ભારતીય વિદેશપ્રધાન અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સોમવાર 20 જાન્યુઆરીના રોજ આ શપથવિધિ સમારોહ થશે. 

અમેરિકન ઇતિહાસમાં પહેલીવાર કોઈ અમેરિકન પ્રમુખના શપથવિધિ સમારંભમાં વિદેશી નેતાઓને હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જે ચુનંદા દેશોને એ માટે આમંત્રણ મોકલાવાયાં છે એમાંનો એક ભારત છે. વિશ્વમાં ભારતના વધતા મહત્ત્વ ઉપરાંત, ભારત અને અમેરિકાના સંબંધોનું મહત્ત્વ પણ આ આમંત્રણથી ફલિત થાય છે. 

ચીનના પ્રમુખ શી જિનપિંગ, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ અને એલ સેલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે પણ આમંત્રિતોમાં સામેલ છે. તેઓ અથવા તેમના પ્રતિનિધિ ડોનાલ્ડ ટ્ર્મ્પના પ્રમુખપદે બિરાજવાના બીજા તબક્કામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.  

ડૉ. જયશંકર એમની અમેરિકાની મુલાકાતમાં અન્ય અગત્યની મીટિંગ્સ યોજે એવી શક્યતા પણ છે. એનો ઉદ્દેશ ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. 

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સશક્ત ભાગીદારી છે. આર્થિક સહકાર, સુરક્ષા અને લોકશાહીનાં મૂલ્યો બાબતે બેઉ દેશ વચ્ચે સારું સામંજસ્ય પ્રવર્તે છે. 78 વરસના ડોનાલ્ડ ટ્રમ્પ આ પહેલાં 2017થી 2021 વચ્ચે અમેરિકન પ્રમુખ રહી ચૂક્યા છે.

Leave A Reply

Exit mobile version