શનિવાર, પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 2025નું યુનિયન બજેટ સંસદમાં રજૂ કર્યું હતું. બજેટમાં સામાન્ય માણસો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વ્યવસાયો અને અન્ય ક્ષેત્રો માટે મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના મતે બજેટ સમાજના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. એમાં દેશ અને વ્યક્તિના આર્થિક વિકાસ, સામાજિક સુરક્ષા અને ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ રહી બજેટમાં કરવામાં આવેલી અમુક પ્રમુખ જાહેરાતોઃ
આવકવેરા સુધારાઃ આવકવેરા સ્લેબમાં સુધારા કરવામાં આવ્યા છે. એ મુજબ રૂ. પાંચ લાખ સુધીની આવક પર હવે કોઈ આવકવેરો લાગશે નહીં. સાથે, રૂ. પાંચ લાખથી રૂ. 10 લાખ રૂપિયા સુધીની આવક પર 10% વેરો લાગશે. રૂ. 10 લાખથી વધુની આવક પર 20% વેરો લાગશે. જોકે વિવિધ લાભને ધ્યાનમાં રાખીએ તો રૂ. 12 લાખ સુધીની આવક પર હવે આવકવેરો ભરવાનો નહીં રહે.
રોકાણ પર ફાયદાઃ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇક્વિટીમાં રોકાણ પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ (જેમ કે પોસ્ટ ઓફિસ સ્કીમ્સ) પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય વીમાની વાત કરીએ તો આયુષ્માન ભારત યોજનાનો વિસ્તાર હવે 10 કરોડ વધુ લોકોને આવરી લેશે.
ખેડૂતો માટે મુખ્ય જાહેરાતોઃ પીએમ-કિસાન યોજના અંતર્ગત હવે લાભાર્થી ખેડૂતોને વાર્ષિક રૂ. 6,000 સુધીની આર્થિક સહાય મળશે. આ લાભને રૂ. 8,000 સુધી વધારવાની યોજના પણ પ્રસ્તાવિત છે. ખેડૂતો માટેના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને રૂ. એક લાખ કરોડ સુધી વધારવામાં આવ્યું છે. ખેડૂતો માટેના આ ફંડનો ઉપયોગ ખેતીની સુવિધાઓ, વેરહાઉસિંગ અને શીતગૃહોના વિકાસ માટે થશે. સિવાય, ખેતી ઉપકરણો પર સબસિડીની વાત કરીએ તો એ માટે 50% સબ્સિડી આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે મુખ્ય જાહેરાતોઃ કેન્દ્ર સરકારના બજેટમાં આઈઆઈટી અને આઈઆઈએમમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. એ અનુસાર દેશમાં પાંચ નવી આઈઆઈટી અને આઈઆઈએમમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે વિશેષ ફંડ ફાળવવામાં આવશે. આ નવી શૈક્ષણિક સંસ્થાઓ 6,500 વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રદાન કરી શકશે. બજેટમાં એ સાથે નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સની પણ જાહેરાત કરવામાં આવીા હતી. દેશમાં પાંચ નવાં નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવામાં આવશે. એમાં વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું શિક્ષણ સુલભ થશે. વિદ્યાર્થીઓને શિક્ષણાર્થે અપાતી લોનના વ્યાજમાં એક ટકાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.
મહિલાઓ માટે મુખ્ય જાહેરાતોઃ મહિલા સશક્તિકરણ યોજના માટે કેન્દ્રીય અંદાજપત્રમાં રૂ. 10,000 કરોડની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો ઉપયોગ મહિલાઓને રોજગાર અને સ્વરોજગાર માટે તાલીમ આપવા માટે થશે. બીજી તરફ, માતૃત્વ લાભ યોજનાના લાભ હવે 12 સપ્તાહથી 26 સપ્તાહ સુધી ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સરકાર મહિલા સહકાર મંડળીઓને પ્રોત્સાહન પણ પૂરું પાડશે. એ માટે મંડળીઓને રૂ. 5,000 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે.
વ્યવસાયો માટે મુખ્ય જાહેરાતોઃ નાના ઉદ્યોગો કે એમએસએમઈ માટે સરકારે લોન ગેરન્ટી યોજના સંબંધે એક ઘોષણા કરી છે. એ અંતર્ગત આ લોન ગેરન્ટી યોજનાનો વ્યાપ રૂ બે લાખ કરોડ સુધી વધારવામાં આવ્યો છે.
જીએસટી સુધારાઃ જીએસટીના નિયમોમાં પણ સરળતા લાવવામાં આવી છે. એમાં ખાસ કરીને નાના ઉદ્યોગો માટે નિયમો હળવા કરવામાં આવ્યા છે.
સ્ટાર્ટઅપ્સ માટે ફંડિંગઃ નવા ઉદ્યોગોને પ્રોત્સાહનવ આપવા માટે સરકારે સ્ટાર્ટઅપ્સ સંબંધિત સ્કીમ જાહેર કરી છે. એ અંતર્ગત સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 1,000 કરોડની નવી ફંડિંગ યોજના શરૂ કરવામાં આવી છે.
અન્ય જાહેરાતોઃ ગિગ વર્કર્સ માટે સુરક્ષા યોજના જાહેર કરતાં નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આ વર્કર્સ માટે આઇડી કાર્ડ અને હેલ્થકેવર યોજના શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, ગ્રીન એનર્જી પર પણ ફોકસ આપવામનાં આવ્યું હતું. સૌર ઊર્જા અને વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ માટે રૂ. 20,000 કરોડની નવી યોજના શરૂ કરવામાં આવી છે. રેલવેની અને રસ્તાઓની માળખાકીય સુવિધાની વાત કરીએ તો એ માટે રૂ. પાંચ લાખ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે.