1
”કેમ છો?”
‘બસ, બેઠા છીએ.” ઘણાં પરિપકવ માણસો, ખાસ તો વેપારીઓ કોઈકને મળે અને કેમ છો જેવા પ્રશ્નનો સામનો કરે ત્યારે શાંતિપૂર્વક જવાબ આપે, ”બસ બેઠા છીએ.” નવાઈની વાત છે કે અનુભવે ઘડાનારા, લાખો-કરોડોથી ઉથલપાથલ કરનારા ભલા કેવી રીતે અમસ્તા બેસી શકે? થોભો થોભો આવું જ્યારે વિચક્ષણ અને બુદ્ધિશાળી માણસ કહે ત્યારે એનો ભાવાર્થ સમજવો પડે, શબ્દો પાછળ ન દોડાય. બેઠા છીએ એનો જૂજ માણસોના સંદર્ભમાં અર્થ થાય છે કે રોજ નવું કંઈક શીખીએ છીએ. ઉત્તેજના, ઉતાવળ અને હાયવોયથી પર એવા ડાહ્યા લોકો જ્યારે હળવાશભરી રીતે બેઠા છીએ એમ કહે ત્યારે માની લેવાનું કે એમની નવરાશમાં પણ કોઈક ગજબની તાકાત છે. નવરણ માત્ર બે પ્રકારના માણસ માણી શકે, એમ જેમને સમયની કદર નથી અને બે જેને સમયની સાથે સંયમથી ચાલવું કોઠે પડી ગયું છે. સમજદાર જણ તો રણ અને રળિયાત બેઉમાં એકસરખી સ્વસ્થતા સાથે આગળ વધે. આજના દિવસે આ એક નિયમન અપનાવવા વિશે વિચારવા જેવું છે. ખોટેખોટી હોહા કરવાને બદલે જ્યારે જરૂર પડે ત્યારે પૂરી તાકાતથી કશુંક સિદ્ધ કરવા રાહ જોવી એ બહેતર છે. માણસ અને વાદળ બેઉ ત્યારે જ વરસી શકે જ્યારે તેઓ ટીપેટીપે વરસવાની તૈયારી કરતા રહે. આછકલા અને અધૂરા વરસી પડવામાં તો માવઠા જેવી નિષ્ફળતા મળે અને નુકસાન જ થાય. તમારે શાંતિથી બેઠા છીએ એવું બોલવા શું કરવું રહ્યું એ નક્કી કરી લેશો?
2
કાંટો પે ચલ કે મિલેંગે સાથે બહાર કે
ફિલ્મી ગીતો ઘણીવાર જિંદગીના મર્મને સરળતા છતાં સચોટતા સાથે શીખવી શકે છે. એટલા માટે જ ગીતો કાયમ લોકમાનસમાં જીવતા રહે છે. રૂક જાના નહીં તું કહીં હાર કે જેવી પ્રથમ પંક્તિ ધરાવતું ગીત પણ એમાં અપવાદ નથી. સાદી પણ સાચી વાત છે આ. અટકી જાય એ માણસ ભલા કેવી રીતે માણસ કહેવાય? જિંદગીમાં સફળતા અને નિષ્ફળતા તો કોણ અટકાવી શક્યું છે? ગુલાબનો છોડ વાવો ત્યારે એની સાથે ઊગી જતાં કાંટાને કોણ ટાળી શક્યું છે? આપણો ધર્મ પોતાનાથી શરૂ કરી જ્યાં જઈ શકાય ત્યાં જવાનો છે. આજનો નિર્ણય એ ગઈકાલના અનુભવ અને આવતીકાલની આશાના નિચોડ જેવો હોય છે. પરીની રોચક વાર્તા જેવું જ જીવનનું છે. આપણી સાથે બનતી ઘટનાઓને આપણે નિર્લેપ ભાવે જોઈ શકીએ તો કેટકેટલી નકામી પીડાઓ આવતા પહેલાં જ અટકી જાય છે. એના માટે જરૂરી છે સતત ચાલતા રહેવં. રૂક જાના નહીં એ નિયમને જીવન બનાવી લો તો કાંટા ગમે તેટલા આવશે તો પણ ક્યારેક વસંત માણવા મળશે. જિંદગીના દરિયામાં વહાણ લઈને ઊતરી પડયા પછી કિનારે કિનારે પહોંચવા માટે સફર ખેડતા રહેવું જ પડે છે. મધદરિયે અટવાઈ જાવ તો કેમ થવાનું? આજનો દિવસ આ વિચારને દૃઢ નિર્ધાર બનાવી લેવાનો દિવસ બનાવી દો. હશે, જે સહન કરવાનું હતું એ કરી લીધું પણ જીવનનું વહન બોજ બનાવવું નથી એ પાકું રાખો. એના પછી આફત આવશે તો પણ આવડત અને અક્કલ થકી ઉપાય તો મળી જ રહશે. એવું ન થવાની શક્યતા નથી જ કારણ કે તમે શક્યતાની સુગંધને કાયમ માટે પોતીકી કરી લીધી છે.
