રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ સાથે દાસ દેશના સૌથી પ્રભાવશાળી બ્યુરોક્રેટ્સમાં સ્થાન પામ્યા છે. તેઓની નિમણૂક એ રીતે ઐતિહાસિક છે કે દેશમાં પહેલીવાર કોઈ વડા પ્રધાનના બે પ્રિન્સિપાલ સેક્રેટરી હશે. બીજી નોંધનીય વાત કે દાસ અને વર્તમાન પ્રિન્સિપાલ સેક્રેટરી પ્રમોદ કુમાર મિશ્રા બેઉ મૂળ ઓડિશાના છે. ભારતીય બ્યુરોક્રસીમાં આ પ્રથમવાર હશે કે એક રાજ્યના બે અધિકારીઓ આવા મહત્ત્વના પદે સહિયારા ફરજ નિભાવશે.

1980ની બેચના તામિલનાડુ કેડરના આઈએસ અધિકારી દાસની નાણાં, આર્થિક નીતિ ઘડતર અને શાસનમાં સન્માનિત કારકિર્દી રહી છે. 2018થી 2024 સુધી તેઓએ રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે સેવા આપી હતી. એ પહેલાં દેશની નાણાકીય નીતિને આકાર આપવામાં પણ અગ્રણી ભૂમિકા ભજવી હતી. એમાં મુખ્યત્વે આ બાબતો સામેલ હતી.
– આર્થિક બાબતો વિભાગના સચિવ (2015-2017)
– મહેસૂલ વિભાગના સચિવ (2014-2015)
– નાણાં મંત્રાલયમાં સંયુક્ત સચિવ (2010-2013)
– ભારતના જી20 શેરપા (2017-2018)
રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે, તેમણે કોવિડ-19 આર્થિક સંકટ સમયે, વધતી મોંઘવારી અને બેન્કિંગ ક્ષેત્રના સ્થિરીકરણ સહિત મુશ્કેલીના સમયમાં દેશની આર્થિક નીતિને આકાર આપ્યો હતો. તેઓના કાર્યકાળમાં નિર્ણાયક વ્યાજદર સંબંધિત નિર્ણયો લેવાયા હતા. સાથે, ડિજિટલ વિનિમય વ્યવસ્થાનું વિસ્તરણ અને સમાજના દરેક વર્ગના નાણાકીય સમાવેશનાં પગલાં પણ લેવાયાં હતાં. વડા પ્રધાનના બીજા પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક સૂચવે છે કે આર્થિક શાસન, નાણાકીય સ્થિરતા અને નીતિની સાતત્યતા મોદી સરકાર માટે ટોચની પ્રાથમિકતા રહેશે.
પહેલીવાર વડા પ્રધાનના બે પ્રિન્સિપાલ સેક્રેટરી: દેશની તવારીખમાં પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે વડા પ્રધાનના કાર્યાલય, પીએમઓમાં બે પ્રિન્સિપાલ સેક્રેટરી હશે. બેઉ ઓડિશા મૂળના છે. બેઉ અનુભવી અધિકારીઓ છે. દેશના પ્રશાસનિક હોદ્દાઓમાં ઓડિશાની વધતી મહત્તાને એ ઉજાગર કરે છે.
મિશ્રા 2019થી મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી છે. તેઓ મુખ્યત્વે શાસન, આપત્તિ પ્રબંધન અને બ્યુરોક્રિેટિક મામલાઓના નિર્ણય લે છે. અંદાજ સેવવામાં આવે છે દાસ આર્થિક નીતિ ઘડતર, નાણાકીય શાસન અને નાણાકીય સુધારા આગળ ધપાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બેઉ પ્રિન્સિપાલ સેક્રટેરીની સંયુક્ત નિપુણતા પીએમઓ અને રિઝર્વ બેન્ક, નાણાં મંત્રાલય વચ્ચે સાયુજ્ય સાધવામાં મદદરૂપ થશે એવી આશા સેવાય છે.
ભારતમાં સૌથી પ્રભાવશાળી પદોમાંનું એક સંભાળતાં દાસ નિમ્નલિખિત કાર્યોને ન્યાય આપશે એવી અપેક્ષા છે:
– આર્થિક નીતિનું આયોજન અને એનો અમલ
– રિઝર્વ બેન્ક, નાણાં મંત્રાલય અને વૈશ્વિક આર્થિક સંસ્થાઓ સાથે સંકલન
– નાણાકીય અને બેન્કિંગ ક્ષેત્રના સબળ સુધારા
– વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે નાણાકીય નીતિઓનું દિશાસૂચન
જી20માં વાટાઘાટો અને નોટબંધીના નાણાકીય સંક્રમણનું સંચાલન કરવાનો દાસનો અનુભવ તેઓને મોદીના દીર્ઘકાલીન આર્થિક દ્રષ્ટિકોણને અમલમાં મૂકવામાં મહત્વના અધિકારી બનાવે છે.
જટિલ આર્થિક પડકારો અને વૈશ્વિક નાણાકીય પરિવર્તનો વચ્ચે, દાસની નિમણૂક કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ સુદ્રઢ કરવાના ઇરાદા સ્પષ્ટ કરે છે. નીતિ સાતત્ય, નાણાકીય સ્થિરતા અને આર્થિક સુધારા માટે સૌની નજર દાસના કાર્યકાળ અને નિર્ણયો પર રહેશે.


