એક મહત્ત્વના નિર્ણય હેઠળ ભારતીય સૈન્યએ કોલકાતાના તેના પૂર્વીય કમાન્ડના વડા મથક ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજય દુર્ગ કર્યું છે. આ પગલું ભારતમાં અંગ્રેજો અને વિદેશીઓના યુગના વારસાને ભૂંસવા અને સ્વદેશી વારસાને સન્માન આપવાના પ્રયાસનો ભાગ છે.
સન 1781માં બ્રિટિશોએ બાંધેલો કિલ્લો, ફોર્ટ વિલિયમ સદીઓથી સૈન્ય માટે મહત્ત્વપૂર્ણ સ્થળ રહ્યો છે. કિલ્લાને એનું નામ ઇંગ્લેન્ડના રાજા વિલિયમ ત્રીજા પરથી મળ્યું હતું. ભારત પર બ્રિટિશ પ્રભુત્વનું એ પ્રતિબિંબ હતું. હવે આ નામ બદલાવા સાથે, ભારતીય સેનાએ એક મજબૂત રાષ્ટ્રીય ઓળખ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.
ફોર્ટ વિલિયમનું નવા નામ વિજય દુર્ગનો અર્થ વિજયનો કિલ્લો થાય છે. ભારતની સૈન્ય શક્તિ અને વિજયનું એ પ્રતીક છે. ભારતીય સંસ્કૃતિ અને સ્વતંત્રતાને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરતાં આપણાં ઐતિહાસિક સ્થળો અને નામોને ફરી પ્રસ્થાપિત કરવાની વ્યાપક રાષ્ટ્રીય ચળવળ સાથે આ પગલું સુસંગત છે.
એક તરફ નિર્ણયનું સ્વાગત થયું છે. એ લોકો તરફથી જેઓ દેશમાંથી અંગ્રેજોના શાસનની નિશાનીઓ દૂર કરવાની તરફેણમાં છે. બીજી તરફ, જેઓ આવા નામ બદલીકરણથી ખુશ નથી તેઓના મતે ફોર્ટ વિલિયમની ઐતિહાસિક મહત્તા આ પગલું બહુ સરાહનીય નથી. તેઓના મતે ફોર્ટ વિલિયમનો ભારતીય સૈન્યના ઇતિહાસ સાથે પ્રગાઢ સંબંધ છે. એટલે, બની શકે છે કે સત્તાવાર ધોરણે નામ બદલાવા છતાં આ કિલ્લાને આવતા ઘણા લાંબા સમય સુધી લોકો ફોર્ટ વિલિયમ તરીકે સંબોધતા રહે એવી શક્યતા છે.
સેનાના એક વરિષ્ઠ અધિકારીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે હતું વિજય દુર્ગ નામ સત્તાવાર રીતે દસ્તાવેજોમાં ઉપયોગમાં લેવાશે, પણ વાતચીત અનૌપચારિક વ્યવહારમાંથી જૂના નામને નીકળવામાં સમય લાગી શકે છે.
ફોર્ટ વિલિયમ માત્ર એક સૈન્ય બેઝ નથી. ભારતના ઇતિહાસની અઅમુક અગત્યની પળોનો સાક્ષી એ કિલ્લો સાક્ષી રહ્યો છે. એક સમયના પ્રખર શક્તિશાળી બ્રિટિશ શાસનના ગઢ સ્વરૂપે અને ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડના મુખ્યાલય તરીકે ફોર્ટ વિલિયમે ઉપખંડમાં સૈન્યની વ્યૂહરચનાના મામલે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
બ્રિટિશકાળમાં એ કિલ્લો શાસન અને સુરક્ષાનું આવશ્યક કેન્દ્ર હતું. સ્વતંત્રતા પછી પણ ફોર્ટ વિલિયમ ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથેની સરહદોની દેખરેખ રાખતા પૂર્વીય પ્રદેશમાં ભારતનાં સુરક્ષાકાર્યો માટે કમાન્ડ સેન્ટર તરીકે અવિરત સેવા આપતું રહ્યું છે.
વસાહતી યુગના સ્થળોનું નામ બદલવાની પ્રવૃત્તિ
ફોર્ટ વિલિયમનું નામ બદલવાનો ક્રમ ભારતની અસલ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને પુનઃ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિનો ભાગ છે. તાજેતરના વરસોમાં ભારતીયતાને પ્રતિબિંબિત કરવા બ્રિટિશ યુગનાં અનેક નામ બદલવામાં આવ્યા છે:
- દિલ્હીમાં રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવામાં આવ્યું.
- દિલ્હીમાં ઔરંગઝેબ રોડનું નામ બદલીને ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યું.
- અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું.
કેન્દ્ર સરકાર અને સશસ્ત્ર દળો ભારતના ભૂતકાળ અને ભવિષ્યની આકાંક્ષાઓ સાથે સુસંગત નામો સાથે વસાહતી પ્રતીકોને બદલવા માટે સક્રિય રીતે કાર્યરત છે.
એકંદરે, ફોર્ટ વિલિયમનું નામ વિજય દુર્ગ કરવાનું પગલું વસાહતી અંગ્રેજોના કાળના પ્રભાવને દૂર કરવાની દિશામાં પગલું છે. છતાં, કિલ્લાની ઐતિહાસિક મહત્તા નકારી શકાય નહીં.
જોવાનું એ રહેશે કે નવું નામ સત્તાવાર થયું છે ત્યારે એને કેવીક સ્વીકૃતિ મળે છે અને ક્યાં ક્યાં મળે છે.