3
માણસે એના સંસ્કાર-સંસ્કૃતિ ક્યારેય ભૂલવા ન જોઈએ. સમયની સાથે જો કે આ બેઉ બાબતોમાં સતત પરિવર્તન આવતું હેવા છતાં સંસ્કાર અને સંસ્કૃતિની મહત્તા કાળક્રમે પણ લેશમાત્ર ઓછી થઈ નથી. સોએસો ટકા વાત છે કે સતયુગના સિદ્ધાંતને વળગીને કળિયુગનો માણસ બિલકુલ જીવનનિર્વાહ ન કરી શકે. છતાં જો સંસ્કાર અને સંસ્કૃતિ સર્વોપરી હોય તો એની પાછળની અદ્ભુત વાત કઈ હશે? વિચારતા જેવો મુદ્દો છે. સંસ્કાર અને સંસ્કૃતિની ચિરસ્મરણીય અને અફર ઉપયોગિતાનું હવા કે પાણી જેવું છે. પ્રદૂષણ વિનાની હવા સતયુગમાં પૃથ્વી પર કદાચ હશે પણ આજની વાત અલગ છે. એ જમાનામાં પાણી માટે લોકો નદી કે ઝરણા પર આધાર રાખતા પણ આજે માણસે બંધ બાધવા પડે છે. પરિવર્તન ગમે તે આવ્યું તો પણ હવા અને પાણી વિના માણસને ચાલ્યું જ નથી. સંસ્કાર એટલે પ્રદૂષિત થઈ ગયેલી હવા હોય અને પરાણે સંઘરવું પડતું પાણી હોય તો પણ આપણે એને એ રીતે જીવનમાં વણવાના જેથી માનસિક, શારીરિક અને સામાજિક બદીઓથી આપણું સમગ્ર અસ્તિત્વ પર રહે. જીવનને સુદઢ, સંયમી અને સારું બનાવવા માટે આટલું તો કર્યે જ છૂટકો. જ્યાંતી સારી વાત શીખવા મળે. જે ખરાબ કાર્ય કરીને જીવન ચલિત થાય અને જે હરકતોથી આયુષ્ય ઓછપભર્ય઼ું લાગે એ બધા સામે લાલબત્તી ધરવાનું કાર્ય આપણા સંસ્કાર-સંસ્કૃતિ કરે છે. જેનામાં જીવન વિશેની સચોટ સમજણ હોય એ જમાનાની ખરાબીનો વાંક કાઢે નહીં અને પોતાની ભૂલોને વાજબી ઠરાવે નહીં. તમારે કેવુંક વર્તવું છે એનો તમને ખ્યાલ આવી ગયો?
