ગણપતિ બાપ્પા મોરયા બોલવામાં પણ ખરેખર અદ્ભુત લાગણી થાય છે. દુંદાળાદેવની પ્રતિમા સુખકર્તા અને દુઃખકર્તા તરીકે જાણીતી છે. આવા દેવની એક આગવી ઓળખ ટિટવાલામાં છે. ટિટવાલાના મહાગણપતિનું એક નામ વિવાહવિનાયક છે એ જાણો છો? વિવાહવિનાયક શા માટે? પ્રાચીન માન્યતા અને આજની અફર શ્રદ્ધા એવા મતની છે કે લગ્નોત્સુક યુવક કે યુવતીએ મનગમતા પાત્ર સાથે લગ્ન કરવાની ઇચ્છા ટિટવાલા ગણપતિ સામે વ્યક્ત કરી, સાચી શ્રદ્ધા સાથે કરી, તો એની ઇચ્છા પૂરી થાય છે.
ગણેશોત્સવ દર વરસે ધામધૂમથી ઊજવાઈ છે. ટિટવાલા ગણેશનાં દર્શને પણ હજારો ભાવિકો શ્રદ્ઘા સાથે શીશ નમાવવા પહોંચે છે. કલ્યાણથી નજીક છે ટિટવાલા સ્ટેશન. મુંબઈથી મંદિરનું અંતર છે આશરે પંચોતેર કિલોમીટર. કસારા, ખોપોલી, આસનગાંવ કે ટિટવાલા, ઉત્તર ભારત તરફ રવાના થતી મુંબઈની કોઈ પણ લોકલ ટ્રેન ટિટવાલા જવા માટે પકડી શકાય. સ્ટેશને ઊતરો પછી પૂર્વમાં બહાર શેરે રિક્શા મળી જાય. મિત્રમંડળી કે પરિવાર સાથે દર્શને જતા ઘણા લોકો જોકે પગપાળાય મંદિરે જતા હોય છે. પોણાથી એક કલાકનો સમય તેમાં લાગે, પણ દર્શન કરવા જતા જાત્રા કરવા જતા હોઈએ તેવો ભાવ પણ એનાથી જાગે.
આ ગણપતિને વિવાહવિનાયક શા માટે કહે છે? જુદી જુદી કિંવદંતીઓ પ્રવર્તે છે. એક માન્યતા મુજબ ઋષિ વિશ્વામિત્ર અને અપ્સરા મેનકાની દીકરી શકુંતલા અને રાજા દુષ્યંતનાં લગ્ન આ મંદિરે થયાં હતાં. પિતા જેવું જ ક્રોધિત મગજ ધરાવનાર શકુંતલાએ પોતાના ગુસ્સાથી છુટકારો મેળવવાનેય અહીં ગણેશજીની પૂજા કરી હતી. અસલ ટિટવાલા મંદિર છેક અગિયારમી સદીમાં કણ્વ રાજાએ, કાલુ નદીના કાંઠે બાંધ્યું હતું તેવું કહેવાય છે. એ મંદિર જોકે એકાએક ત્યારે ગાયબ થઈ ગયું જ્યારે તેની બાજુમાં તળાવ બાંધવામાં આવ્યું. એક જમાનાનું મંદિર માધવરાવ પેશ્વાએ બંધાવ્યું હતું. એમને એકવાર દુંદાળાદેવ સપનામાં આવ્યા, જગ્યાનો સંકેત આપ્યો અને પછી એ જગ્યાએથી મૂર્તિ મળી આવતાં તેમણે નિર્માણ કર્યું મંદિરનું. અત્યારનું મંદિર ચીમાજી અપ્પાએ વસઈનો કિલ્લો જીત્યા પછી બાંધ્યું હોવાનું કહેવાય છે.
સિદ્ધિવિનાયક, ટિટવાળેશ્વર, મહાગણેશ જેવાં નામે પણ આ બાપ્પા પુજાય છે. અંગારિકા ચતુર્થી, ગણેશ ચતુર્થી, સંકષ્ટી અને માઘી ચતુર્થીમાં ભક્તજનોનાં ટોળેટોળાં ટિટવાલા પહોંચે છે. તડકાથી બચવા માટેના શેડ્ઝમાં કતારબદ્ધ સૌ મંદિરના મુખ્ય કક્ષમાં, ‘ગણપતિ બાપ્પા મોરયા’ જેવા નાદ કરતા પહોંચે છે. ગણેશદર્શનની સાથોસાથ ટિટવાલામાં વિઠ્ઠલ-રુક્મિણી મંદિરમાં દર્શન કરવાનોય વિશેષ મહિમા છે. મુખ્ય મંદિર નજીક આવેલા આ મંદિરમાં કહેવાય છે કે છેક પંઢરપુરના મંત્રોચ્ચાર પડઘાય છે.
