અહીં બેશક મોકળાશ રહી હશે પણ આજે આ ચબૂતરો જાણે બાંધકામો વચ્ચે અટવાઈ ગયેલો છે. વેપારી વિસ્તારને લીધે ચબૂતરાની નીચે ગંદકી પણ સતત થતી રહે છે

રૂપવાન, ગૌરવશાળી અને ગમતીલા આ સ્થાપત્યની આસપાસ કોણે કેબલ્સનાં ગૂંચળાં ભરાવ્યાં છે? એ વળી એક વેપારીએ શા માટે તેની મહત્તા સમજ્યા વિના એની એક તરફ પોતાની જાહેરાત કરતું બોર્ડ ટાંગી દીધું છે? કોઈક તો એટલું જાણો કે આ ચૂબતરો વિસ્તારનું ઘરેણું છે!
કાલુપુરમાં આવેલી કાળુશીની પોળનો ચબૂતરો માત્ર દેશના નહીં, વિદેશી પર્યટકોને પણ સતત આકર્ષે છે. સોએક વરસ જૂના આ ચબૂતરાનું સરસ ઝરુખાઓ અને થાંભલાઓવાળું કોતરકામ કોઈનેય લોભાવવાને સક્ષમ છે. તેનું નિર્માશ કાળુશાહ શેઠે કરાવ્યું હતું, જેમના નામે અહીંની પોળ પણ ઓળખાય છે.
સંભવનાથ, શાંતિનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ, વિજય ચિંતામણિ અને અજિતનાથનાં દેરાસર, બે ઉપાશ્રય સહિત આ ચબૂતરાના સ્થાપત્યમાં સ્થાપક યુગલ અને સાધુઓનાં પૂતળાં પણ જડેલાં છે.
પહેલાં અહીં બેશક મોકળાશ રહી હશે પણ આજે આ ચબૂતરો જાણે બાંધકામો વચ્ચે અટવાઈ ગયેલો છે. વેપારી વિસ્તારને લીધે ચબૂતરાની નીચે ગંદકી પણ સતત થતી રહે છે. ચબૂતરાના નિભાવ માટે અહીં આજે પણ દાનપેટી છે અને તેમાં પૈસા પણ આવતા રહે છે. એનો યથાયોગ્ય ઉપયોગ થવા છતાં ચબૂતરામાં ચણ મૂકવાનો સવાલ છે ત્યાં સુધી એ કામગીરી તો લાંબા સમયથી થંભી ગઈ છે. ક્યારેક તેની પાછળ આવેલી છત પર કોઈક જીવદયાપ્રેમી ચણ નાખવાની કૃતજ્ઞતા દર્શાવે એટલું જ.
આ ચબૂતરાને ફરી તેના શ્રેષ્ઠ દેખાવ સાથે કાર્યાન્વિત કરવાથી આ આખા વિસ્તારની શોભા ખીલી ઉઠશે. જેની સ્થિતિ સારી છે, એવા ચબૂતરાને ઉપેક્ષિત કરવો એ આમ પણ યોગ્ય નથી જ.
ભારતમાં ૧,૧૬૭ પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે. ૫૪ પક્ષીઓ પ્રાદેશિક પ્રકારનાં છે તો ૮૦ પક્ષીઓ પર સદંતર નામશેષ થવાનો ભય ઝળૂંબે છે
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.