સોમવાર, 17 ફેબ્રુઆરીએ મળસ્કે પાટનગર દિલ્હીમાં 4.0 મેગ્નિટ્યુડ, તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સમગ્ર દિલ્હી-એનસીઆર વિસ્તારને એણે હચમચાવી નાખ્યો હતો. આ અણધાર્યા આંચકાઓએ પાટનગરના નાગરિકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આમ તો આ આંચકો તીવ્રતાના માપદંડથી મધ્યમ ગણાય છે, તેમ છતાં, ભૂકંપની તીવ્રતા તેની માત્ર 5 કિલીમીટરના ઊંડાણ અને દક્ષિણ દિલ્હીના ગીચ વસ્તીવાળા વિસ્તાર ધૌલા કુઆં નજીકના કેન્દ્રને કારણે વધી ગઈ હતી. આ નિકટતાનો એવો અર્થ થતો હતો કે ભૂકંપનાં સીસ્મિક તરંગો ઝડપભેર સર્વત્ર પ્રસરી ગયાં. એ કારણસર કારણે અનેકત ઇમારતો હચમચી હતી લોકો ગભરાટમાં ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
મધ્યમ છતાં આંચકો તીવ્ર કેમ લાગ્યો?
નિષ્ણાતોના મતે ભૂકંપની ઊંડાઈ ઓછી હોવાને કારણે ધડાકાઓ તીવ્ર લાગ્યા હતા. ઓછી ઊંડાઈવાળા ભૂકંપો સામાન્ય રીતે વધુ ઊંડાઈવાળા ભૂકંપો કરતાં જમીનની બાહ્ય સપાટી પર વધુ હલચલ પેદા કરે છે, ભલે તીવ્રતા ઓછી હોય. વધુમાં, દિલ્હીની ભૂસ્તરીય રચના કાંપવાળી કે જલોઢ માટીની છે. આવી માટી સીસ્મિક તરંગોની અસર વધારે છે અને એટલે, આવી ધરીત પર એની અસર વધુ વર્તાય છે.
દિલ્હીની સીસ્મિક સંવેદનશીલતા
દિલ્હી સીસ્મિક ઝોન ચારમાં આવેલી છે. આ ઝોન ગંભીર ભૂકંપો માટે એ પ્રમાણમાં ઉચ્ચ જોખમવાળો વિસ્તાર ગણાય છે. પાટનગરનો વિસ્તાર દિલ્હી-હરિદ્વારની કોરે અને મહેન્દ્રગઢ-દેહરાદૂન ફોલ્ટ જેવી સક્રિય ફોલ્ટ લાઇન્સની નજીક સ્થિત છે. એટલે એ ભૂકંપના મામલે વધુ સંવેદનશીલ છે. શહેરી ગીચતા અને ભૂકંપ પ્રતિરોધક પગલાં વિના આવી જમીનવાળા વિસ્તારમાં ઝડપી માળખાકીય વિકાસને લીધે ભૂકંપથી થતું જોખમ વધી જાય છે.
તાજેતરના વિકાસ અને જનતાની પ્રતિક્રિયા
દિલ્હીમાં સદભાગ્યે આ ભૂકંપમાં કોઈ નોંધપાત્ર નુકસાન થયું નહોતું. કોઈ જાનહાનિ થયાની બાતમી પણ નથી. જોકે આ ઘટનાએ દિલ્હીની સીસ્મિક સંવેદનશીલતાનું પુનઃ સ્મરણ કરાવ્યું છે. ભૂકંપ આવ્યા પછી ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયા પર દિલ્હીમાં એના લીધે છત પર હલતા પંખા અને નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદ વિસ્તારોમાંથી ઇમારતો ખાલી કરતા લોકોના વિડિયો તરતા થઈ ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એનસીએસ) દિલ્હી વિસ્તારમાં સીસ્મિક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓએ નાગરિકોને સજાગ રહેવા અને આફ્ટરશોક્સ માટે તૈયાર રહેવાની અપીલ કરી છે.


