૨૦૦૧ના ધરતીકંપમાં આ ચબૂતરાને નુકસાન થયું હતું. તેના ઘુમ્મટમાં પડેલી તિરાડો આજે પણ દૃશ્યમાન છે અને એ બાબત જોખમી પણ છે
એક સમી સાંજે, જરાતરા સૂર્યપ્રકાશ સાથે રોશનીની હરીફાઈમાં ઉતરેલી સ્ટ્રીટલાઇટ વચ્ચે આ પોળમાં જવાનું થાય ત્યારે તરત વિચાર આવેઃ દૂરથી ભવ્ય દેખાતો આ ચબૂતરો જો સરસ રીતે ઉપયોગમાં લેવાતો હોય તો…
…વાત તો એટલી ખૂંચે છે કે ના પૂછો વાત. કારણ કે આશરે દોઢેક દાયકાથી આ ચબૂતરો બિલકુલ જેમનો તેમ ઊભો છે. ઊંચા ઓટલા વચ્ચે પથ્થરના થાંભલા પર ઊભેલો આ ચબૂતરો આજે માત્ર ભૂતકાળનાં સુંદર સંસ્મરણોનો સાક્ષી બનીને રહી ગયો છે. આવું કેવી રીતે થયું?

દેવીપૂજક સમાજના લોકોની વિશેષ વસતિ આ પોળમાં છે. સોએક વરસ પહેલાં બંધાયેલા આ ચબૂતરાનું નિર્માણ ત્યારે અહીં મોટી સંખ્યામાં વસતા પટેલોએ કરાવ્યું હતું. બંધાયા પછી ચબૂતરાની સારસંભાળની અને દાણો-પાણીની વ્યવસ્થા કરવાની કામગીરી દાયકાઓ સુધી સરસ રીતે ચાલતી રહી હતી. કાળક્રમે અહીંથી પટેલો સ્થળાંતર કરીને ચાલ્યા ગયા. નવા પરિવારોએ તેમનું સ્થાન લીધું. અકળ કારણોસર ચબૂતરાનું મહાત્મ્ય ઓછું થતું ગયું. પંદરેક વરસ પહેલાં પોળના પંચ હસ્તક દાણો-પાણીની વ્યવસ્થા સારી રીતે ચાલતી હતી. પછી બધું ઠપ!
માન્ય કે પોળના રહેવાસીઓ આજે પણ યથાશક્તિ ચણ નીરે છે પણ એના લીધે ચબૂતરો ધબકી રહ્યો છે એવું ના કહી શકાય. વળી નિસ્તેજ રંગ, ઝાંખી પડી ચૂકેલી આભા વગેરેને લીધે ચબૂતરાને જિર્ણોદ્ધારની પણ જરૂર છે. અહીંના એક સ્થાનિક રહેવાસી દાણા- પાણીની જવાબદારી સ્વખર્ચે ઉઠાવે છે પણ એક વ્યક્તિથી બધી જવાબદારી કેમ સચવાય?
૨૦૦૧ના ધરતીકંપમાં આ ચબૂતરાને નુકસાન થયું હતું. તેના ઘુમ્મટમાં પડેલી તિરાડો આજે પણ દૃશ્યમાન છે અને એ બાબત જોખમી પણ છે. જારની કોઠી, સીડી, ઓટલા વગેરે બધાના સમારકામની અહીં ખાસ્સી જરૂર છે. કોઈકના સાથ-સહકારમાં જા ચબૂતરો ફરી વૈભવશાળી થાય તો અહીંના રહેવાસીઓ બાકીયો જવાબદારી સાચવી લેશે. જો કોઈકનો સાથ-સહકાર મળે તો…
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

