ઉપરના મુખ્ય માળખા સુધી પહોંચવા કોઈ સાધન હવે રહ્યું નથી તેથી ચબૂતરાનો પૂર્ણતઃ ઉપયોગ થવાની શક્યતા પણ રહી નથી

સૌથી નજીકની ઇમારત અને આ ચૂબતરા વચ્ચે હાથવેંતથી છેટું છે. શાહપુરમાં દરવાજાના ખાંચા પાસે આવેલી આ પોળનો ચબૂતરો આશરે ૫૦થી વધુ વર્ષ જૂનો છે.

પથ્થરના થાંભલા પર ઊભો આ લાકડાનો ચબૂતરો હાલ સારી અવસ્થામાં નથી. સમયની નિરંતર થપાટે તેના લાકડાના માળખાને જર્જરિત કરી નાખ્યું છે. ઉપરના છાપરાની સ્થિતિ પણ પોરસાવા જેવી નથી. કોઈક જમાનામાં આ પોળના રહેવાસીઓએ જ આ ચબૂતરાનું નિર્માણ કરાવ્યું હતું. પોળના સાડાત્રણ ડઝનેક ઘરોમાં જૈનોનાં ઘર બહોળી સંખ્યામાં છે.

અહીં ચબૂતરામાં ચણ નાખવાની કે સારસંભાળની કોઈ વ્યવસ્થા અત્યારે અમલમાં નથી. પાસે રહેતાં હીરાબહેન વજુભાઈ સોલંકી યથાશક્તિએ તેની દેખરેખ રાખે છે ખરાં. જોકે ઉપરના મુખ્ય માળખા સુધી પહોંચવા કોઈ સાધન હવે રહ્યું નથી તેથી ચબૂતરાનો પૂર્ણતઃ ઉપયોગ થવાની શક્યતા પણ રહી નથી. પોળનાં છોકરાંઓ પાસે હીરાબહેન સમયાંતરે ચબૂતરાની સાફસફાઈ કરાવે છે. અમુક રહેવાસીઓ સ્વેચ્છાએ ચણ નાખી જાય છે.

નિર્માણ પછી આ ચબૂતરાનું રિનોવેશન પણ સમયાંતરે થયું હતું તેવું અહીંના લોકોનું કહેવું છે. અત્યારની સ્થિતિ તો એટલું જ સૂચવે છે કે લાંબા સમયથી આ ચબૂતરો નધણિયાતો પડ્યો રહ્યો હશે. ચબૂતરાના મુખ્ય ભાગ સુધી હાથ આંબી શકાય એ માટે સીડી બનાવવાની રહેવાસીઓની ઇચ્છા વાતચીત દરમિયાન વ્યક્ત થાય છે. અમલ અટક્યો છે ભંડોળના અભાવે.

વિસ્તારના વારસાને સાચવવા ઉત્સુક પોળના લોકો ચબૂતરાનો જિર્ણોદ્ધાર થાય તો જાળવણીમાં સહકાર આપવાને પણ ઉત્સુક છે. જો કોઈક આ કાર્ય માટે પહેલ કરે તો…

પારકાં માટે પગથિયું ન બની શકીએ તો કંઈ નહીં પણ ચાલનારના માર્ગમાં ખાડારૂપ તો ન જ બનવું જોઈએ.

મોરારીબાપુ

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Share.
Leave A Reply

Exit mobile version