આજના ઇન્ટરનેટ અને ડિજિટલ યુગમાં સ્કેમ બહુ વધી ગયાં છે. ઓનલાઇન ફ્રોડમાં વિવિધ પ્રયુક્તિઓ અને તરીકા અપનાવીને લોકોને છેતરવામાં આવે છે અને મોટી રકમ પડાવાય છે. સ્કેમરો એવી તરકીબો અપનાવે છે કે હોંશિયાર ગણાતી વ્યક્તિ પણ પળવાર તેમાં વિશ્વાસ કરી બેસે છે. હવે કોલ મર્જ સ્કેમ આવ્યું છે જે લોકોને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. સરકાર અને બેન્કો સતત લોકોને ચેતવણી આપી રહી છે, પરંતુ થોડી બેદરકારી રાખી તો તમારી પરસેવાની કમાણી ગુમાવી શકો છો. આ નવા કૌભાંડમાં છેતરપિંડી કરનારા વપરાશકર્તાઓને તેમની જાણ વગર કોલ્સ મર્જ કરવા અને ઓટીપી મેળવવાનું કહે છે. એકવાર ઓટીપી મળી જાય પછી તેમને બેન્ક ખાતું ખાલી કરવામાં વધુ સમય લાગતો નથી.
જો તમે પણ યુપીઆઈ અથવા ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરો છો, તો આ નવા કૌભાંડ વિશે જાણવું રહ્યું. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ તેના એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પર વપરાશકર્તાઓને આ જોખમ વિશે ચેતવણી આપી છે.
આ સ્કેમમાં મોડસ ઓપરેન્ડી આવી છે. સૌપ્રથમ તમને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. ફોન કરનાર દાવો કરે છે કે તેને તમારો નંબર તેના કોઈ પરિચિત વ્યક્તિ પાસેથી મળ્યો છે. પછી તે કહે છે કે તે પહેલેથી કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે જેને તમે જાણો છો અને તમને પણ કોલ્સ મર્જ કરવાનું કહે છે. તમે કોલ્સ મર્જ કરો છો કે તરત તમારો કોલ બેન્કના ઓટીપી વેરિફિકેશન કોલ સાથે કનેક્ટ થઈ જાય છે. પછી તમારા ફોન પર આવતો ઓટીપી છેતરપિંડી કરનાર સુધી પહોંચવાનું શરૂ થાય છે અને તે તમારા બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આવાં કૌભાંડો વિશે ચેતવણી જારી કરી છે. તેનાથી બચવા માટેના કેટલાક રસ્તા સૂચવ્યા છે. એનપીસીઆઈએ કોઈપણ અજાણ્યા કોલને મર્જ કરવાની મનાઈ ફરમાવી છે. એનસીપીઆઈ હેલ્પલાઇન નંબર 1930 પર આવા કપટી કોલ વિશે ફરિયાદ કરવાની સલાહ આપી છે.
આજે ડગલેને પગલે સાવધાની રાખવી આવશ્યક થઈ ગઈ છે. કોઇ અજાણ્યો ફોન આવે ત્યારે સાવધાન બની જાવ. તેની કોઈ સૂચનાનું વિચાર કર્યા વિના પાલન નહીં કરો. અજાણ્યા કોલર્સના કોલ મર્જ કરશો નહીં. જો કોઈ કોલ મર્જ કરવાનું કહે તો પહેલાં કોલરથી નામ અને નંબરની ચકાસણી કરો. બીજું, કોઈ સાથે ક્યારેય ઓટીપી શેર કરશો નહીં. કોઈ બેન્ક કે નાણાકીય સંસ્થા ક્યારેય ઓટીપી માગતી નથી. બેન્ક એકાઉન્ટ નંબર પણ અજાણ્યા જોડે શેર કરશો નહીં. જો કોઈ આવું કરે તો સાવચેત રહો.
જો તમને કોઈ કારણ વગર ઓટીપી મળે, તો તરત જ તેની જાણ કરો. જો તમને કોઈ વ્યવહાર વગર ઓટીપી મળે, તો તાત્કાલિક બેન્ક ગ્રાહક સંભાળ અથવા 1930 હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરો. યૂપીઆઈ અને બેન્કિંગ સુરક્ષા સુવિધાઓ ચાલુ રાખો. ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન સક્રિય કરો અને બેન્ક સંબંધિત કોઈ ચેતવણીને અવગણશો નહીં. અંતે, તમે છેતરાયા છો એવું જરા પણ લાગે તો સંબંધિત બેન્ક તથા સાયબર સેલનો તાાત્કાલિક સંપર્ક કરો.


