.
જો કોઈની વેદના વાચતા આવડી જાય તો ઈશ્વર મળી જાય
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.