Saturday, January 18

દરેક ભાષાની પોતાની આગવી અભિવ્યક્તિ હોય છે. સૌનો અનુભવ છે કે અમુક શબ્દો, વાક્યપ્રયોગ અને લાગણીને પોતાની ભાષા સિવાય કોઈ રીતે વ્યક્ત કરી શકાતી નથી. પુરણપોળીને, દાખલા તરીકે, અંગ્રેજીમાં શું કહીશું. હજી તો અંગ્રેજી પાસે રોટલી શબ્દનો આટલો અસરકારક પર્યાય નથી ત્યાં પુરણપોળીની વાત વધારે પડતી ગણાય. બિલકુલ કંઈક આવી જ રીતે માણસ માણસમાં ગમે તેટલી પ્રગાઢ સામ્યતા હોય છતાં દરેક માણસ બીજા કરતાં નોખો છે અને રહેવાનો જ. આ નોખાપણું જ સ્વભાવ, આવડત… ગમા-અણગમા સહિતની દરેક બાબતને આગવો સ્પર્શ આપે છે. માણસ માટે એમાં એક પરીક્ષા છુપાયેલી છે. રોજબરોજના જીવનમાં એણે પોતાની પ્રકૃતિની એ વાતોને કોરાણે રાખીને ચાલવું પડે છે જે એનો અન્ય સાથેનો મનમેળ ના થવા દે. પછી એકાંતવાસમાં, પોતાના વિચારોની આગવી સૃષ્ટિમાં જ્યારે ડોકિયું કરવા મળે ત્યારે માણસે એ ખૂબીઓનો છૂપો અર્થ સમજીને પોતાને વિશિષ્ટ બનાવવા માટે સંનિષ્ઠ પ્રયત્ન આદરવા પડે. દરેક ડોક્ટર જેમ ડોક્ટર હોય છતાં બાહોશ ડોક્ટર જુદો તરી આવે, એ રીતે. સરેરાશ કામ કરીને પણ સફળતા, સિદ્ધિ અને અસામાન્યપણું પ્રાપ્ત તો કરી શકાય છે. એટલા તો, નાસીપાસ થવાનો જીવનમાં પ્રશ્ન ઊભો થતો નથી. અંગ્રેજીને પુરણપોળીનો પર્યાય ના મળે એનાથી એ ભાષા વામણી કે નબળી પુરવાર થવાની નથી. ભાષાની જેમ આપણે પણ પોતાની આગવી તાકાતને પૂર્ણ સ્વરૂપમાં ખીલવી શકીએ તો ઘણું. આજના દિવસથી ક્યારેય એવું વિચારતા નહીં કે મારામાં શું ખૂટે છે? આજથી વિચારજો એવું કે મારી પાસે જે પણ છે એનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય. એમ વિચારતાં જેટલું સિદ્ધ કરશો એટલા અસામાન્ય તમે બનશો.

Leave A Reply

English
Exit mobile version