4
માણસનો પડકારથી છુટકારો થવો લગભગ અશક્ય છે. ઈશ્વર પોતે અલ્લાહ, રામ, જિસસ ક્રાઈસ્ટરૂપે માનવદેહ ધારણ કરે ત્યારે જો એની સામે પણ પડકારના પર્વત ખડકાઈ જતા હોય તો પછી સામાન્ય માણસની પડકારથી બચવાની ત્રેવડ કેટલી? ઘણા જણા અતિશ્રીમંત માણસોને જોઈને વિચારતા હોય છે કે એમનું જીવન કેટલું સારું હશે. શ્રીમંતો પડકારનો સામનો ન કરતા હોય તો રોજેરોજ જાહેર થતાં કૌભાંડ કે આક્ષેપ કે નામના અને બદનામીના કિસ્સા ક્યાંથી આવત? પડકાર માત્ર બે બાબતમાંતી જન્મે છે. એક છે મહત્ત્વકાંક્ષા અને બીજી છે જરૂરીયાત. મેળવ્યું હોય એનાથી વિશેષ મેળવવા ઘાંઘા થઈને છટપટિયા કરતા માણસો મહત્ત્વાકાંક્ષા સામે ઘૂંટણિયાં ટેકવી હેરાન થાય અને જરૂર કરતાં ઓછું પ્રાપ્ત હોવાથી સંઘર્ષ કરતા માણસ બે છેડા ભેગા કરવાની હાયવોયને લીધે તાણમાં જીવે. સહન કરવાના નિત્યક્રમ સાથે પણ જો કે સંતુષ્ટ રહી શકાય છે. એના માટે આત્મશક્તિ ખીલવવી પડે. જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી દોડધામ કર્યા પછી જંપ મળે ત્યારે શાંતિ અનુભવવી એ ખરી જિંદગી છે. કોઈક ટુર્નામેન્ટ જોવા જઈએ, રમતમાં કશી ગતાગમ ના પડે અને હારજીતથી આપણને ઝાઝો ફરક ના પડે એવી માનસિકતા સાથે પોતાના પડકાર અને એની તુલનામાં થતી પ્રાપ્તિ વચ્ચેની રમત જોવાની ખેલદિલી આપણામાં હોવી જોઈએ. લડત આપવાની છે ત્યાં નિઃશંકપણે આપવી. પણ જ્યાં પરિણામ આવ્યું જ હોય ત્યાં નિરાશ થયા વિના આગળનું વિચારવું. એ સફળતા ક્યારેક તો મળશે જ એવો ઉત્સાહ જીવી જવાની ગુરુચાવી છે. આજના દિવસથી આ ઉત્સાહ સાથે પડકાર સાથે મિત્રતા કરી લો. બાકીની બધી બાબતોને પછી એટલું જ કહેવાનું રહશે, `દેખા જાયેગા.’
5
જીવનમાં માણસ જે કંઈ પણ કરે છે એ બધું શાનાં માટે કરે છે? પેટ માટે, સ્વાભાવિક છે. છતાં ભોજનનો પૂરતો ન્યાય આપવાની વાત વારંવાર માણસ ભૂલતો રહે છે. વિશ્વના કોઈ સજીવનમાં નથી એવી આ એક વિચિત્ર લાક્ષણિકતા માણસમાં છે. માણસ પાસે મન છે એટલે ગરબડ છે. વિચારતા તો કદાચ દરેક જીવ હશે પણ જવા દો, અત્યારે નહીં ખાઉં તો ચાલી જશે, એવો મૂર્ખ વિચાર કોઈ નહીં કરતું હોય માણસ સિવાય. ચાલો, ત્યાં સુધી ઠીક છે કે વ્યસ્તતાને નામે ક્યારેક ભોજન ન લો તે સમજ્યા. પણ જ્યારે ખાવા બેસી જ ગયા હોય ત્યારે પણ માણસ કેટકેટલાં વિચિત્ર કામ કરે છે. સાત્ત્વિક ભોજન આજના જમાનામાં બિનજરૂરી ચીજ બની ગઈ છે. જીભ અને જીવ બેમાંથી એકની પસંદગી કરવામાં માણસ સિવાય કોઈએ જીભને પ્રાધાન્ય આપ્યું નથી. રાંધેલું ખાવાના મામલે પણ આપણે કેવા થઈ ગયા છીએ. સીધેસીધું બેઠક જમાવીને બદલે, ફેશન અથવા સગવડના નામે બુફે નામની અળવીતરતી ભોજન વ્યવસ્થા તો માણસ સિવાય કોઈ ન કરે. શરીર જો સૌથી મોટી તાકાત અને સ્વાસ્થ્ય જો સૌથી મોટી સંપત્તિ હોય તો ભોજનના મામલે કેટલી સત્તકર્તા રાખવી જોઈએ? બિલકુલ કંઈક એટલી જેટલી અબૂધ બાળક એનું મગજ નિર્ણય ન લેતું થયું હોય ત્યારે ભોજન મોટ રાડારોળ કરી મૂકી એટલી. આજનો દિવસ સ્વાસ્થ્યનો દિવસ બનાવી દો. ભોજન એટલે ભવ સુધારવાનું. પહેલું કામ એ વાતને વળગી રહો. સારું ખાવ, પ્રમાણસર અને સમયસર ખાવ. તમારી કેટલીયે તકલીફ એ સાથુ અદૃશ્ય થઈ જશે.
