- હોટલ, હોસ્પિટલ્સ, મોલ્સ કે સોશિયલ મીડિયા…કશું સુરક્ષિત નથી
મીડિયામાં એવા અહેવાલો આવ્યા છે કે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ફોટો અને વીડિયો યૂટ્યુબ અને ટેલિગ્રામ પર વેચાઈ રહ્યા છે. બદમાશો આનો પણ વેપાર કરવા લાગ્યા છે. અમુક ફોટા મૂકીને પછી થોડા નાણાં આપો એટલે વધુ ફોટા અને વીડિયો મળશે એવી જાહેરાતો ટેલિગ્રામમાં કરાય છે. બીજો ચોંકાવનારો કિસ્સો ગુજરાતમાં રાજકોટની એક હોસ્પિટલનો છે. રાજકોટની એક ખાનગી હોસ્પિટલ- પાયલ હોસ્પિટલના લેબર રૂમમાં મહિલાને ઇન્જેક્શન આપતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. એક જાગૃત યુવાને સાયબર ક્રાઈમને ટેગ કરીને ટ્વિટ કર્યા પછી સાયબર ક્રાઈમ એક્ટિવ થઈ ગઈ. પ્રથામિક તપાસમાં ભાંડો ફૂટ્યો કે આ બધું તો આંતરરાજ્ય ષડયંત્ર છે અને આવી વીડિયો ક્લિપ કે ફોટા વેચીને પૈસા કમાવવાનું સાધન બનાવી દેવાયું છે.
રાજકોટમાં આવેલી પાયલ મેટરનિટી હોમમાં સારવાર માટે જતી મહિલાઓના સીસીટીવી ફૂટેજ યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થઈ ગયા હતા. વાઈરલ વીડિયો અંગે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ. હોસ્પિટલના ડાયરેક્ટરોએ એવું કહ્યું કે, અમારી હોસ્પિટલનો કોઈ સ્ટાફ ફૂટેજ લીક કરે એવી શક્યતા નથી. પરંતુ અમારી હોસ્પિટલના સીસીટીવી હેક થયા છે. મહિલા દર્દી હોસ્પિટલમાં આવે છે. લેબર રૂમમાં પહોંચે છે. બે નર્સ પડદા આડા કરીને મહિલાને પાછલા ભાગે ઈન્જેક્શન આપે છે. આ બધું વીડિયો રેકોર્ડિંગ ફરતું થઈ ગયું હતું. જેમણે પણ આ હરકત કરી તેમણે યુટ્યૂબ પર સાત વીડિયો પોસ્ટ કર્યા હતા તથા વધુ વીડિયો જોવા માટે ટેલિગ્રામ ચેનલની લિન્ક મૂકવામાં આવી હતી. આ વીડિયો ડાઉનલોડ કરવા માટે 8થી 10 હજાર રૂપિયા સુધીની કિંમત નક્કી કરવામાં આવી હતી.
આવી ઘટનાઓ બની રહી છે પરંતુ મીડિયામાં આવે છે ત્યારે બધા ચોંકી જાય છે. આ ઘટનાઓ સાંભળ્યા પછી દરેક વ્યક્તિની ચિંતા વધી જાય તે સ્વાભાવિક છે. સવાલ એ છે કે ગુપ્તતા કે પ્રાઇવસી જેવું ક્યાં રહ્યું છે? આ અને અન્ય ઘટનાઓ પછી લાગે છે કે હોટલો અને મોલના ચેન્જિંગ રૂમ બાદ હવે મહિલાઓ માટે હોસ્પિટલ પણ સુરક્ષિત ન રહી નથી. ઉપરાંત હોસ્ટેલો, અતિથિ ગૃહો, આશ્રમો પણ સુરક્ષિત નથી. હોટેલો, મોલ્સ વગેરેમાં ઝટ નજરે ન ચડે એવા નાના કદના કેમરા છૂપાવી દેવામાં આવે છે અને એ રીતે રેકોર્ડિંગ થાય છે. આ બધું કોઈ નેટવર્ક દ્વારા થતા ગંદા ધંધાના ભાગરૂપે થાય છે. તમારા ફોન કોલ્સ પણ સુરક્ષિત નથી. સોશિયલ મીડિયામાં તમે જે માહિતી કે ફોટા મૂકો છો તેનો દૂરુપયોગ થવાનો મોટો ખતરો હોય છે. તમે કોઈપણ એપ પર જાઓ છો તો તમે ત્યાં તમારો બધો જ ડેટા આપી દો છો. તમને નથી ખબર કે તમારા ડેટા સાથે શું શું થાય છે. બની શકે કે તમારો એ ડેટા ક્યાંક ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો હોય. આજે મોબાઇલ ફોન્સ, વિવિધ એપ્સ, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોથી માંડીને મોટા ભાગની ચીજો ચીનમાં ઉત્પાદિત થઇને વેચાઈ રહી છે. ચીન દ્વારા જાસૂસી થવાનો આંતરરાષ્ટ્રીય આરોપ છે જ. આ ઉપકરણો મારફત આપણા ડેટાની ચોરી થાય છે.
સરકાર દ્વારા આ બાબતે 3 ઓગસ્ટ, 2023ના રોજ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. નવા ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 હેઠળ એવી જોગવાઈ છે કે, જે કંપનીઓ યુઝર્સના ડિજિટલ ડેટાનો દુરુપયોગ કરે છે અથવા તેને સિક્યોર કરવામાં નિષ્ફળ જાય છે તેને 250 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ બિલનો હેતુ ઇન્ટરનેટ કંપનીઓ, મોબાઇલ એપ્લિકેશન્સ અને ખાનગી કંપનીઓને પ્રાઈવસી અધિકાર હેઠળ નાગરિકોના ડેટા સેઈફ રાખવાનો અધિકાર આપવાનો છે. પરંતુ આપણે આપણા તરફથી ડગલેને પગલે સાવચેતી રાખવાની છે.


