
દરેક કામ કરવાની એક રીત હોય છે. દરેક રીત ગમે તેટલી સહેલી લાગે તો પણ અઘરી હોય છે. અઘરી શા માટે? કારણ કે રોટલી બનાવવાની રીત દરેક ઘરમાં ભલે કદાચ એકસરખી હોય, એ કેટલી ઝડપભેર અને કેટલી સારી બનશે એનો આધાર રોટલી રાંધનારી ગૃહિણી પર હોય છે. સમજવા જેવી વાત છે. આવડત એ માણસનું વ્યક્તિગત વિશ્વ છે. કામના પરિણામનો સંપૂર્ણ મદાર એટલે વ્યક્તિના પોતાના અભિગમ પર હોય છે. માણસને કોઈક કામ આવડી જેવું એ એક સહજ પ્રક્રિયા છે, પણ એ કામની એની નિપુણતા એના પોતાના મિજાજ, પ્રકાર અને એની કાર્યપદ્ધતિ પર અવલંબન રાખે છે. જરા વિચારવા જેવું છે આ મુદ્દે. આપણે સૌ જે પણ કંઈ કરવા હોઈએ એમાં શ્રેષ્ઠતાના શિખરને આંબવાની મહેચ્છા રાખતા હોઈએ છીએ. શ્રેષ્ઠતા મેળવવા માટે કામ આવડવાથી વધુ જરૂરી એ હોય છે કે માણસ એને પાર કેવી રીતે પાડે છે. આજના દિવસનો સદુપયોગ કરવા માટેનો એક મંત્ર મનમાં નોંધી લો. પોતાની આવડતનો અર્થ કામ આવડવા જેટલો સામાન્ય ન કરો. એને બદલે પોતે જ કામ કરતા હોવ અને પાકું વિશ્લેષણ કરીને એ સમજવાની સતત કોશિશ કરો કે કેવી રીતે પોતાનાથી એ કામ સરેરાશ, સારું અથળા તો શ્રેષ્ઠ થઈ શકે છે. એક વાર જો આવડતને ભૂલી જઈ ક્ષતિઓ દૂર કરવા તરફ વળી ગયા તો અભિમાન અદૃશ્ય થઈ જશે, જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને જીવનમાં ઉત્તરોત્તર સુધારો થશે. જે વ્યક્તિ પોતાની જ ક્ષમતાને સુધારવા તરફ સતત સજાગ રહે છે એ વ્યક્તિને ક્યારેય કોઈ કાર્ય કરવામાં તકલીફ નથી આવતી અને કામ સારી રીતે પાર પડશે એ પણ નક્કી.


