એક મહત્ત્વપૂર્ણ રાજકીય અપડેટમાં અતિશીને દિલ્હી વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ પદ સંભાળનાર પ્રથમ મહિલા બનીને તેઓ ઇતિહાસ રચશે. આમ આદમી પાર્ટી એટલે આપે એમની પસંદગીનો નિર્ણય ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પક્ષના બાવીસ વિધાનસભ્યોની હાજરીમાં લીધો હતો. પક્ષની બેઠકમાં અતિશીને સર્વાનુમતે વિરોધ પક્ષનાં નેતા બનાવાયાં હતાં.

દિલ્હીના રાજકારણમાં અતિશીનો ઉદય નોંધપાત્ર રહ્યો છે. સપ્ટેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી તેઓ દિલ્હીનાં મુખ્ય પ્રધાનપદે રહ્યાં હતાં. 43 વર્ષની ઉંમરે આ પદ સંભાળનાર તેઓ સૌથી યુવા નેતા બન્યાં હતાં. એ પહેલાં દિલ્હી સરકારમાં તેઓ પ્રધાન પણ હતાં. શિક્ષણ, જાહેર બાંધકામ વિભાગ, સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગોની જવાબદારી તેઓ હસ્તક હતી. દિલ્હીમાં શિક્ષણ સુધારાને આકાર આપવામાં તેમણે અગ્રણી યોગદાન આપ્યું હતું. આપના શાસનમાં પક્ષની એ એક અગત્યની સિદ્ધિ હતી.
દિલ્હીના રાજકીય ફલક પર તાજેતરનાં ચૂંટણી વિધાનસભા પરિણામો પછી ચિત્ર બદલાયું છે. ભારતીય જનતા પક્ષે 48 બેઠકો જીતીને એમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. એ સાથે, પક્ષનાં રેખા ગુપ્તા દિલ્હીનાં મુખ્ય પ્રધાનપદે આવ્યાં છે. યોગાનુયોગે, ઇતિહાસમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે દિલ્હીમાં મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષનાં નેતા એમ બેઉ સર્વોચ્ચ પદે મહિલા બિરાજતી હોય.
વિરોધ પક્ષનાં નેતા તરીકે અતિશી દિલ્હીમાં સત્તારૂઢ ભાજપ સરકાર સામે તંદુરસ્ત અને સકારાત્મક વલણ અપનાવતાં કાર્ય કરશે એવી ધારણા છે. ભાજપને એનાં ચૂંટણીનાં વચનોની પૂર્તિ કરાવવા પણ તેઓ પક્ષ વતી દબાણ કરશે એવી અપેક્ષા છે. વિરોધ પક્ષનાં નેતા તરીકે નિયુક્તિ થયા સાથે અતિશીએ જારી કરેલા પ્રથમ નિવેદનમાં પોતાના મિજાજનો અંદાજ આપી દીધો હતો. તેઓએ જણાવ્યું હતું, “અમે દિલ્હીના લોકો માટે અથાક પરિશ્રમ કરીને એ દર્શાવશું કે મજબૂત વિરોધ પક્ષ કેવો હોય છે.”

દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર અતિશીને અભિનંદન આપ્યા હતા. તેઓએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું, “હું અતિશીજીને વિધાનસભામાં આપનાં નેતા તરીકે ચૂંટાયા બદલ અભિનંદન આપું છું. દિલ્હીવાસીઓના હિતમાં આપ રચનાત્મક વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે.”
અતિશી નવી જવાબદારીઓ નિભાવવાનું શરૂ કરશે, ખાસ કરીને એવા રાજકીય વાતાવરણમાં જ્યાં આપ એક દાયકા પછી પ્રથમવાર વિરોધ પક્ષમાં છે, ત્યારે અતિશીની નેતૃત્વ ક્ષમતા પર સૌની નજર રહેશે. પોતાના અનુભવ અને નીતિલક્ષી ચર્ચાઓને આગળ ધપાવવાની ક્ષમતા સાથે અતિશી, શિક્ષણ, આરોગ્ય અને શાસન જેવા મુદ્દા પર ભાજપ સરકારને પડકારશે એવી શક્યતા છે.
વિરોધ પક્ષના સબળ નેતા તરીકે કાર્ય કરતાં અતિશી દિલ્હીમાં રાજકીય ગતિવિધિ રસપ્રદ અને નોંધપ્રદ રાખશે એવી સૌની ધારણા છે.