6
બહુ કામ છે મને. ઈચ્છા તો મને પણ થાય છે કે ક્યાંક ફરવા જઈએ પણ… જિંદગીમાં દરેક સાચી ખુશીની આડે આવીને ઊભો રહી જતો પર્વત એટલે પણ નામનો પર્વત. માણસના મોઢેથી છટકબારી અને પોતાના પાંગળા બચાવનું જે સૌથી મોટું શસ્ત્ર છૂટે છે એ એટલે પણ. દરેક જણ એટલે પણનો દુરુપયોગ કરતા જણ. ક્યાંક વ્યસ્તતાના નામે નિરાંત અદ્રશ્ય કરી દેતો પણ, ક્યાંક ઘણું સિદ્ધ કરવાને સમર્થ માણસની ખોટી લાચારીને વાજબી ઠરાવતો પણ, ક્યાંક હસતા અટકાવતો પણ તો ક્ય્કાં નર્યા આંસુ સરાવી દેતો પણ. એડજેસ્ટમેન કરવાની આવડત, સગવડ અને ઈચ્છાને વારંવાર દાબી દેવાનું જો બંધ કરી દઈએ તો કોઈ મોટી સિદ્ધિ મેળવીએ કે ન મેળવીએ, રોજેરોજના જીવવનમાં નાનીનાની ખુશીનાં ચમકતાં મોતી અપાર મળી શકે. પરિવાર સાથે રાતના આંટો મારવા જવાની ખુશી આડે પણ આવતો ન જોઈએ. થોડો સમય કાઢીને સાત્ત્વિક વાચન કરવાની ક્રિયા આડે થાક કે કંટાળાનો પણ ન આવવો જોઈએ. આપણે બધા રૂપિયા પાછળ દોડતાં ડરબી રેસના અશ્વ નથી પણ ખુશી માટે તરસતા હંસલા છીએ. ખુશી મેળવવા માટે પોતે જ પોતાને સાચી રીતે જીવતા શીખવી શકાય છે. આજના દિવસથી આ એક વાતને યાદ રાખો. પણથી બચો અને અકારણ ઓછપનો સામનો કરવાનું ટાળો. કાર્યનિષ્ઠા, પરિવારપ્રેમ, સુખ અને સંતોષ બધાને પામવા માટે તમારે પણને ગુડ બાય કહી જ દેવાનું. તત્કાળ.
7
મારી આંખમાંથી કોઈ વાર આંસુ નીકળ્યાં હશે તો તે કેવળ નબળાઈને લીધે, અનિચ્છાએ
– ગાંધીજી
વિશ્વવ્યાપી વ્યક્તિત્વ બનનારી વ્યક્તિએ પણ નબળાઈનો સાવ નિકટનો અનુભવ કર્યો જ હોય છે. છેવટે તો એ પણ માણસ જ. અને આવી નબળાઈની નિખાલસ કબૂલાત બીજા કોઈ કરે, કે ન કરે પણ ગાંધીજી કરી શકતા. આપણામાં આપણી નબળાઈ તો ઠીક, આપણા સામર્થ્યનો પણ સાચો સ્વીકાર કરવાની ઘણી વાર ત્રેવડ નથી હોતી, કારણ એટલું જ કે પોતાની લાક્ષણિકતાઓની કબૂલાત ત્યારે જ થઈ શકે જ્યારે વ્યક્તિ પોતે એ વિશે જાણતી હોય. શ્રેષ્ઠ જીવન પામવા માટે જાતનો સાચો તાગ મેળવવૌ સૌથી મોટો પડકાર છે. સાધન મળે, સંપત્તિ મળે કે સન્માન મળે તોય જિંદગી ત્યાં સુધી સંપૂર્ણ થતી નથી જ્યાં સુધી પોતાને બરાબર ઓળખી ન શકીએ. એટલું યાદ રાખજો કે પોતાને ઓળખનારથી વારંવાર ભૂલ ન થાય એ જીવનને જેમ તેમ જીવી પણ ન લેવાય. આજના દિવસથી એટલી કોશિશ કરજો કે તમે તમારી શક્તિ, નબળાઈ સહિત બધી જ બાબતો વિશે પૂરી જાણકારી મેળવી શકો અને વિશ્વાસપૂર્વક વાત કરી શકો. જેટલી વધુ પોતાના વિશેની જાણકારી હશે, એટલી સારી રીતે વિશ્વનો સામનો કરી શકશો. બીજી કોઈ જાણકારી મેળવી ન શકાય તો વાંધો નહીં, આજથી આત્મખોજના જ્ઞાનને સંપૂર્ણપણે પામવાનો નિર્ધાર કરી લો.