સાઠના દાયકા સુધી ટિટવાલા ગણેશ મંદિર જૂનું અને સાદું હતું. ભાવિકોનો પ્રવાહ વધતો ચાલ્યો પછી મંદિરનો તબક્કાવાર વિકાસ કરવામાં આવ્યો. આજે મંદિરની પાસે સરસ તળાવ છે. એમાં બોટિંગનો આનંદ માણી શકાય છે. અહીં રોશનીથી ઝળહળતા ફુવારા, એમ્ફી થિયેટર પણ છે. મંદિર પાછળના માર્ગેથી ખુલ્લી જમીન પર ચાલીને લટાર મારો તો કાલુ નદીના કાંઠેય પહોંચી શકાય. એક મુદ્દો ચર્ચામાં લઈએ કે ટિટવાલા જઈ દર્શન કરીને શા માટે મન અત્યંત પ્રફુલ્લિત થાય છે?
કલ્યાણના રહેવાસી મધુસુદન શાહ કહે છે, ‘અડધા કે આખા દિવસમાં ટિટવાલા જઈને પાછા આવો ત્યાં દર્શનનો લાભ અને સરસ સેર કરી આવ્યાનો બેવડો આનંદ મળે છે.’ વાતમાં દમ તો છે. દર્શન કર્યા પછી ખરેખર ટિટવાલા પણ એકાદ ચક્કર મારવા જેવું છે. મંદિર નજીક એંસી જેટલી પૂજાપાની દુકાન, નાનકડી હોટેલ વગેરે વટાવીને આગળ વધો તો મજાનું વિશ્વમાં વિહરતા હોવ એવું લાગે. ભલે વસતિવધારાને લીધે હવે ટિટવાલામાં મકાનોની સંખ્યા વધતી ચાલી છે છતાં અહીંની મોકળાશ, હવામાં અનુભવાતી હળવાશ અને મૂળ ગામમાં વર્તાતી નિરાંતનો જોટો જડવો અઘરો છે.
દસેક પેઢીથી મંદિરમાં ભગવાનની પૂજાવિધિનો કાર્યભાર સંભાળતો જોશીપરિવાર ચારેક પેઢીથી એનું સુપેરે સંચાલન કરે છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહ ઉપરાંત પહેલે માળે જઈને અંધારિયા વાતાવરણનો આનંદ અને વાતાવરણમાં ગુંજતી શાંતિ તક મળે તો માણજો. ઘણાની એવીયે માન્યતા છે કે અહીંના બાપ્પાની મૂર્તિનું કદ ધીમેધીમે વધી રહ્યું છે. હશે, એટલું નક્કી કે ટિટવાલા ગણેશ મંદિરના ગભારામાં જતાંવેંત ભગવાન સન્મુખ થતાં શ્રદ્ધાનું કદ અકલ્પનીય હદે વધી જાય છે.
ઓહ, લગ્નની વાત!
વિવાહવિનાયક કહેવાતા ટિટવાલા ગણપતિ લગ્નની ઇચ્છા પૂરી કરનારા દેવની સાથે લગ્નમાં ચાલતા ઘર્ષણને નિવારવાનું કામ કરી આપે છે. તેથી ઘણાં યુગલ જેમનું બનતું ન હોય તેઓ બધું સમુંસૂતરું થાય તે માટે બાપ્પાનાં દર્શને આવે છે. ટિટવાલા આવતા ભક્તજનોમાં એવી મંડળી ખાસ્સી જોવા મળે છે જે અસલ જૂની સ્ટાઇલમાં ઘરેથી નાસ્તો-પાણી અને ભોજન લાવીને ભક્તિ સાથે મિજબાનીનો આનંદ માણે છે. ટિટવાલા જવાનો કાર્યક્રમ કરવા જેવો છે. ગણપતિ બાપ્પાના આશીર્વાદ, નાના નગરની મીઠાશ અને એક દિવસના પર્યટનની ખુશી, ત્રણેયનો સંગમ થશે. બાપ્પાના આશીર્વાદે જીવન ઊજળું થશે તે બોનસમાં. બોલો, ગણપતિ બાપ્પા મોરયા.
(પત્રકાર અને લેખક સંજય વિ. શાહના લેખ સંગ્રહમાંથી)