માણસના જીવનમાં સંબંધોનું સ્થાન ખૂબ જ વિશેષ છે. સંબંધોમાં રહેલી આત્મીયતા જીવનને હૂંફ આપે છે, એકલતામાં સાથ આપે છે અને મુશ્કેલીના સમયમાં જીવવાનો આધાર બને છે. પરંતુ ક્યારેક કોઈ વ્યક્તિ સાથેની આત્મીયતા એટલી ગાઢ બની જાય છે કે તેના બદલાયેલા વર્તન કે તેના વિયોગથી આપણે અંદરથી તૂટી જઈએ છીએ. એટલે જ કદાચ જીવનનો એક મહત્વનો પાઠ એ છે કે આત્મીયતા એટલી જ રાખવી, જેટલી વેદના સહન કરવાની આપણી ક્ષમતા હોય.

આ વાતનો અર્થ એવો નથી કે સંબંધોમાં લાગણી ઓછી રાખવી કે પ્રેમમાં કંજૂસાઈ કરવી. પ્રેમ તો હૃદયની સુંદરતમ લાગણી છે. પરંતુ પ્રેમ સાથે પોતાની અંદરની મજબૂતી જાળવવી પણ એટલી જ જરૂરી છે. કોઈ વ્યક્તિ આપણા જીવનનો ખૂબ મહત્વનો ભાગ બની શકે, પરંતુ આપણું આખું જીવન બની જાય ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. કારણ કે માણસ, સમય અને સંજોગો ક્યારે બદલાઈ જાય તે કહી શકાય નહીં. સંબંધમાં અપેક્ષા જેટલી વધારે હોય, તેટલી જ નિરાશાની શક્યતા પણ વધી જાય છે.

રામાયણમાં રાજા દશરથ અને ભગવાન શ્રીરામનો સંબંધ આ વાતને એક અલગ જ ઊંડાણ આપે છે. દશરથને રામ પ્રત્યે અપાર પ્રેમ અને આત્મીયતા હતી. જ્યારે કૈકેયીના વચનોને કારણે રામને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો, ત્યારે રામનો વિયોગ દશરથ માટે અસહ્ય બની ગયો. રામના વનમાં ગયા પછી તેઓ સતત રામને યાદ કરતા રહ્યા અને અંતે એ વિયોગની વેદના સહન ન કરી શક્યા. દશરથનો પ્રેમ નિઃસ્વાર્થ અને પવિત્ર હતો, પરંતુ રામથી વિયોગ તેમના માટે જીવન કરતાં પણ મોટું દુઃખ બની ગયો. આ પ્રસંગ આપણને વિચારવા મજબૂર કરે છે કે સંબંધોમાં પ્રેમને એટલો ઊંડો ભલે રાખો કે વિયોગમાં આંખો ભીની થાય, પરંતુ એટલો ઊંડો ના હોવો જોઈએ કે કોઈના વિયોગમાં આપણું આખું અસ્તિત્વ જ ખોવાઈ જાય.

આજના સમયમાં આ વાત વધુ પ્રાસંગિક છે. આપણે કોઈ મિત્ર, જીવનસાથી, સંતાન કે સગા સાથે એટલા જોડાઈ જઈએ છીએ કે તેની દરેક વાતને આપણા સુખ-દુઃખનું માપદંડ બનાવી દઈએ છીએ. સામેની વ્યક્તિ થોડી બદલાય, સમય ન આપે કે આપણી ઈચ્છા પ્રમાણે વર્તન ન કરે તો આપણને લાગે છે કે સંબંધ જ ખતમ થઈ ગયો. હકીકતમાં સંબંધો બદલાય છે, માણસોની પ્રાથમિકતાઓ બદલાય છે અને જીવનની પરિસ્થિતિઓ પણ બદલાય છે. તેથી સંબંધોને દિલથી જીવવા જોઈએ, પરંતુ પોતાની ખુશીનો સંપૂર્ણ આધાર કોઈ એક વ્યક્તિ પર ન રાખવો જોઈએ.

આખરે, સાચી આત્મીયતા એ નથી કે આપણે કોઈના વિના જીવી જ ન શકીએ; સાચી આત્મીયતા એ છે કે કોઈ આપણા જીવનમાં હોય ત્યારે આપણે તેને દિલથી ચાહીએ અને જ્યારે સંજોગો આપણને અલગ કરે ત્યારે પોતાની જાતને સંભાળી પણ શકીએ. સંબંધો હૃદયથી નિભાવીએ, પરંતુ આત્મસન્માન અને આંતરિક મજબૂતી સાથે. કારણ કે જીવનનો કોઈ સંબંધ આપણને એટલો નબળો ન બનાવી દે કે તેની ગેરહાજરીમાં આપણે પોતાને જ ગુમાવી બેસીએ.

રાજી રહેજો.

Share.

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

Comments are closed.

Exit mobile version