8
માણસમાં મોટી સિદ્ધિ મેળવવાનો ગુણ કુદરતી રીતે જ ઈશ્વરે મૂક્યાં હોય છે. નસીબની યારી મેળવીને સફળતાનાં શિખર સર કરવા માટે આ ગુણ પારખવા અનિવાર્ય ગણાય. બાળપણની સહજતા, યૌવનની ક્ષમતા અને જૈફ ઉંમરનું ઠરેલપણું એ ત્રણેય બાબતોનો સંગમ જીવનમાં જેટલી ઝડપથી અને જેટલી સારી રીતે માણસ કરી શકે એટલી સારી રીતે એ સમૃદ્ધિ પામી શકે. કોઈક એવુંય વિચારશે કે ઘરડા થયા વિના એ ઉંમરનું ઠરેલપણું ક્યાંથી મેળવવું. એ લોકોએ આત્મમંથન કરીને પોતાને સહજ સવાલ પૂછવો જોઈએ કે બાળપણ માણ્યા પછી પોતાનામાંની એ વખતની મુગ્ધતા ક્યાં ખોવાઈ ગઈ. આપણી અંદર જ ગંગા, જમના અને સરસ્વતી ખળખળ વહ્યા કરે છે. આપણે એની મહત્તા સમજીએ નહીં તો વાંક કોનો? કપરી પળમાં ત્વરિત જે નિર્ણયશક્તિ આપણને સહાય કરે છે. એ બીજું કંઈ નથી, પણ આંતરિક ઠરેલપણું જ છે. એનો સતત વિકાસ કરવા માટે સાવચેત અને સર્તક રહેવું પડે. મુગ્ધતાનો લાભ એ છે કે માણસને કોઈક સ્થિતિ પાછળ ઢસડાતા અટકાવી સાચા મનથી નિર્ણય લેતો કરી દે. બાળકને ભૂખ હોવા છતાં એની હા વિના કોઈ ખવડાવી શકતું નથી. એ મુગ્ધતા છે નિર્દોષતા છે. ધારો એવી સફળતા મેળવવા આ ગુણોને સતત જીવવાની આદત પાડો. વિચારીને કરો છતાં ઠીક છે. ચલાવી લઈશ એવું વિચારીને કશું જ ન કરતા. જેટલી વધુ સ્પષ્ટતા કેળવી શકશો એટલા વધારે તમે સુખી થશો.
9
એક બાળક તોફાન કરી રહ્યું હતું. એમાં ને એમાં તેના હાથે એક મોંઘી જણસ તૂટી ગઈ. તરત જ મા એ દીકરાને મારવા લાગી. થોડા દિવસ પછી એ જ બાળક કાગળ લઈને શાંતિથી બેસીને તેના પર ચિત્રકામ કરી રહ્યું હતું. પોતાની પ્રવૃત્તિમાં એ ગળાડૂબ મસ્ત હતું. આ વખતે મા દીકરાને જોઈને સંતોષનું સ્મિત ફરકાવી રહી હતી. બાળક પણ એને મા પણ એ જ. સ્થિતિમાત્ર જુદી. સાચાં-ખોટાં વચ્ચેનો ફરક કંઈક આવી જ રીતે બાળપણથી દરેક માણસ શીખે છે. સંસ્કાર એટલે આપણને ખોટા કામથી દૂર રાખતી શક્તિ. બાળપણમાં માણસમાત્રને સાચાં ખોટાંની સમજણ, સલાહ, શીખામણ, શિક્ષા અથવા ઠપકાથી પડી શકે છે. ખોટું કરતા બાળકને એના વાલી એકવાર કોઈક રીતે વારી શકે. મોટા થયા પછી માણસની મતિ સાથે એનો મિજાજ બદલાઈ જાય છે. સાચાં-ખોટાંની સમજણ પુખ્ત બન્યા પછી માણસ વધુ સારી રીતે કરી શકે છે. કઠણાઈ એટલી જ હોય છે કે નાનપણમાં સાચાં તરક વળવાની સમજણ ક્યાંકથી મળી રહેતી. સૌ એનું અનુસરણ કરી શિખતાં જતાં અને મોટાં થતાં જતાં. પુખ્ત બન્યા પછી માણસ વધુ જાણવા છતાં જાતે જ ખોટું કરે, જાતે જ પોતાની સમજણના સાદને અવગણે પછી એની ભૂલો અટકે કેવી રીતે? સમજણ હોવી અને એનો અમલ કરવો એ બેમાં ફરક છે. જે માણસ પૂરી સમજણ આવ્યા પછી પણ બાળક જેટલી સહજતાથી સાચાનો સાથીદાર થઈ શકે એનું જીવન આપોઆપ જ સારું રહે. અને જે માણસ ચાલે હવે, એવું કરીને પોતાના સ્વાર્થ ખાતર ખોટું કર્યે જાય એનો બેડો કરે તો કોણ પાર કરે? આજથી તમે પોતે બાળક અને પોતે જ વાલી. પોતાનૈ એટલું તો કહેશો ને કે સાચું શું અને ખોટું શું?
10
લગ્નની જાન ચાલી રહી હતી. બેન્ડબાજાંવાગી રહ્યા હતા અને જાનૈયાઓ ઝૂમી રહ્યાં હતા. જાનની પાછળ મોંઘી કારમાં વરરાજા બિરાજમાન હતા અને સાથે સાથે પરિવારના મોભીઓની કારનો રસાલો ચાલ્યો આવતો હતો. એવામાં એક કારની ખુલ્લી બારી પાસે એક બાળક ભિક્ષા માગવો પહોંચી ગયો. સારા પ્રસંગમાં જતું વરરાજાનું સગું કંઈક તો આપશે જ એવી લાગણી સાથે, પણ પલકવારમાં જ પેલા સગાનો પિત્તો ગયો. ભિખારીને જોતાં ખુશીના અવસરમાં પણ એમનો ચહેરો લાલઘુમ થયો અને બાળકનો હાથી ઝાલી એમણે જોરથી એને હડસેલી દીધું. `ચલ હટ… બાકી નીચે ઉતર કે બહોત મારુંગા તુંઝે.’ હતપ્રભ બાળક ચાલી ગયું પણ એની પાછળ રહી ગયો એક પ્રશ્ન, ખુશીના પ્રસંગે ઘડીકવારની પરીક્ષા કે કશીક અનપેક્ષિત વાત બને ત્યારે ખુશી ભુલી જઈ ગુસ્સો કરવો કે અમાનવીય વર્તન કરવું કેટલું વાજબી ગણાય? હજારો રૂપિયાના ફટાકડા જે જાનમાં ફૂટી રહ્યાં હોય ત્યાં રૂપિયાની ભિક્ષા માગવા આવનાર અબુધ બાળક સાથે રુક્ષ વર્તાવ કઈ રીતે થાય? સારા પ્રસંગે પણ આછકલા લોકો ચહેરા પર માત્ર નકલી ખુશી અને સ્મિત પહેરીને મહાલતા હોય એનો આ સચોટ દાખલો. આપણે આવા કરનારા નથી બનવું એ પાકું. આપણે બનવાનું છે સદવ્યવહારનું આચરણ કરનાર માણસ. વર્તન જેટલું સૌજન્યશીલ, એટલું જીવન સારું. આજથી આ વાતને અપનાવી લો. જ્યારે વર્તો ત્યારે સારું વર્તો કારણ કે તમારા સદવર્તનનો સૌથી પહેલો લાભ માત્ર તમને જ થશે.